Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતભડકાઉ ભાષણ આપનારો મુફ્તી સલમાન અઝહરી રહેશે જેલમાં જ: હાઈકોર્ટે PASA વિરુદ્ધની...

    ભડકાઉ ભાષણ આપનારો મુફ્તી સલમાન અઝહરી રહેશે જેલમાં જ: હાઈકોર્ટે PASA વિરુદ્ધની અરજી ફગાવી, જૂનાગઢ મેજિસ્ટ્રેટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર

    ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સલમાન અઝહરીના ભાઈએ અન્ય સમર્થક સાથે PASAના આદેશને રદ કરવાની માંગ કરી હતી. જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ વિમલ વ્યાસની ખંડપીઠે વિગતે દલીલો સાંભળ્યા બાદ મુફ્તીની દલીલોને ફગાવી દીધી હતી.

    - Advertisement -

    ગુજરાતના જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુંબઈના મુફ્તી સલમાન અઝહરીને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટે સોમવારે(29 જુલાઈ) સલમાન અઝહરીની PASA વિરુદ્ધની અરજી ફગાવી દીધી હતી. જેમાં તેણે પોતાને PASA હેઠળ જેલમાં રાખવા વિરુદ્ધ અરજી કરી હતી અને પાસા રદ કરવાની માંગણી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તે અરજી ફગાવી દેતા કહ્યું છે કે, જૂનાગઢ મેજિસ્ટ્રેટના નિર્ણયમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. જૂનાગઢ હેટ સ્પીચ કેસમાં સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. સતત ભડકાઉ ભાષણોને લઈને જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટે તેના પર PASA લાગુ કરી દીધા હતા.

    ગુજરાતમાં મુફ્તી સલમાન અઝહરી પર હેટ સ્પીચના ત્રણ કેસ ચાલી રહ્યા છે. દરમિયાન તેને ત્રીજા કેસમાં જામીન મળ્યાના તરત બાદ જ જૂનાગઢ જિલ્લા પ્રશાસને અઝહરી સામે અસામાજિક પ્રવૃતિ નિવારણ અધિનિયમ(PASA) હેઠળ કાર્યવાહી કરી હતી. જૂનાગઢ જિલ્લા કલેકટરે ફેબ્રુઆરીમાં આ અંગે આદેશ આપ્યો હતો અને PASA હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં જુનાગઢ, કચ્છ અને અરવલ્લીના મોડાસામાં ભડકાઉ ભાષણ આપવા બદલ ત્રણ અલગ-અલગ ગુનામાં ધરપકડ કરવામાં આવ્યા બાદ અઝહરી સામે PASA લાગુ કરવામાં આવ્યા હતા.

    ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સલમાન અઝહરીના ભાઈએ અન્ય સમર્થક સાથે PASAના આદેશને રદ કરવાની માંગ કરી હતી. જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ વિમલ વ્યાસની ખંડપીઠે વિગતે દલીલો સાંભળ્યા બાદ મુફ્તીની દલીલોને ફગાવી દીધી હતી. ખંડપીઠે કહ્યું હતું કે, “અમને એ માનવામાં કોઈ ખચકાટ નથી કે અધિનિયમની કલમ 4(3) હેઠળ કેદીની કથિત ન્યાયિક ગતિવિધિઓને કારણે પ્રતિકૂળ અસર ઊભી થઈ છે અથવા જાહેર વ્યવસ્થાની જાળવણી પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે.” હાલ સલમાન અઝહરીને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે.  

    - Advertisement -

    મુફ્તીના પક્ષ તરફથી એવી દલીલ આપવામાં આવી હતી કે, અધિકારીઓએ તેમને જે દસ્તાવેજો આપ્યા હતા તે ગુજરાતીમાં હતા. જ્યારે મુફ્તી માત્ર હિન્દી, ઉર્દૂ અને અરબી ભાષા જ જાણે છે. તે કર્ણાટકનો છે અને મુંબઈમાં રહે છે. હાઈકોર્ટે કહ્યું કે, અઝહરીએ તેના ભાઈ અને સમર્થક દ્વારા રજૂઆત કરીને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે અને યોગ્ય રીતે પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ રજૂ કરી છે, ત્યારે તે હવે એવી દલીલ ના કરી શકે કે તે ભાષાના અવરોધને કારણે અસરકારક રીતે પોતાનું પ્રતિનિધિત્વ કરી શક્યો નથી.” આમ ગુજરાત હાઈકોર્ટે મુફ્તી સલમાન અઝહરીની અરજી ફગાવી દીધી છે અને હાલ પૂરતો તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામા આવ્યો છે.  

    ત્રણવાર જામીન મળ્યા બાદ થયા હતા PASA

    ઉલ્લેખનીય છે કે વિવિધ જગ્યાએ ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરી સામે ત્રણ અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયા હતા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયા બાદ સૌપ્રથમ જૂનાગઢ પોલીસે ગુનો નોંધી મુફ્તી અઝહરીની મહારાષ્ટ્રના મુંબઈથી ધરપકડ કરી હતી. જે પછી તે જ દિવસે જૂનાગઢ પહેલાં કચ્છના સામખિયાળીમાં એ જ પ્રકારનું ભડકાઉ ભાષણ આપવા મામલે કચ્છ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

    જૂનાગઢમાં નોંધાયેલા કેસમાં જામીન મળ્યા બાદ સામખિયાળીમાં નોંધાયેલી FIRના કેસમાં કચ્છ પોલીસે મુફ્તીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને 3 દિવસ માટે રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. જે પછી આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ₹30 હજારના બોન્ડ પર તેને જામીન આપ્યા હતા. 

    કચ્છની ભચાઉ કોર્ટે જામીન આપ્યા બાદ મોડાસા પોલીસે મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી હતી. જ્યાં તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પછી તેને મોડાસા સેશન કોર્ટેમાંથી શરતી જામીન મળ્યા હતા, પરંતુ જામીન પર બહાર નીકળે એ પહેલા જ જૂનાગઢ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતા તેની અટકાયત કરી લીધી હતી અને મુફ્તી સલમાન અઝહરીને વડોદરા સ્થિત સેન્ટ્રલ જેલને હવાલે કર્યો હતો. જ્યારે હવે તેની PASA વિરુદ્ધની અરજીને પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં