રાજકોટમાં (Rajkot) બે હિંદુ વેપારીઓની દુકાનોના (Shops of Hindu traders) તાળાં તોડીને સામાન બહાર ફેંકી દેવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે, ફારૂક મુસાણી (Farooq Musani) સહિતના 25ના મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) રાત્રે દુકાનના તાળાં તોડી નાખ્યા હતા અને સામાન રોડ પર ફેંકવાનો શરૂ કરી દીધો હતો. વેપારીઓએ વિરોધ કરતા ફારુકે વક્ફ બોર્ડના ઓર્ડરનો (Waqf Board Order) હવાલો આપ્યો હતો અને નોટિસ (Notice) મુજબ કાર્યવાહી કરી હોવાનું કહ્યું હતું. બીજી તરફ રાજકોટ પોલીસે (Rajkot Police) પણ આ ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
5 booked for allegedly threatening man to vacate shop as Waqf board property#Rajkot #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/3Z0HS3EVAt
— Tv9 Gujarati (@tv9gujarati) January 1, 2025
આ સમગ્ર ઘટના બાદ વિરેન્દ્રભાઈ કોટેચા નામના પીડિત ફરિયાદીએ રાજકોટ A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફારૂક મુસાણી સહિતના ટોળાં સામે ફરિયાદ દાખલ કરી હતી. 31 ડિસેમ્બરની મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે 1 જાન્યુઆરી, 2025ના રોજ ફારૂક મુસાણી તથા તેની સાથેના અજાણ્યા ચાર-પાંચ ઇસમો વિરુદ્ધ FIR નોંધી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 189(3), 190, 329(3) અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
‘વક્ફ બોર્ડનો આદેશ છે, દુકાનો ખાલી કરો’
FIR અનુસાર, રાજકોટમાં આવેલા જૂના દાણાપીઠ વિસ્તારમાં 31 ડિસેમ્બર, 2024ની રાત્રે ફારૂક મુસાણી સહિતના લોકોએ હિંદુ વેપારીઓની દુકાનોના તાળાં તોડી નાખ્યા હતા. વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવીને તેમણે બે દુકાનોના તાળાં તોડી નાખ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે, ફારૂક સહિતના લોકોએ દુકાનમાં રહેલો સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાનો એકાએક ખાલી કરાવવામાં આવતા વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. ફરિયાદ અનુસાર, હિંદુ વેપારીઓ વર્ષોથી તે દુકાનો ભાડે રાખીને વેપાર કરતા હતા. ફરિયાદી પોતે 50 વર્ષથી તે દુકાનમાં મંડપસર્વિસનું કામ કરે છે.
ફરિયાદી અનુસાર, તે દુકાનો નવાબ મસ્જિદ ટ્રસ્ટની માલિકી હેઠળ આવે છે અને વર્ષોથી તેઓ પોતે તે દુકાન ચલાવી રહ્યા છે. દરમિયાન 31 ડિસેમ્બર, 2024ના રોજ સાંજના અરસામાં ફરિયાદી વિરેન્દ્રભાઈ નજીકમાં જ પોતાના ભત્રીજાની દુકાન પર બેસવા માટે ગયા હતા. ઠીક તે જ સમયે ફારૂક મુસાણી સહિતના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને બે દુકાનોના તાળાં તોડીને સામાન બહાર ફેંકવા લાગ્યા હતા. જેમાંથી એક દુકાન ફરિયાદીની પોતાની હતી.
ફરિયાદ મુજબ, ઘટના બાદ ફરિયાદી પોતાની દુકાન તરફ ઘસી આવ્યા હતા અને ફારૂક મુસાણીને તેવું ન કરવા માટેનું કહેવા લાગ્યા હતા. જેના જવાબમાં મુસાણીએ કહ્યું હતું કે, તે પોતે નવાબ મસ્જિદનો ટ્રસ્ટી છે અને વક્ફ બોર્ડના ઓર્ડર પર દુકાનો ખાલી કરાવી રહ્યો છે. આ સાથે જ તેણે અન્ય એક વેપારીને ‘દુકાનો ખાલી કરો, નહીં તો સામાન ફેંકી દઇશું’ની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત તેણે દુકાનોનો કબજો મસ્જિદને સોંપવાનું પણ કહ્યું હતું.
આ ઉપરાંત ફારૂક મુસાણીએ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ગાંધીનગરનો તારીખ 19 ડિસેમ્બર, 2024નો ઓર્ડર લેટર બતાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે દુકાનોનો કબજો ખાલી કરીને મસ્જિદને સોંપી દેવા માટે જણાવ્યું હતું. આ ઘટના બાદ વેપારીએ પોલીસને જાણ કરી હતી અને રાજકોટ A-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે બાદ વેપારીએ પોલીસ સ્ટેશન જઈને ફારૂક મુસાણી સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
‘કોઈપણ નોટિસ આપ્યા વગર તોડી નાખ્યા દુકાનોના તાળાં’- ફરિયાદી
ઘટનાની વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ ફરિયાદી વિરેન્દ્રભાઈ કોટેચાનો સંપર્ક કર્યો હતો. તેમણે ઘટનાને લઈને જણાવ્યું હતું કે, ફારૂક મુસાણી સહિત લગભગ 20થી 25નું ટોળું તેમની દુકાન તરફ ઘસી આવ્યું હતું અને પૂર્વ ચેતવણી વગર જ દુકાનોના તાળાં તોડી સામાન બહાર ફેંકી દેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, “ફારૂક મુસાણી સહિતના લોકોએ ગેરકાયદેસર રીતે દુકાનોમાં ઘૂસી જઈને સામાન બહાર ફેંકી દીધો હતો. હમણાં પણ મારી દુકાનનો સામાન રસ્તા પર પડ્યો છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવ્યા બાદ અમે અમારા વકીલ દ્વારા અમદાવાદથી જાણકારી મેળવી હતી. જે અનુસાર, વક્ફ બોર્ડનો નિયમ એવો છે કે, કોઈપણ સ્થળનો કબજો લેવા માટે ત્રણ વખત નોટિસ આપીને જાણ કરવી જરૂરી છે. જ્યારે અમને એક પણ વખત નોટિસ આપવામાં આવી નથી અને જાણ પણ કરવામાં આવી નથી. 19 તારીખનો ઓર્ડર લેટર છે અને સીધા 31 તારીખે તાળું જ તોડી નાખવામાં આવ્યું છે, જે નિયમ વિરુદ્ધ ગણવામાં આવે છે.”
‘દુકાનો નિયમ મુજબ ખાલી નથી કરાવી’- પોલીસ
વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાના મામલે રાજકોટ શહેર DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું છે કે, “ફારૂક મુસાણી સહિત 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આમાં વક્ફ બોર્ડના આદેશ બાદ દુકાનો ખાલી કરાવી હોવાનો લેટર સામે આવ્યો છે, તે લેટરનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. વક્ફ બોર્ડના લેટરમાં જ નિયમ મુજબ કબજો લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અનુસાર નિયમ મુજબ નોટિસ આપવાની હોય અને પોલીસને સાથે રાખી ખાલી કરાવવાની હોય છે. દુકાનો નિયમ મુજબ ખાલી ન કરાવવામાં આવી હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”