ઉત્તર પ્રદેશમાંથી જલાલુદ્દીન શાહ ઉર્ફે છાંગુર પીર (Chhangur Switzerland Connection) અને તેની સહયોગી નસરીનની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પર આરોપ છે કે, તેમણે એક સંગઠિત નેટવર્ક દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણ, મની લોન્ડરિંગ અને અન્ય ગંભીર ગુનાઓનું કાવતરું રચ્યું હતું. તાજેતરમાં ઉજાગર થયેલા સ્વિત્ઝરલેન્ડ કનેક્શનથી આ કેસે એક નવો વળાંક લીધો છે, જેમાં નસરીનના નામે સ્વિઝ બેન્કમાં ખાતું ખોલી કરોડોનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
છાંગુર પીર, જેનું અસલી નામ જલાલુદ્દીન શાહ છે, ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રેહરા માફી ગામનો રહેવાસી છે. તેના પર આરોપ છે કે તેણે આર્થિક રીતે નબળા પરિવારો, ખાસ કરીને હિંદુ અને બિન-મુસ્લિમ યુવતીઓને લોભામણી ઓફરો, ધમકી અથવા દબાણ દ્વારા ઇસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું. આ કામ માટે તેને વિદેશથી, ખાસ કરીને ગલ્ફ દેશો (સાઉદી અરેબિયા, દુબઈ) અને નેપાળ દ્વારા મોટી રકમનું ફંડિંગ મળ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સ્વિત્ઝરલેન્ડ કનેક્શન
તાજેતરની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ખુલાસો કર્યો છે કે, નસરીનના નામે સ્વિત્ઝરલેન્ડની બેન્કમાં ખાતું ખોલવામાં આવ્યું હતું, જેમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આ ખાતાઓ દ્વારા ગેરકાયદેસર રીતે મેળવેલી રકમનો મની લોન્ડરિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. EDની તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે, છાંગુર પીરના નેટવર્કે શેલ કંપનીઓનો ઉપયોગ કરીને આ નાણાંનું સંચાલન કર્યું હતું.
આ ઉપરાંત, નેપાળની સરહદ દ્વારા હવાલા ચેનલોનો ઉપયોગ કરીને ₹300 કરોડથી વધુ ટ્રાન્સફર થયા હોવાની પણ પુષ્ટિ થઈ છે. આ નાણાં બલરામપુર, શ્રાવસ્તી, બહરાઈચ અને લખીમપુર જેવા જિલ્લાઓમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિક નાણાં બદલનારાઓ નેપાળી ચલણને ભારતીય રૂપિયામાં ફેરવતા હતા.
ગેરકાયદે બાંધકામ અને વૈભવી ખર્ચાઓ
છાંગુર પીરે બલરામપુરના મધપુરમાં ચાંદ ઔલિયા દરગાહ પાસે એક ગેરકાયદેસર બાંધકામ કરાવ્યું હતું, જેને સરકારે તોડી પાડ્યું હતું. આ બાંધકામમાં તેનો પરિવાર અને સહયોગીઓ રહેતા હતા. તેની સંપત્તિમાં ₹100 કરોડથી વધુની જમીનો, લોનાવાલામાં 16 કરોડનો એસ્ટેટ, વિદેશી ઘોડા અને શ્વાન જેવા વૈભવી ખર્ચાઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) જુલાઈ 2025માં છાંગુર પીર અને નસરીનની લખનૌની એક હોટેલમાંથી ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમની પાસે 40થી વધુ બેન્ક ખાતાઓ હતા, જેમાં ₹100 કરોડથીનું ફંડિંગ આવ્યું હતું. આ રકમનો ઉપયોગ મોટાભાગે જમીન ખરીદવા, બાંધકામો અને વૈભવી જીવનશૈલી માટે કરવામાં આવ્યો હતો.
નસરીનની ભૂમિકા
નસરીન છાંગુર પીરની મુખ્ય સહયોગી હતી. તે વિદેશથી આવેલા ફંડનું સંચાલન કરતી હતી અને તેના ખાતાઓમાં ₹13.90 કરોડ જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા દુબઈમાં સ્ક્રેપનો વ્યવસાય ચલાવે છે, જે આ નેટવર્ક સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે.
EDએ 15 સ્થળોએ દરોડા પાડી ₹60 કરોડની ગેરકાયદેસર સંપત્તિની ઓળખ કરી છે. આ ઉપરાંત, શારજાહ, દુબઈ અને સાઉદી અરેબિયામાં પણ ખાતાઓ હોવાની શંકા છે, જેની તપાસ ચાલુ છે. ATSએ નસરીન અને છાંગુર પીરને સાત દિવસના રિમાન્ડ પર લીધા હતા, જે દરમિયાન ઘણા ખુલાસા થયા છે.


