Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાત'પાકિસ્તાન બનાવવા ઝીણાને સંઘે સહયોગ આપ્યો': ફેસબુક પર RSS વિશે અભદ્ર પોસ્ટ,...

    ‘પાકિસ્તાન બનાવવા ઝીણાને સંઘે સહયોગ આપ્યો’: ફેસબુક પર RSS વિશે અભદ્ર પોસ્ટ, ઉપલેટાના વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ; કાર્યવાહીની માગ

    આ પોસ્ટમાં લખ્યું હતું કે જેઓ તાકાત વાળા હતા તેઓ લડવા ગયા અને ડરેલા લોકો સંઘમાં જોડાયા. સાથે જ વિડીયોમાં સંઘનો ખોટો ઈતિહાસ દર્શાવી દાવો કરવામાં આવ્યો હતો કે શ્યામાપ્રસાદ મુખર્જીએ અને હેડગેવારજીએ અંગ્રેજોને સહયોગ કર્યો હતો અને પાકિસ્તાન બનાવવા માટે મોહમ્મદ અલી ઝીણાને સંઘે સહયોગ આપ્યો હતો.

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આરોપ છે કે ઉપલેટા ખાતે રહેતા વિનોદ ઘેરવડા નામના વ્યક્તિએ સંઘની છબી ખરડાવવાના હેતુથી પોતાના ફેસબુક એકાઉન્ટ પર અભદ્ર પોસ્ટ કરી હતી. જે બાદ રાજકોટ ખાતે રહેતા મંગેશકુમાર દેસાઈ નામના વ્યક્તિએ ફેસબુક પર RSS વિશે અભદ્ર પોસ્ટ મૂકનાર વિનોદ ઘેરવડા વિરુદ્ધ રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.

    ફરિયાદ કરનાર મંગેશકુમાર દેસાઈ હિંદુ જાગરણ મંચ રાજકોટ મહાનગરના સંયોજક છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાના ફેસબુક એકાઉન્ટના સર્ફિંગ દરમિયાન વિનોદ ઘેરવડાની વોલ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છબી ખરડાવવાના હેતુથી અનેક પોસ્ટ મૂકેલી હોવાનું નજરે પડ્યું હતું. આ પ્રકારની પોસ્ટમાં ‘જો નીડર થે વો જંગ મેં ગયે, જો કાયર થે વો સંઘ મેં ગયે’ના કેપ્શન સાથે એક ફોટો મૂકવામાં આવ્યો હતો. આ ફોટામાં સંઘના એક સ્વયંસેવક ગણવેશ પહેરીને ઉભા હોય તેવું દર્શાવાયું છે અને તેમના ગણવેશનો પાછળનો ભાગ ભીનો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ફરિયાદ મુજબ આ પ્રકારની પોસ્ટ કરીને વિનોદ ઘેરવડાએ સંઘનું અપમાન કર્યું છે.

    આ મામલે ફરિયાદી મંગેશકુમાર દેસાઈએ ઑપઇન્ડિયા સાથે ટેલીફોનીક વાતચીત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “વિનોદ ઘેરવડાએ થોડા દિવસ આગાઉ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું કે એક સ્વયંસેવક ગણવેશમાં શાખા લગાવીને ઉભો છે અને તેના પાછળના ભાગે ગણવેશ ભીનો થઈ ગયો છે. સાથે જ તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે જેઓ તાકાતવાળા હતા તેઓ લડવા ગયા અને ડરેલા લોકો સંઘમાં જોડાયા. સાથે જ વિડીયોમાં સંઘનો ખોટો ઈતિહાસ દર્શાવી દાવો કરવામાં આવ્યો હતો કે શ્યામાપ્રસાદ મુખર્જીએ અને હેડગેવારજીએ અંગ્રેજોને સહયોગ કર્યો હતો અને પાકિસ્તાન બનાવવા માટે મોહમ્મદ અલી ઝીણાને સંઘે સહયોગ આપ્યો હતો.”

    - Advertisement -

    દેસાઈએ ઑપઇન્ડિયાને આગળ જણાવ્યું કે, “આ પોસ્ટમાં વિનોદ ઘેરવડાએ સંઘ વિશે ગેરમાર્ગે દોરતા દવાઓ અને આપત્તિજનક ફોટા મૂક્યા હોવાનું ધ્યાને આવ્યા બાદ ઉપલેટા, ધોરાજીથી કેટલાક લોકોએ અને રાજકોટ ખાતેથી મેં ફરિયાદ આપી છે.ફરિયાદ દાખલ થઇ હોવાની જાણ થતાં જ વિનોદ ઘેરવડાએ ગઈકાલે (17 ઓગસ્ટ 2023) રાત્રે તમામ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી, પણ અમે તે પોસ્ટના વિડીયો તથા સ્ક્રીનશોટ સાઈબર ક્રાઈમમાં પુરાવારૂપે આપ્યા છે.” મંગેશકુમાર દેસાઈએ આ મામલે કહ્યું હતું કે, આ પ્રકારની અભદ્ર પોસ્ટ કરવામાં આવતા અનેક સ્વયંસેવકો અને સંઘ વિચારધારા ધરાવતા લોકોની લાગણીઓ દુભાઈ છે અને ધારાધોરણ મુજબ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. દેસાઈ મુજબ આ મામલે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે વિનોદ ઘેરવડા દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં મૂકવામાં આવેલા વિડીયો અને કેપ્શનમાં તેમણે સંઘનો ખોટો ઈતિહાસ ચીતરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે હવે આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 153, 295, 505 તથા 120 (B), 35 ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 મુજબ કૉગ્નિઝેબલ ઓફેન્સ મુજબ લેખિત ફરિયાદ આપીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં