અમદાવાદના (Ahmedabad) વટવામાં (Vatva) ખજુરી મસ્જિદ પાસે આવેલી અકબરીબાગ સોસાયટીમાં ગૌવંશની તસ્કરી (Cow Smuggling) થતી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તે પહેલાં તસ્કરીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે ગૌવંશોને એક કારમાંથી ઉતારવામાં આવતા હોવાનું જોવા મળ્યું હતું. વટવાના સ્થાનિક મુસ્લિમ મહિલાના ઘર પર લાગેલા CCTVમાં આ ઘટના કેદ થઈ હતી. જે બાદ મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની માહિતી અનુસાર, વટવા પોલીસે આરોપી અકીલ શેખ, ઇકબાલ ઉર્ફે રાણા, હસનૈન સરફરાઝ પઠાણ, ફૈઝાન અઝીઝખાન પઠાણ અને ઈરફાન અઝીઝખાન પઠાણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ અકબરીબાગ સોસાયટીના રહેવાસી છે. સ્થાનિક મુસ્લિમ મહિલાએ 13 માર્ચે નોંધાવેલી FIR અનુસાર, આ ઘટના 9 માર્ચના રોજ બનવા પામી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
ફરિયાદ અનુસાર, 8-9 માર્ચની રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તેઓ એક કામથી ઘરે પરત ફર્યાં ત્યારે જોયું કે ઘરની પાસે એક ફોર્ચ્યુનર કાર ઊભી હતી અને સ્થાનિક અકીલ શેખ, તેનો ભાઈ ઇકબાલ અને સરફરાઝ તે કાર પાસે ઉભેલા જોવા મળ્યા હતા.
ફરિયાદી અનુસાર, ઘણી વાર સુધી કાર રસ્તાની વચ્ચે જ ઊભી હતી. જે બાદ તેમણે નજીક જઈને જોતાં કારની પાછળના ભાગમાં રાખવામાં આવેલા ગાયના વાછરડાઓને આ ત્રણ આરોપીઓઓ બહાર ફેંકી રહ્યા હતા. વધુમાં આરોપ છે કે, આરોપીઓ આ વાછરડાઓને ઢસડીને કતલ કરવાના ઇરાદે સરફરાઝના ઘરમાં લઈને ગયા હતા. FIR અનુસાર, આ ઘટના બાદ ફરિયાદી મહિલાએ અકીલના પત્નીને આ ગેરકાયદેસર કામ ન કરવાનું કહ્યું હતું.
વહેલી સવારે પણ જોવા મળી ગૌવંશની તસ્કરી
ફરિયાદ મુજબ, અકીલના પત્નીને સમજાવીને ફરિયાદી મહિલા પોતાના ઘરમાં જતાં રહ્યા હતા. પરંતુ, તે ઘટના ફરિયાદીના ઘર બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. તે જ દિવસે વહેલી સવારે 4 વાગ્યે ફરિયાદીના ભાઈએ તેમને જણાવ્યું કે, આરોપીઓ વધુ ગાયો લઈને આવ્યા છે અને સરફરાઝના ઘરમાં નાખી રહ્યા છે. ત્યારબાદ સવારે ફરિયાદી મહિલાએ આરોપીઓ સાથે વાત કરી હતી અને તેમના ઘર સામે આવા ગેરકાનૂની કામ ન કરવા જણાવ્યું હતું. આરોપ છે કે, સમજાવવા ગયેલા ફરિયાદી સાથે મુસ્લિમ આરોપીઓએ ઝઘડો કર્યો હતો. ફરિયાદ અનુસાર, આ ઘટના બાદ ફરિયાદી ડરી ગયા હતા અને ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસે આરોપી અકીલ, ઇકબાલ, હસનૈન સરફરાજ, ફૈઝાન અઝીઝખાન અને ઈરફાન અઝીઝખાન વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની કલમ 6(ક), 8(4), 10 અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1)(D) હેઠળ ગુનો દાખલ કર્યો છે. વટવાના PI ઝાલાએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, હાલ આ ઘટનાને લઈને કોઈ ધરપકડ થઈ નથી. આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
‘આરોપીઓ બજાર વચ્ચે નિર્વસ્ત્ર કરીને બળાત્કાર કરવાની આપી રહ્યા છે ધમકીઓ’- ફરિયાદી મહિલા
ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ કર્યા પહેલાં આરોપીઓ સાથેનું 50-60નું મુસ્લિમ ટોળું તેમના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને CCTV ફૂટેજ ડિલીટ કરાવવાની ધમકી આપી રહ્યું હતું. ફરિયાદીનો દાવો છે કે, આરોપીઓ તેમની પત્નીઓને આગળ કરીને ઝઘડો કરવા માટે મોકલતા હતા. ફરિયાદી મહિલાએ આરોપીઓની પત્નીઓના નામનો ખુલાસો પણ કર્યો હતો. ફરિયાદી મહિલાએ કહ્યું હતું કે, CCTV ડિલીટ કરાવવાને લઈને સ્થાનિક આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા હતા.
વધુમાં તેમનો આરોપ છે કે, સ્થાનિક ટોળું ઘર બહાર રહીને તેમને ધમકી આપી રહ્યું હતું કે, “તેને (ફરિયાદીને) બજાર વચ્ચે નિર્વસ્ત્ર કરો, તેના વાળ કાપો અને 50 લોકો પાસે તેનો બળાત્કાર કરાવો.” મહિલાનો દાવો છે કે, સ્થાનિક મુસ્લિમ મહિલાઓએ પણ તેમને ખૂબ હેરાન કર્યા છે અને હાલ પણ તેઓ ઘર છોડીને અન્ય જગ્યા પર રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે, આ આરોપીઓ વર્ષોથી પાડા કાપવાની આડમાં ગૌવંશનું કતલ કરી રહ્યા છે.
વધુમાં મહિલાનો એ પણ આરોપ છે કે, આ ઘટના પહેલાં પણ અવારનવાર આરોપીઓ તેમના ઘરની બહાર લગાવેલા CCTVને નુકસાન પહોંચાડવાનું કામ કરતા હતા. વધુમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, CCTV ફૂટેજને ડિલીટ કરાવવા માટે આરોપીઓને તેમને લાખો રૂપિયા આપવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન મહિલાએ પોતાની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને પોલીસ પ્રશાસનને મદદ કરવા અને સુરક્ષા પૂરી પાડવા માટેની અરજ કરી હતી.