મહારાષ્ટ્રમાં વિકિપીડિયાના ચાર-પાંચેક એડિટરો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલ દ્વારા દાખલ કરવામાં આવેલ આ કેસ છત્રપતિ સંભાજી મહારાજ વિશેના કન્ટેન્ટને લઈને સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સાયબર સેલે વિકિપીડિયાની પેરન્ટ સંસ્થા વિકિમીડિયા ફાઉન્ડેશનને નોટિસ ફટકારીને વિવાદિત કન્ટેન્ટ હટાવી દેવા માટે જણાવ્યું હતું અને જવાબ પણ માંગ્યો હતો, પરંતુ કોઈ જવાબ આપવામાં ન આવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. ત્યારબાદ વિવાદિત કન્ટેન્ટ સંપાદિત કરનારા અને ફેલાવનારા ચાર એડિટરો સામે FIR દાખલ કરવામાં આવી.
તેમની ઉપર છત્રપતિ સંભાજી મહારાજ વિશે વિવાદિત સામગ્રી પ્રકાશિત કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવાનો આરોપ લાગ્યો છે. FIRમાં IT એક્ટની કલમ 69 અને 79 લગાડવામાં આવી છે, જેમાં સરકારને ઓનલાઇન ઇન્ફોર્મેશન પર મોનિટરિંગ કરવાની સત્તા આપવામાં આવી છે.
આ મામલો તાજેતરમાં છાત્રપતિ સંભાજી મહારાજના જીવન પર રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’ને લઈને ચાલતી ચર્ચાઓ વચ્ચે સામે આવ્યો હતો. અગાઉ પણ લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાને આગળ વધારવા માટે વિવાદમાં આવી ચૂકેલા વિકિપીડિયા પર સંભાજી મહારાજ વિશે અમુક વિવાદિત બાબતો લખવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સાયબર સેલને આ મામલે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઐતિહાસિક તથ્યો સાથે આ પ્રકારની છેડછાડ ચલાવી લેવી જોઈએ નહીં.
નોંધવું જોઈએ કે વિકિપીડિયા એક ઓપન સોર્સ પ્લેટફોર્મ હોવાનો દાવો કરે છે. એટલે કે અહીં કોઈ પણ માહિતી નાખી શકે છે. પણ વાસ્તવમાં વિકિપીડિયા સાથે એડિટરો કામ કરે છે, જેમની પાસે આ માહિતી દૂર કરવાની, ઉમેરવાની, સંદર્ભો ટાંકવાની અને ચકાસવાની સત્તા છે. ભારતમાં ભૌતિક રીતે તેની કોઈ ઉપસ્થિતિ નથી.
આ પહેલાં વિકિપીડિયા અનેક કેસમાં ફસાઈ ચૂક્યું છે. એક કેસ ન્યૂઝ એજન્સી ANIએ પણ કર્યો છે, જેની સુનાવણી ચાલી રહી છે. વિકિપીડિયા પર એજન્સી વિશે વિવાદિત સામગ્રી લખવામાં આવી હતી, જેના કારણે એજન્સીએ પછીથી કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ કોર્ટમાં વિકિપીડિયા સિનાજોરી જ કરતું જોવા મળ્યું હતું. જેના કારણે કોર્ટે કડક ટિપ્પણીઓ પણ કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં જો રહેવું હોય તો ભારતના કાયદા પ્રમાણે કામ કરવું પડશે, અન્યથા દુકાન બંધ કરી દેવી પડશે.
ઑપઈન્ડિયાએ પણ થોડા સમય પહેલાં વિકિપીડિયાનાં કારસ્તાનો અને કરતૂતો પર એક વિસ્તૃત ડોઝિયર બહાર પાડ્યું હતું. જેના પર પછીથી કેન્દ્ર સરકારે સંજ્ઞાન પણ લીધું અને પ્લેટફોર્મને નોટિસ પણ ફટકારી હતી.