ગુજરાત હાઇકોર્ટે સોમવારે (28 જુલાઈ) એક ચુકાદામાં 2002નાં ગોધરા હિંદુ હત્યાકાંડ (Godhara Hindu Massacre) બાદ આણંદ શહેરમાં ફાટી નીકળેલાં રમખાણો મામલે ટ્રાયલ કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવેલી ત્રણ વ્યક્તિઓને નિર્દોષ મુક્ત કરી છે. આણંદમાં બનેલી ઘટનામાં સચિન પટેલ અને અન્ય બે વ્યક્તિઓએ દાખલ કરેલી અરજી કોર્ટે સ્વીકારીને 2006નો ટ્રાયલ કોર્ટનો આદેશ રદબાતલ ઠેરવ્યો હતો અને તેમને આરોપમાંથી મુક્ત કર્યા હતા.
હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, “દોષસિદ્ધિ માત્ર એક સાક્ષીના નિવેદન પર આધારિત હતી, જેની કોઈ પણ સ્વતંત્ર સાક્ષ્ય થકી પુષ્ટિ ન થઈ શકી કે ન કોઈ ઠોસ સબૂત મળી શક્યા. બાકી સાક્ષીઓ કાં આરોપીઓને ઓળખી ન શક્યા અથવા અમુકનાં નિવેદનોમાં પ્રોસિક્યુશનના કેસથી વિરોધાભાસ જોવા મળતો હતો.”
કોર્ટે ઓળખ પરેડ ન કરાવવા મામલે પણ સવાલો ઉઠાવ્યા અને મુખ્ય ફરિયાદી પર પણ શંકા વ્યક્ત કરી. સાથે કહ્યું કે આરોપીઓએ ગુનો આચર્યો હોવાનું સાબિત કરવા માટે વિશ્વસનીય પુરાવાનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે અને પ્રોસિક્યુશન આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેથી આરોપીઓને શંકાનો લાભ આપીને મુક્ત કરવા જોઈએ.
શું છે કેસ?
મામલો 27 ફેબ્રુઆરી, 2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ સંબંધિત છે. આ દિવસે સવારે અયોધ્યાથી કારસેવકોને લઈને આવતી ટ્રેનને ગોધરા રેલવે સ્ટેશન પર એક પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે મુસ્લિમ ટોળાંએ આગ લગાવી દીધી હતી, જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 નિર્દોષ હિંદુઓ માર્યા ગયા હતા.
આ ઘૃણાસ્પદ ઘટના બાદ ગુજરાતભરમાં આક્રોશ ફાટી નીકળ્યો અને અનેક ઠેકાણે રમખાણો થયાં હતાં. આ કેસ આણંદમાં થયેલા આવા જ એક છમકલાંનો હતો. 1 માર્ચ, 2002ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં અમુક હિંદુઓ વિરુદ્ધ આણંદમાં અમુક દુકાનો સળગાવવાનો અને તોફાનો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ કેસમાં કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જેમની વિરુદ્ધ IPCની કલમ 143 (ગેરકાયદેસર મંડળી), 147 (રાયોટિંગ), 436 (આગ અથવા વિસ્ફોટક પદાર્થો સાથે ગેરરીતિ), 457 અને 380 (લૂંટફાટ) અને બૉમ્બે પોલીસ એક્ટની કલમ 135 (કર્ફ્યૂ અથવા આપાતકાલીન આદેશનું ઉલ્લંઘન) હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા.
ચાર વર્ષ સુધી કેસની ટ્રાયલ ચાલી અને નવમાંથી ચાર વ્યક્તિઓને દોષી ઠેરવવામાં આવ્યા. બાકીનાને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા. દોષિતોએ પછીથી ટ્રાયલ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેનો 19 વર્ષે ચુકાદો આવ્યો છે. ચારમાંથી એક વ્યક્તિનું 2020માં મૃત્યુ થઈ ગયું હતું.
તમામે કોર્ટમાં અરજી દાખલ કરીને દલીલો કરી હતી કે, કેસમાં તેમની સંડોવણીના કોઈ સીધા અને ઠોસ પુરાવા નથી. ઉપરાંત સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં વિલંબથી માંડીને ઓળખ પરેડ અને નિવેદનોમાં વિરોધાભાસ વગેરેને ટાંકીને ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.
પ્રારંભિક FIRમાં કોઈ આરોપીનું નામ નહીં, ફરિયાદી લિયાકતે અન્યોએ કહેલી વાતોના આધારે નોંધાવી હતી ફરિયાદ
લાંબી સુનાવણીને અંતે હાઇકોર્ટે નોંધ્યું કે, પ્રારંભિક FIR નોંધવામાં આવી તેમાં કોઈ આરોપીઓનાં નામ ન હતાં. ઉપરાંત, આ FIR તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરાવવામાં આવી હતી. પછીથી જે દુકાનમાં તોડફોડ થવાનો દાવો કરવામાં આવ્યો હતો તેના માલિક લિયાકત કરીમ વોહરાએ પણ એક લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેનો ઉપયોગ પ્રોસિક્યુશને પુરાવા તરીકે કર્યો હતો. પરંતુ હાઇકોર્ટને તેમાં ખામી જણાઈ. કોર્ટે કહ્યું કે, ફરિયાદીનો આશય તેની દુકાનમાં થયેલા નુકસાનનું વળતર મેળવવાનો હોવાનું જણાય આવે છે અને તે પોલીસ મથકે પણ ઘણા દિવસો બાદ પહોંચ્યો હતો.

કોર્ટે અવલોકનમાં જણાવ્યું છે કે, આ ફરિયાદ પર કોઈ તારીખ લખવામાં આવી નથી અને પોલીસે આધિકારિક રીતે તેની નોંધણી કરી ન હતી. તેની ઉપર એન્ટ્રીનો કોઈ સિક્કો પણ જોવા મળતો નથી. કોર્ટે એમ પણ નોંધ્યું કે આરોપીઓનાં નામ અને IPCની કલમોનો જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને જોતાં એ શક્યતા ન નકારી શકાય કે તે કાયદાકીય સલાહ બાદ વ્યવસ્થિત રીતે ડ્રાફ્ટ કરીને નોંધાવવામાં આવી હોય શકે. ઉપરાંત, ફરિયાદીએ આરોપીઓનાં નામ તેના કાકા અને સાળાનાં નિવેદનોના આધારે આપ્યાં હતાં, પોતે કોઈને જોયા ન હતા.
ઓળખ પરેડ કરાવવામાં ન આવી
હાઇકોર્ટે આદેશમાં એ પણ નોંધ્યું કે આ કેસમાં ઓળખ પરેડ પણ કરાવવામાં આવી ન હતી, જે રમખાણોના આ પ્રકારના કેસમાં જરૂરી છે. સાક્ષીઓ પહેલી વખત કોર્ટમાં આરોપીઓની ઓળખ કરે તેની વિશ્વસનીયતા એટલી નથી, કારણ કે આરોપીઓનાં નામ FIRમાં નથી. સાક્ષીઓનો પહેલાં તેમની સાથે કોઈ સંબંધ ન હતો અને નિવેદનો નોંધવામાં પણ વિલંબ થયો હતો.
સાક્ષીઓનાં નિવેદનોમાં વિરોધાભાસ
કોર્ટે સાક્ષીઓએ પોલીસને નોંધાવેલાં નિવેદનોમાં પણ વિરોધાભાસ હોવાનું જણાવ્યું હતું. લિયાકત, તેના સાળા ઈરફાન અને કાકા મોહમ્મદ જમાલે પોલીસને 17 દિવસ બાદ નિવેદન આપ્યાં હતાં. આટલો વિલંબ શા માટે થયો તેનો સંતોષકારક જવાબ પ્રોસિક્યુશન આપી શક્યું નહીં.
મોહમ્મદ જમાલે ટ્રાયલ કોર્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે તે ટોળામાંથી કોઈને ઓળખતો ન હતો અને તેણે કોઈનાં નામ આપ્યાં ન હતાં. છતાં લિયાકતે (માલિક) દાવો કર્યો હતો કે બાકીના બેએ (તેનો સાળો અને કાકો) તેને આરોપીઓનાં નામ આપ્યાં હતાં. યુસુફે આરોપીઓને જોયા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેની જુબાની પોલીસ રેકર્ડ અને અન્ય સાક્ષીઓનાં નિવેદનો સાથે મેળ ખાતી ન હતી.
કેસની અન્ય એક અગત્યની વિગત એ છે કે જે પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ કરી હતી તેમણે પણ ક્યારેય આરોપીઓની ઓળખ કરી નથી. તેમણે જણાવ્યું કે તેઓ પહોંચ્યા ત્યારે ટોળું સ્થળ પરથી ભાગી ગયું હતું અને સ્થળ પર કોઈની ધરપકડ થઈ શકી ન હતી. જેથી આરોપીઓ સ્થળ પર હોવાના પણ કોઈ પુરાવા મળી શક્યા નહીં.
લૂંટફાટ અને આગના દાવાઓ પણ સાબિત ન થઈ શક્યા
લિયાકતે ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેની દુકાનમાં ટોળાએ લૂંટફાટ મચાવીને તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી, જેમાં ઓઇલ ડ્રમ, ફર્નિચર અને કોમ્પ્યુટરને નુકસાન થયું હતું. જે તે સમયે ₹5.5 લાખ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસના પંચનામામાં જણાવાયું હતું કે માત્ર પ્લાસ્ટરને નુકસાન થયું હતું, લૂંટફાટનો, ઓઇલ ઢોળાયું હોવાનો કે આગ લગાવવામાં આવી હોવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

ટ્રાયલ કોર્ટે આરોપીઓને IPC 149 હેઠળ દોષી ઠેરવ્યા હતા, પરંતુ દોષી માત્ર ચાર જ વ્યક્તિઓ ઠેરવાયા છે. હાઇકોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, કાયદા અનુસાર IPC 149 (ગેરકાયદેસર મંડળી) હેઠળ ‘સમાન ઉદ્દેશ્ય’ સાબિત કરવા માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓ જરૂરી છે.
પુરાવાના અભાવે કોર્ટે આરોપમાંથી મુક્ત કર્યા

ટૂંકમાં, હાઇકોર્ટે નોંધ્યું કે, પ્રોસિક્યુશનનો કેસ માત્ર એક જ સાક્ષીની જુબાની પર આધારિત હતો, જેની વિશ્વનિયતા પણ શંકાના દાયરામાં છે. અન્ય કોઈ સાક્ષી એ વાતની પુષ્ટિ કરી શક્યો નહીં કે ઘટના સમયે આરોપીઓ સ્થળ પર હાજર હતા. આરોપીઓ સ્થળ પર હોવાના પણ કોઈ સીધા, પુષ્ટિ કરી શકે તેવા અને ફોરેન્સિક પુરાવાઓ મળી શક્યા નહીં. જેથી તેમને શંકાનો લાભ મળવો જોઈએ તેમ કહીને કોર્ટે ત્રણ વ્યક્તિઓની દોષસિદ્ધિ રદ કરીને આરોપો રદ કરી દીધા હતા અને નિર્દોષ મુક્ત કર્યા હતા.


