વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી અમુક ટિપ્પણીઓ પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ વિવાદ સર્જ્યા બાદ નૂપુરને ધાકધમકીઓ આપવામાં આવી જ, સાથે તેમના સમર્થનમાં પણ જેઓ હતા તેમને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અમરાવતીમાં બની હતી, જ્યાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની અમુક મુસ્લિમ શખ્સોએ માત્ર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ હત્યા કરી નાખી હતી. આ ઘટનાના મુખ્ય આરોપી અને વેટરનરી ડૉક્ટર યુસુફ ખાને મૂકેલી જામીન અરજી તાજેતરમાં બૉમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે યુસુફે એક આતંકવાદી ગેંગ બનાવીને મજહબના કથિત અપમાનનો બદલો લેવા માટે અને સામાન્ય જનતામાં ભય પેદા કરવા માટે સમગ્ર કૃત્યને અંજામ આપ્યો હતો.
જસ્ટિસ એ. એસ. ગડકરી અને જસ્ટિસ શ્યામ સી. ચાંડકની બનેલી ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા રજૂ કરવામાં આવેલી સામગ્રી દર્શાવે છે કે આ માત્ર સામાન્ય ગુનાહિત કાવતરું કે હિંસાની છૂટક ઘટના નહોતી. કોર્ટે અવલોકન કર્યું કે ગુનાનું સ્વરૂપ, તેના આયોજનની રીત અને હત્યા પાછળનો હેતુ સામાજિક વ્યવસ્થા અને સામૂહિક અંતરાત્માના મૂળ પર પ્રહાર કરે છે. આથી UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ આરોપીની અટકાયત કાયદેસર રીતે યોગ્ય છે.
યુસુફ ખાનના વકીલે દલીલ કરી હતી કે યુસુફની ભૂમિકા માત્ર વ્યવસાયિક વિવાદ પૂરતી મર્યાદિત હતી. પરંતુ કોર્ટે આ દલીલને ફગાવી દેતાં નોંધ્યું હતું કે યુસુફે જાણીજોઈને ઉશ્કેરણી કરી હતી. આ સિવાય તેણે પીડિતની ઓળખ અને વિગતો જાહેર કરીને તેમને જાણીજોઈને, હેતુપૂર્વક ટાર્ગેટ બનાવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે આરોપી એવી ઘટનાઓની સાંકળનો ભાગ હતો જેનું પરિણામ આખરે એક ક્રૂર હત્યામાં આવ્યું. કોર્ટે વધુમાં ઉમેર્યું કે આ હત્યા માત્ર અંગત અદાવત નહોતી, પરંતુ સમાજમાં ભયનો વ્યાપક સંદેશ ફેલાવવા માટે કરવામાં આવેલું એક આયોજિત કૃત્ય હતું.
ઉમેશ કોલ્હેની હત્યા અને સોશિયલ મીડિયા પોસ્ટનો સંદર્ભ
ઉમેશ કોલ્હે મહારાષ્ટ્રના અમરાવતીમાં વેટરનરી મેડિકલ સ્ટોરના માલિક હતા. 21 જૂન 2022ની રાત્રે જ્યારે તેઓ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. નૂપુર શર્માએ એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન કરેલી ટિપ્પણીના વિરોધમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવેલી હિંસા વચ્ચે એક ઘટના કોલ્હેની હત્યાની પણ બની હતી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પેનલિસ્ટ તસ્લીમ રહેમાની દ્વારા હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના જવાબમાં નૂપુર શર્માએ આ નિવેદન આપ્યું હતું.
પ્રોસિક્યુશન અનુસાર કોલ્હેએ 14 જૂન 2022ના રોજ એક વોટ્સએપ ગ્રુપમાં નૂપુર શર્માના ફોટા સાથે તેમના નિવેદનને સમર્થન આપતો મેસેજ શેર કર્યો હતો. કોલ્હે એવા ગણ્યાગાંઠ્યા લોકોમાંના એક હતા જેમણે જાહેરમાં નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું. અન્ય ઘણા લોકોને પણ આવા સમર્થન બદલ ધમકીઓ આપવામાં આવી હતી અને માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે સમાન મેસેજ પોસ્ટ કરનારા અન્ય લોકોને પણ માફી માંગવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સાથે કહ્યું કે કોલ્હેને માફી માંગવા નિવેદન પાછું ખેંચવાનું કહેવાની જગ્યાએ ખાસ રીતે હત્યાના ટાર્ગેટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ગુના પાછળના હેતુ અને ઈરાદાનું મૂલ્યાંકન કરતી વખતે આ મુદ્દો ખૂબ મહત્વનો સાબિત થયો હતો. પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે આ હત્યા કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ પહેલેથી જ તણાવપૂર્ણ વાતાવરણમાં કોલ્હેની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ પ્રત્યે વધતી જતી પ્રતિક્રિયાનું પરિણામ હતું.
યુસુફ ખાનની ભૂમિકા અને અદાલત દ્વારા બચાવ પક્ષની દલીલોનો અસ્વીકાર
કોર્ટે યુસુફ ખાનને કોલ્હેની હત્યાના બનાવને માત્ર ગૌણ કે આકસ્મિક કડી તરીકે નથી ગણ્યો. કારણ કે યુસુફ ખાન પોતે એક વેટરનરી ડોક્ટર છે અને ઉમેશ કોલ્હે સાથે વ્યક્તિગત રીતે પરિચિત હતો અને તેમની દુકાનેથી નિયમિત દવાઓ ખરીદતો હતો. તેઓ બંને ‘બ્લેક ફ્રીડમ’ (Black Freedom) નામના વોટ્સએપ ગ્રુપના સભ્યો હતા, જેમાં વેટરનરી કેમિસ્ટ અને મેડિકલ પ્રતિનિધિઓ સામેલ હતા. તે ગ્રુપમાં ખાન એકમાત્ર મુસ્લિમ સભ્ય હતો.
ખાને દાવો કર્યો હતો કે તે નૂપુર શર્માના સમર્થનમાં કરવામાં આવેલી કોલ્હેની પોસ્ટથી તેની ‘લાગણી દુભાઈ’ હતી. તેણે બચાવ કર્યો હતો કે તેનો ઈરાદો માત્ર અન્ય લોકોને કોલ્હે સાથે વેપાર કરતા અટકાવવાનો હતો, જેથી તેની કમાણી પર અસર પડે. રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કર્યા પછી હાઇકોર્ટે આ દાવાને અસંગત ગણાવીને ફગાવી દીધો હતો.
કોર્ટે નોંધ્યું કે જો ઈરાદો માત્ર વ્યાવસાયિક બહિષ્કારનો હોત તો તે મેસેજ માત્ર કોલ્હેના ગ્રાહકો વચ્ચે જ વાયરલ કરવામાં આવ્યો હોત. પરંતુ યુસુફે આ પોસ્ટને અન્ય વૉટ્સએપ ગ્રૂપોમાં અને એવી વ્યક્તિઓને પણ મોકલ્યો હતો જેમને કોલ્હે સાથે કોઈ વ્યાવસાયિક સંબંધ નહોતો. કોર્ટે જણાવ્યું કે ખાનનાં આ કૃત્યો દર્શાવે છે કે તેનો હેતુ માત્ર આર્થિક દબાણનો નહીં, પરંતુ ઉશ્કેરણી અને કોલ્હે વિરુદ્ધ ગુસ્સો અને વેરની ભાવના ઉત્પન્ન હતો.
કોર્ટે એ પણ નોંધ્યું કે ખાન એક શિક્ષિત અને વ્યવસાયિક રીતે લાયકાત ધરાવતો માણસ છે, જે તે સમયે દેશમાં પ્રવર્તી રહેલા નાજુક સામાજિક વાતાવરણને સમજવા માટે સંપૂર્ણ સક્ષમ હતો. તેમ છતાં તેણે પરિસ્થિતિને શાંત પાડવાને બદલે ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ કર્યા. અદાલતના મતે યુસુફે આ કૃત્ય પણ જાણીજોઈને કર્યું હતું.
વોટ્સએપ મેસેજ, બદલાયેલો ફોન નંબર અને ઈરાદાનું તારણ
કોર્ટે નોંધ્યું કે કોલ્હેએ મૂકેલી પોસ્ટનો સ્ક્રીનશોટ લેતાં પહેલાં યુસુફે જાણીજોઈને કોન્ટેક્ટ લિસ્ટમાં કોલ્હેના મોબાઈલ નંબરનો છેલ્લેથી બીજો આંકડો બદલી નાખ્યો હતો અને પછી તેને ફરીથી સેવ કર્યો હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી કોલ્હેની ઓળખ અને તેની વિગતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને તે જાહેર થઈ જાય.
કોર્ટે નોંધ્યું કે ત્યારબાદ યુસુફે હિન્દીમાં એક ઉશ્કેરણીજનક મેસેજ ઉમેર્યો હતો, જેમાં અન્યોને આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ કોલ્હેને તેમની સાથે વિશ્વાસઘાત કરવાનાં પરિણામો બતાવે. યુસુફે આ મેસેજ વધુમાં વધુ ગ્રુપોમાં મોકલવા પણ કહ્યું હતું. આ મેસેજમાં લખ્યું હતું કે “અમિત મેડિકલ પ્રભાત ટોકીઝ તહસીલ કે સામને ઇસકો દિખાના હૈ કી જિન લોગો કે ભરોસે કમાઈ કી ઉનસે હિ દુશ્મની કા અંજામ ક્યા હોતા હૈ, ઇસ મેસેજ કો જ્યાદા સે જ્યાદા ગ્રુપ વાલોં કો સેન્ડ કરેં.”
કોર્ટે નોંધ્યું કે આ મેસેજ ગુસ્સો અને તાત્કાલિક પ્રતિક્રિયા ભડકાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. કોર્ટે એ દલીલ ફગાવી દીધી હતી કે આ શબ્દો માત્ર ‘બહિષ્કાર’ સૂચવે છે. કોર્ટે અવલોકન કર્યું કે ‘વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા’ના સંદર્ભો વ્યાવસાયિક દબાણ નહીં, પણ બદલો લેવા માટે ઉશ્કેરણી કરવાનો ઈરાદો દર્શાવે છે.
ચુકાદામાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે યુસુફ માત્ર એક વાર મેસેજ ફોરવર્ડ કરીને અટક્યો નહોતો. તેણે વિવિધ પ્લેટફોર્મ પર આ મેસેજ વાયરલ કર્યો અને તેના થોડા સમય પછી અન્ય એક આરોપી (આરોપી નંબર 5) સાથે મુલાકાત પણ કરી હતી. કોર્ટના મતે આ ઘટનાક્રમ દર્શાવે છે કે આ કોઈ આવેશમાં આવીને આપેલી પ્રતિક્રિયા નહોતી, પરંતુ ઉશ્કેરણીથી શરૂ કરીને કાવતરું રચવા સુધીની એક સ્પષ્ટ ગણતરીપૂર્વકની પ્રક્રિયા હતી.
ફોન રેકોર્ડ્સ, મીટિંગ્સ અને ગુપ્ત ભાગીદારી અંગે કોર્ટનો તારણો
કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવા પાછળનું એક નિર્ણાયક કારણ યુસુફ ખાન અને આરોપી નંબર 5 વચ્ચે થયેલી વાતચીતનો ક્રમ હતો. કોર્ટે નોંધ્યું કે કોલ્હેની હત્યા પહેલાં અને પછી આ બંને વચ્ચે 25 ફોન કોલ્સ થયા હતા. જ્યારે આ કોલને સાક્ષીઓનાં નિવેદનો અને લોકેશન ડેટા સાથે જોડીને જોવામાં આવ્યા ત્યારે વધુ સ્પષ્ટતા મળી અને કોર્ટે ઠેરવ્યું કે યુસુફ ખાન કોલ્હેની હત્યાના કાવતરામાં ખરેખર સામેલ હતો તેનો આ મજબૂત પુરાવો છે.
પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે આરોપી નંબર 5 યુસુફ અને અન્ય આરોપીઓ વચ્ચેની એક કડી તરીકે કામ કરતો હતો. જોકે યુસુફ હત્યાના આયોજન માટેની દરેક મીટિંગમાં રૂબરૂ હાજર નહોતો, પરંતુ તેનાથી કાવતરાખોર તરીકેના આરોપમાંથી મુક્ત થઈ જતો નથી. કોર્ટે અવલોકન કર્યું કે કાવતરાના દરેક તબક્કે પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય કે અપેક્ષિત નથી.
કોર્ટે વધુમાં નોંધ્યું કે 9 જૂન 2022ના રોજ ખાનના મોબાઈલનું લોકેશન ‘રોશન હોલ’ પાસે હતું. આ તે જ સ્થળ હતું જ્યાં નૂપુર શર્માના નિવેદન વિરુદ્ધ FIR દાખલ કરવા અંગે ચર્ચા કરવા માટે મીટિંગ યોજાઈ હતી. આ વિગત, તેના ફોન કોલ્સનો સમય અને અન્ય આરોપીઓ સાથેની મુલાકાતો એ દલીલને મજબૂત બનાવે છે કે યુસુફ શરૂઆતથી જ આ મોટા પ્લાનનો હિસ્સો હતો.
બેન્ચે નોંધ્યું કે ખાને મેસેજ દ્વારા લોકોમાં આક્રોશ ભડકાવ્યા પછી ગુનાને અંજામ આપવાના તબક્કાથી પોતાને જાણીજોઈને દૂર રાખ્યો હોય તેવું જણાય છે. કોર્ટે કહ્યું કે તેની હરકતો સૂચવે છે કે તે ‘પડદા પાછળ રહીને શાંતિથી સક્રિય’ હતો અને તેણે એ વાતની ખાતરી કરી હતી કે કાવતરું આગળ વધે, જ્યારે પોતાની જાતને સીધી સંડોવણીથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
કાવતરાનું કોર્ટમાં અવલોકન
કોર્ટના મતે આ આખા કાવતરાની શરૂઆત યુસુફ ખાનના ઉશ્કેરણીજનક મેસેજથી થઈ હતી. મેસેજ વાયરલ કર્યા બાદ તે તરત જ આરોપી નંબર 5ને મળ્યો, જે કોલ્હેની પોસ્ટથી નારાજ હતો. યુસુફ સાથેની મુલાકાત પછી આરોપી નંબર 5એ ‘ગૌસિયા હોલ’ ખાતે અન્ય આરોપીઓ સાથે મીટીંગ કરી જેમાં કોલ્હેની પોસ્ટ વિશે વિગતવાર ચર્ચા થઈ.
ત્યારબાદ 19 જૂન 2022ના દિવસે આરોપી નંબર 4, 5, 7 અને 11 વચ્ચે એક મિટિંગ થઈ હતી જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે મજહબનું અપમાન કરવા બદલ ‘સજા’ તરીકે કોલ્હેની હત્યા કરવી જોઈએ. આ હત્યા કેવી રીતે કરવી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. 20 જૂને આરોપીઓએ પહેલીવાર હત્યાનો પ્રયાસ કર્યો, પણ કોલ્હેની દુકાન બંધ હોવાથી તેઓ નિષ્ફળ રહ્યા.
બીજા દિવસે આરોપીઓએ પહેલા ‘રેકી’ કરી અને જ્યારે કોલ્હે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રોકીને ગળાના ભાગે છરો મારી તેમની હત્યા કરી દીધી. કોર્ટે નોંધ્યું કે ષડયંત્ર (Conspiracy) સાબિત કરવા માટે હંમેશા સીધા પુરાવા (Direct Evidence) હોવા જરૂરી નથી. તેના બદલે આરોપીઓના વિચારો એક સરખા હતા કે કેમ તે જોવું જોઈએ.
‘આતંકવાદી ગેંગ’ અને શા માટે UAPA ને માન્ય રાખવામાં આવ્યો
હાઇકોર્ટે મહત્વપૂર્ણ વાત એ કહી કે આ આરોપીઓએ માત્ર અંગત દુશ્મનીમાં હત્યા નથી કરી પણ આરોપી નંબર 7ના નેતૃત્વ હેઠળ એક ‘આતંકવાદી ગેંગ‘ બનાવી હતી. તેમનો હેતુ માત્ર ઉમેશ કોલ્હેને મારવાનો નહોતો, પરંતુ સમાજમાં એક એવો આતંક પેદા કરવાનો હતો કે જો કોઈ નુપૂર શર્માનું સમર્થન કરે તો તેમની હાલત પણ આવી જ થશે.
આ ગંભીર ઈરાદાઓને કારણે જ કોર્ટે આ કેસમાં UAPAની કલમ 16, 18 અને 20 લાગુ કરી છે. આ કાયદો આતંકવાદી ગતિવિધિઓ રોકવા માટે વપરાય છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે આમાં UAPA ન લાગવી જોઈએ, પણ કોર્ટે તે દલીલ ફગાવી દીધી હતી. કારણ કે NIA દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ સાબિત કરે છે કે ખાન આ આતંકવાદી કાવતરામાં સામેલ હતો.
શા માટે કોર્ટે કલમ 21 હેઠળ રાહત આપવાનો ઇનકાર કર્યો?
ખાનના વકીલે એવી દલીલ કરી હતી કે યુસુફ સાડા ત્રણ વર્ષથી જેલમાં છે. હજુ કેસનો ફેંસલો આવ્યો નથી, એટલે આટલો લાંબો સમય જેલમાં રાખવો એ તેને સજા આપવા સમાન છે. તેમણે ભારતના બંધારણની કલમ 21 સ્વતંત્રતાનના અધિકારનો હવાલો આપ્યો કે કોઈને કારણ વગર કે ટ્રાયલમાં વિલંબ થાય તો જેલમાં ન રાખી શકાય.
કોર્ટે સ્વીકાર્યું કે સામાન્ય રીતે જો કેસમાં મોડું થાય તો જામીન મળી શકે છે, પરંતુ આતંકવાદના ગંભીર કેસોમાં આ નિયમ આંખ મીંચીને લાગુ પાડી શકાય નહીં. જ્યારે પ્રથમ દૃષ્ટિએ આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા હોય ત્યારે માત્ર ‘સમય વીતી ગયો છે’ એ ગ્રાઉન્ડ પર જામીન ન આપી શકાય.
યુસફની જામીન અરજી ફગાવીને કોર્ટે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ હિંસા કોઈ ખાસ વિચારધારાથી પ્રેરાઈને કરવામાં આવી હોય–ભલે તેની શરૂઆત માત્ર એક ડિજિટલ મેસેજથી થઈ હોય–તો તેને હળવાશથી લેવામાં આવશે નહીં. કોઈના વાણી સ્વતંત્રતાના અધિકારના કારણે તેને સજા આપવા માટે કરવામાં આવેલી હત્યાને માત્ર અંગત અદાવત કે ધંધાકીય દુશ્મની ગણી શકાય નહીં. તે સમાજને ડરાવવાનું એક મોટું ષડયંત્ર છે.
કોર્ટે કહ્યું કે ષડયંત્ર હંમેશા જેવું દેખાય તેવું જ હોય એવું જરૂરી નથી. તેમાં ભાગ લેનાર વ્યક્તિ ‘છૂપી રીતે’ અને ‘ગણતરીપૂર્વક‘ રીતે કામ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ અંતિમ ગુનાના સ્થળથી જાણીજોઈને દૂર રહે તો પણ તેની ગુનાહિત જવાબદારી ઓછી થતી નથી. એટલે કે, પ્લાન બનાવનાર પણ ખૂની જેટલો જ જવાબદાર છે.
જ્યારે હિંસાનો હેતુ માત્ર એક વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો નહીં, પણ આખા સમાજને મૌન કરી દેવાનો હોય, ત્યારે તે સામાન્ય ગુનો ન રહેતા આતંકવાદી પ્રવૃત્તિ બની જાય છે. કોર્ટે કહ્યું કે આ જ કારણ છે કે આ કેસમાં UAPA કાયદો લાગુ પડ્યો છે.


