છેલ્લા કેટલાક સમયથી દરિયાઈ સીમાને અડીને આવેલા દ્વારકાના (Dwarka) વિસ્તારોમાં સતત દાદાનું બુલડોઝર (Dadanu Bulldozer) ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના કિંમતની હજારો વર્ગમીટર સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. ત્યારે હવે દ્વારકાના 21 પૈકીના 7 ટાપુઓ (Islands of Dwarka) સંપૂર્ણ દબાણમુક્ત કરી દેવામાં આવ્યા છે. આ ટાપુઓ પર મઝહબી સહિતના અનેક ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં પ્રશાસન સતત કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના 21 પૈકીના 7 ટાપુઓ પરના 35 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણોમાં દરગાહ અને મઝાર જેવા મઝહબી દબાણો પણ સામેલ હતા. દબાણો દૂર થતા અહીંનો પટ ખુલ્લો થઈ ગયો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહી બાદના દ્રશ્યો પોતાના સત્તાવાર X હેન્ડલ પર શેર કર્યા હતા. તેમણે દબાણોના બીફોર-આફ્ટર ડ્રોનશોટ શેર કરીને લખ્યું કે, “દેવભૂમિ દ્વારકા…. જિલ્લાના 7 ટાપુઓ હવે 100% દબાણ મુક્ત થઈ ગયા છે. સાતેય ટાપુઓ પરથી 36 ગેરકાયદેસર બાંધકામો સફળતાપુર્વક હટાવી દેવામાં આવ્યા છે. આપણી સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત કરવા માટે પ્રશાસન અને ટીમના સમર્પણ અને પ્રતિબદ્ધતાને વંદન.” સાથે એ પણ નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “આપણી સાંસ્કૃતિક વિરાસત પર કોઈ દબાણ સહન કરી શકાય તેમ નથી અને તેની રક્ષા કરવી પણ આપણી જવાબદારી છે.”
DevBhoomi Dwarka!
— Harsh Sanghavi (@sanghaviharsh) January 21, 2025
The 7 islands of Dwarka district are NOW 100% encroachment-free!
A total of 36 illegal structures have been successfully removed from the seven islands.
Kudos to the Administration and team for their dedication and commitment to preserving our cultural… pic.twitter.com/cOU9AWfoPE
પ્રતિબંધિત ટાપુઓ, તેમ છતાં દબાણ
નોંધવું જોઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૂલ 21 નિર્જન ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ પૈકીના કેટલાક ટાપુઓ પર ગેરકાયદેસર બાંધકામો કરીને દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે તેવા 7 ટાપુ, જેવાકે – ખારા, મીઠા, ચૂસણા, આશાબા, ધબધ્બો, સામયાણી અને ભૈદર નામના ટાપુઓ પર દબાણો હટાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, અહીં સામાન્ય લોકો માટે પ્રવેશ નિષેધ હોવા છતાં આ પ્રકારના બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે દબાણ હટાવવાની કામગીરી બાદ પ્રશાસન તે દિશામાં તપાસ કરી રહ્યું છે કે, અહીં આટલા મોટા બાંધકામ કોણે અને કેવી રીતે ઉભા કરી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે, તેની પાછળ જવાબદાર લોકો વિરુદ્ધ ધારા-ધોરણ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
શા માટે જરૂરી હતી કાર્યવાહી?
નોંધનીય છે કે, ગુજરાત દેશમાં સહુથી મોટો એટલે કે 1600 કિલોમીટર લાંબો દરિયા કાંઠો ધરાવતું રાજ્ય છે. ત્યારે દરિયાઈ સીમાને સુરક્ષિત કરવી તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ દરિયાઈ માર્ગ પાડોશી દેશ પાકિસ્તાન માટે ભારતમાં ઘૂસવા એક સરળ પ્રવેશ દ્વાર જેવા છે. કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર જેવા સ્થળોએ ઘૂસણખોરી અને તસ્કરીના પ્રશ્નો એક સમયે ખૂબ જ ગંભીર બન્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને આગેવાનીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં પ્રશાસન અને પોલીસ બંને મજબૂતીથી કામ કરી રહ્યા છે.
તાજેતરના હજારો કરોડના ડ્રગ્સની ઘૂસણખોરી અટકાવીને રાજ્ય સરકારે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, દરિયાઈ સીમાડા શા માટે સુરક્ષિત રાખવા જરૂરી છે. નોંધનીય છે કે, આ પ્રકારના બાંધકામો ઘૂસણખોરી અને તસ્કરી માટે સરળ આશ્રયસ્થાન અને સાયલન્ટ એક્ટિવિટી સેન્ટર જેવા હોય છે. સાથે સાથે અહીં દબાણ થવાથી દરિયાઈ જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન પહોંચે તેવી ભીતિ હોય છે. ત્યારે દ્વારકાના 21 પૈકીના 7 ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત થવાનું કાર્ય વાસ્તવમાં નોંધનીય છે.