મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે (Biren Singh) 9 ફેબ્રુઆરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાં બાદ આગામી પગલું નક્કી કરવા માટે રાજ્ય ભાજપ પ્રભારી સંબિત પાત્રાએ (Sambit Patra) 10 ફેબ્રુઆરીને મણિપુરના કેટલાક ધારાસભ્યો (Manipur MLA) સાથે એક હોટેલમાં બેઠક યોજી હતી. બીજી તરફ કોંગ્રેસ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં હતી. તેના 24 કલાક પહેલાં જ બિરેન સિંઘે રાજીનામું આપી દીધું હતું અને થોડા જ સમયમાં NPPએ ફરીથી ભાજપને સમર્થન જાહેર કરી દીધું હતું.
અહેવાલો અનુસાર, સંબિત પાત્રાએ એવા લગભગ 3 ધારાસભ્યો સાથે મુલાકાત કરી, જેમના બિરેન સિંઘ સાથે તણાવપૂર્ણ સંબંધો છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ઘણી વધુ બેઠકો યોજાવાની શક્યતા છે. દરમિયાન, રાજ્યની રાજધાનીમાં, ખાસ કરીને સંજેન્થોંગ, સિંગજામેઈ, મોઇરાંગખોમ, કીસામપટ અને કાંગલા ગેટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
નોંધનીય છે કે, બિરેન સિંઘે રાજીનામું આપ્યા બાદ વિપક્ષે રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી તથા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પણ માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે આ દરમિયાન જ કુકી સંગઠનના એક નેતાએ પણ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરીને દલીલ કરી હતી કે, નવા મુખ્યમંત્રી પણ કોઈ બદલાવ લાવી શકશે નથી.
#WATCH | Imphal | On N Biren Singh's resignation as Manipur CM, Working President of National Peoples' Party, Sheikh Noorul Hassan says, "NPP has withdrawn support from N Biren Singh govt. We do not believe in his leadership because of his failure to restore normalcy and peace in… pic.twitter.com/XKWWqwZGPR
— ANI (@ANI) February 10, 2025
ત્યારે આ બધાની વચ્ચે જ નેશનલ પીપલ્સ પાર્ટીના (NPP) શેખ નૂરુલ હસને કહ્યું હતું કે, “NPPએ એન બિરેન સિંઘ સરકાર સાથેનું સમર્થન પરત ખેંચી લીધું હતું. મણિપુરમાં સામાન્ય સ્થિતિ કરવામાં અને શાંતિ પુનઃસ્થાપિત કરવામાં તેમની નિષ્ફળતાને કારણે અમને તેમના નેતૃત્વ પર વિશ્વાસ નહોતો રહ્યો. મુખ્યમંત્રી પદ પરથી તેમનું રાજીનામું રાજ્યમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક સ્વાગતજનક પગલું છે.” તેમણે આગળ કહ્યું હતું કે, “અમે કેન્દ્રમાં NDA ગઠબંધનનો ભાગ છીએ, અમે રાજ્યમાં સામાન્ય સ્થિતિ લાવવા માટે NDAના ભાગ તરીકે ભાજપને હંમેશા સહયોગ કરીશું.”
નોંધનીય છે કે, ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની માંગણીઓ વચ્ચે બિરેન સિંઘે રવિવારે રાજભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યપાલે સિંઘ અને તેમના મંત્રીમંડળનું રાજીનામું સ્વીકાર્યું અને નવા મુખ્યમંત્રીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમને પદ પર કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા વિનંતી કરી હતી. નોંધનીય છે કે, જો નવી સરકાર ન બને તો મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડે એમ છે. જોકે, આજે સંબિત પાત્રાએ ધારાસભ્યો સાથે યોજેલી બેઠક બાદ એમ લાગી રહ્યું છે કે, ભાજપ ટૂંક સમયમાં જ કોઈ નવી જાહેરાત કરશે.