Friday, September 20, 2024
More
    હોમપેજદેશ‘તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ કરવાનું માંડી વાળો’: દિલ્હી...

    ‘તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ કરવાનું માંડી વાળો’: દિલ્હી હાઇકોર્ટે વિકીપીડિયાને ફટકારી કન્ટેમ્પ્ટ નોટિસ, સરકારને આદેશ આપીને બંધ કરાવવાની પણ ચેતવણી

    “અમે કન્ટેમ્પ્ટ લાગુ કરીશું….આ વિકીપીડિયા ભારતમાં એન્ટિટી છે કે નહીં તેનો પ્રશ્ન નથી. અમે અહીં તમારો વ્યવસાય બંધ કરાવી દઈશું. અમે સરકારને કહીશું કે વિકીપીડિયાને બ્લૉક કરવામાં આવે."

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કડક વલણ દાખવીને ઓનલાઈન એન્સાયક્લોપીડિયા વિકીપીડિયાને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની નોટિસ પાઠવી છે. સાથે કડક ટિપ્પણી કરીને કહ્યું કે, જો કોર્ટના આદેશોનું પાલન ન કર્યું તો સરકારને વિકિપીડિયાને બ્લૉક કરવા માટે કહેવામાં આવશે. 

    સમગ્ર મામલો ન્યૂઝ એજન્સી ANIએ દાખલ કરેલી એક અરજીનો છે. એજન્સીએ વિકીપીડિયા સામે માનહાનિનો કેસ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, વિકીપીડિયા પર એજન્સીના પેજ પરની અમુક સામગ્રી એડિટ કરીને ANIને વર્તમાન સરકારનું ‘પ્રોપગેન્ડા સાધન’ ગણાવવામાં આવ્યું હતું. 

    કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ગત 9 જુલાઈના રોજ વિકીપીડિયાને સમન્સ પાઠવીને ANIના વિકીપીડિયાને પેજ પર કયા ત્રણ વ્યક્તિએ સુધારા કર્યા હતા તેની માહિતી આપવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં ANIએ કોર્ટમાં એક અરજી કરીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોર્ટના આ આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. 

    - Advertisement -

    આ મામલે પછીથી સુનાવણી કરતા જસ્ટિસ નવીન ચાવલાએ વિકીપીડિયાના વલણ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમની વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ કેમ શરૂ કરવામાં ન આવે તે મામલે નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો હતો. 

    કોર્ટે કહ્યું, “અમે કન્ટેમ્પ્ટ લાગુ કરીશું….આ વિકીપીડિયા ભારતમાં એન્ટિટી છે કે નહીં તેનો પ્રશ્ન નથી. અમે અહીં તમારો વ્યવસાય બંધ કરાવી દઈશું. અમે સરકારને કહીશું કે વિકીપીડિયાને બ્લૉક કરવામાં આવે. અગાઉ પણ તમે આવી દલીલો આપી હતી. તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ કરવાનું રહેવા દો.”

    ઉલ્લેખનીય છે કે વિકીપીડિયા તરફથી કોર્ટમાં હાજર વકીલે દલીલમાં કહ્યું હતું કે, તેમણે કોર્ટના આદેશને લઈને અમુક રજૂઆતો કરવી છે અને સમય એટલા માટે લાગ્યો કારણ કે વિકીપીડિયા ભારતમાં સ્થિત નથી. પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, તેમની આ દલીલો અગાઉ પણ કોર્ટ નકારી ચૂકી છે. સાથે કન્ટેમ્પ્ટ કાર્યવાહી શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. 

    અહીં નોંધવું જોઈએ કે વિકીપીડિયા અગાઉ પણ પોતાના પેજ થકી ભ્રામક અને પ્રોપગેન્ડા ફેલાય તેવી માહિતી વહેંચવા બદલ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યું છે. તેઓ દાવો કરે છે કે આ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે અને કોઇ પણ એડિટ કરી શકે છે, પણ હવે મામલો કોર્ટમાં પહોંચતાં ફરી સવાલો સર્જાયા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં