Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિદેશ જવાનું કહીને ગુમ થઇ ગયેલી ડભોઇની મહિલા પોલીસકર્મી પ્રેમી સદ્દામ સાથે...

    વિદેશ જવાનું કહીને ગુમ થઇ ગયેલી ડભોઇની મહિલા પોલીસકર્મી પ્રેમી સદ્દામ સાથે મહારાષ્ટ્રથી પકડાઈ: પરિવારે લગાવ્યો હતો લવ જેહાદનો આરોપ

    પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે નજીકના જ ગામનો એક મુસ્લિમ યુવક સદ્દામ ગરાસિયા પણ આ જ સમય દરમિયાન ગુમ થઇ ગયો છે.

    - Advertisement -

    વડોદરાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી અચાનક ગુમ થઇ જતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલાં અચાનક મહિલા ઘરેથી જતી રહી હતી. પરિવારને મહિલા તેના મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની આશંકા હતી, જે સાચી ઠરી છે. મહિલા અને તેનો પ્રેમી સદ્દામ બંને મહારાષ્ટ્રમાંથી પકડાયાં હતાં.

    24 વર્ષીય મહિલા ડભોઇ પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત સોમવારે (16 જાન્યુઆરી 2023) 8 દિવસની રજાનો રિપોર્ટ મૂકીને સાંજે છ વાગ્યે તે પોલીસ મથકેથી નીકળી હતી. ત્યારથી તેનો સંપર્ક થઇ શક્યો નહતો તેમજ મોબાઈલ ફોન પણ સ્વિચ ઑફ આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, પોલીસ મથકેથી નીકળ્યા બાદ તેણે બનાસકાંઠામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતી તેની મોટી બહેનને પોતે વિદેશ જાય છે તેવો મેસેજ કર્યો હતો અને પછીથી તે ગાયબ થઇ ગઈ હતી. 

    - Advertisement -

    16મીએ સાંજે મહિલા ઘરે પરત ન ફરતાં પરિજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસ મથક ઉપરાંત અન્ય સ્થળોએ પણ તપાસ કરી હતી પરંતુ ક્યાંય તેનો પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ, તેનો ફોન સતત સ્વિચ ઑફ આવી રહ્યો હતો. આખરે પરિવારે પોલીસનો સંપર્ક કરીને કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. 

    ફરિયાદના આધારે ડભોઇ પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી.

    નજીકના ગામનો સદ્દામ પણ ગુમ 

    પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે નજીકના જ ગામનો એક મુસ્લિમ યુવક સદ્દામ ગરાસિયા પણ આ જ સમય દરમિયાન ગુમ થઇ ગયો છે. ઉપરાંત, બંનેએ ગત 28 ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, બંને છ મહિનાથી સંપર્કમાં હતાં એવું પણ અહેવાલો જણાવી રહ્યા છે. જેથી બંને ભાગી ગયાં હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. યુવતીએ વિદેશ જવાની વાત કરી હતી જેથી તેમની યોજના એ પ્રકારની હોય તેવી પણ આશંકા છે પરંતુ જાણવા મળ્યું છે કે બંને પાસે પાસપોર્ટ નથી.

    પિતાનો આરોપ- આ લવ જેહાદ, ડભોઇ પોલીસે કહ્યું- નિવેદનો લેવાય પછી જ વધુ માહિતી મળી શકે 

    યુવતીના પિતાએ ‘લવ જેહાદ’ હેઠળ આ કાવતરું રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે તેમની પુત્રીનાં લગ્ન ચાર વર્ષ પહેલાં થયાં હતાં પરંતુ છેલ્લા થોડા સમયથી પતિ સાથે મનમેળ ન હતો. તેને વશમાં લઈને અપહરણ કરવામાં આવ્યું હોવાનો પિતાનો આરોપ છે. 

    બીજી તરફ, મહિલા પોલીસકર્મી ગુમ થવા મામલે ડભોઇ પોલીસે જણાવ્યું છે કે, “બંને પરિચયમાં હતાં અને પોલીસને બંને મુંબઈમાં હોવાની માહિતી મળી છે. તેઓ મળે અને નિવેદન લેવામાં આવે પછી જ આ બાબતે કોઈ નિષ્કર્ષ નીકળી શકે. હાલ લવ જેહાદની કોઈ વિગતો મળી નથી.” 

    અપડેટ: તાજા અહેવાલો અનુસાર મહિલા અને તેનો પ્રેમી સદ્દામ ગરાસિયા બંને મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મળી આવ્યાં હતાં. ડભોઇ પોલીસે બંનેને પકડીને હિરાસતમાં લીધાં હતાં. જ્યાંથી બંનેને લઈને પોલીસ ડભોઇ આવવા માટે રવાના થઇ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં