તાજેતરમાં જ રાજકોટમાં (Rajkot) વક્ફ બોર્ડના નામે હિંદુ વેપારીઓની દુકાનો ખાલી કરાવવાની ઘટના સામે આવી હતી. જેમાં આરોપી ફારૂક મુસાણી (Faruq Musani) સહિતના લોકો પર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, હવે એ જ ફારૂક મુસાણી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, આરોપી ફારૂક તેના પરિવાર અને સહયોગી હારુન સાથે મળીને મોચી બજારમાં કતલખાનું (Slaughterhouse) ચલાવી રહ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન તેના ઠેકાણાં પરથી ગૌમાંસના ટુકડા (Beef slices) પણ મળી આવ્યા હતા. પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
માહિતી અનુસાર, તાજેતરમાં જ રાજકોટના મોચી બજાર ખાડામાં ચાલતા ગેરકાયદે કતલખાનાનો ગૌરક્ષકોએ ભાંડો ફોડ્યો હતો. દરમિયાન જાણવા મળ્યું હતું કે, કતલખાનાનો સંચાલક ફારૂક મુસાણી છે. જીવદયાપ્રેમી ભાવિન પટેલે 17 જાન્યુઆરીએ આ અંગેની અરજી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમાં જણાવાયું હતું કે, આઇપી મિશન સ્કૂલ પાછળ મોચી બજાર ખાડામાં આવેલા બે માળના મકાનમાં ગેરકાયદે કતલખાનું ચાલે છે અને ત્યાંથી ગૌમાંસનું વેચાણ પણ થાય છે.
FSLમાં થઈ ગૌમાંસની પુષ્ટિ
આ અરજીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને 30 જનયુઆરીના રોજ તે ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. પોલીસ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં મૃત પશુનું ચામડું પડ્યું હતું અને માંસના ટુકડા પણ મળી આવ્યા હતા. આ સાથે જ કાળા રંગના શિંગડા સાથેનું પશુનું માથું પણ મળી આવ્યું હતું અને માંસ કાપવા માટેના છરા પણ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કબજે કરેલા માંસનાં સેમ્પલ FSLમાં મોકલ્યાં હતાં. જે બાદ 3 ફેબ્રુઆરીના રોજ FSL રિપોર્ટ પોલીસ પાસે આવ્યો હતો. રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું હતું કે, ફારક મુસાણી પોતાના કબજાના મકાનમાં ગૌવંશની કતલ કરીને તેના માંસનું વેચાણ કરતો હતો.
ત્યારબાદ સમગ્ર કાર્યવાહી પૂર્ણ થતાં 6 ફેબ્રુઆરીના રોજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફારૂક મુસાણી અને તેના કતલખાનામાં ગૌવંશને કાપવાનું કામ કરતા જંગલેશ્વરના હારુન લિંગડિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલે તપાસ કરતા PSI પરમારે જણાવ્યું હતું કે, બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ગૌવંશ ક્યાંથી લાવતા હતા, તે અંગે આરોપીઓ હજુ સુધી કઈ બોલ્યા નથી
દિવ્ય ભાસ્કર અનુસાર, રાજકોટના તે વિસ્તારમાં કતલખાનાના 17 ગેરકાયદે થડાઓ ધમધમી રહ્યાં છે અને તે તમામ ફારૂક મુસાણીના ઈશારે ચાલી રહ્યાં છે. આ સાથે જ આ કામમાં ફારૂકના પરિજનો પણ સામેલ હોવાનું કહેવાય રહ્યું છે. વધુમાં તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, નવાબ મસ્જિદ પાસે આવેલી હિંદુઓની દુકાનો પર કબજો કરીને ત્યાં પણ કતલખાના શરૂ કરવાના મનસૂબા સાથે ફારૂક મુસાણીએ કાવતરું રચ્યું હતું. હાલ તો આ મામલે પોલીસ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.