તાજેતરમાં ગુજરાત સરકારના આદેશથી અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરીને હજારો ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરીને સરકારી જમીન સમતલ કરી હતી. હવે આવી જ કાર્યવાહી બાપુનગર વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે, જ્યાં લગભગ 450થી 500 જેટલાં કાચાં-પાકાં બાંધકામો દૂર કરવામાં આવ્યાં.
ડિમોલિશન કાર્યવાહી ગુરુવારે (29 મે) હાથ ધરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર પહોંચ્યાં અને એક છેડેથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી કાર્યવાહીમાં 450થી 500 જેટલાં ગેરકાયદેસર કાચાં-પાકાં બાંધકામો દૂર કરીને જમીન ખાલી કરાવવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ કાટમાળ હટાવવાની કામગીરી આરંભી છે.
કાર્યવાહી વિશે મહાનગરપાલિકાના ઉત્તર ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું કે બાપુનગર વિસ્તારમાં આવેલા અકબર નગરના છાપરા તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરીને 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે. જેમાં 5 બુલડોઝર, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી અને અન્ય મશીનરી અને કામદારો તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની મદદ લેવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું કે, આ જગ્યાએ વર્ષોથી દબાણ કરી રાખવામાં આવ્યું હતું. અગાઉ પણ મહાનગરપાલિકા દ્વારા અહીં ગેરકાયદેસર અનધિકૃત બાંધકામો બનાવીને રહેતા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. એટલું જ નહીં, છેક 2014માં અહીં રહેતા લગભગ 221 પરિવારોને અમદાવાદના જ વટવા ખાતે સરકારી આવાસોમાં મકાનો ફાળવી દેવામાં આવ્યાં હતાં. પરંતુ તેમાંથી પણ 76 પરિવારો હજુ અહીં જ રહેતા હતા. આશંકા છે કે સરકારી આવાસો તેમણે ભાડે આપી રાખ્યાં હશે. આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
પાલિકા અનુસાર, ખાલી કરાવવામાં આવેલી જગ્યામાં હવે લાઇબ્રેરી, ગાર્ડન કે વૉર્ડ ઑફિસ જેવી સુવિધાઓ ઊભી કરવાની વિચારણા કરવામાં આવશે અને ફરી વખત કોઈ અનધિકૃત કબજો ન કરી લે તે માટે વિસ્તારની ફરતે દીવાલ પણ બનાવવાની ગણતરી છે.
પોલીસને ધમકાવવા મામલે પકડાયેલો ફઝલ ઉઘરાવતો હતો ભાડું
અહીં એ પણ નોંધનીય છે કે થોડા સમય પહેલાં અમદાવાદના આ જ બાપુનગર વિસ્તારમાં અમુક ટપોરીઓએ જાહેર માર્ગ પર તલવારો લહેરાવીને આતંક મચાવ્યો હતો અને ત્યાં પહોંચેલા પોલીસકર્મીઓને પણ ધમકી આપીને વાહનમાં બેસાડી દીધા હતા. તેમનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરીને ધરપકડ કરી અને તેમના ઘરે જ લઈ જઈને ફટકાર્યા હતા. ત્યારબાદ અમુકનાં ઘર પર બુલડોઝર પણ ફેરવવામાં આવ્યાં હતાં. તેમાંથી બે આરોપીઓ ફઝલ અને આફતાબ આ જ વિસ્તારમાં રહેતા હતા, જ્યાં હાલ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ સૂત્રો તરફથી એ પણ જાણવા મળ્યું છે કે જે લોકોએ સરકારી આવાસો ભાડે આપી રાખ્યાં હતાં, તેમની પાસેથી ભાડું આ ફઝલ જ ઉઘરાવી રહ્યો હતો. થોડા મહિનાઓ પહેલાં પોલીસ પર હુમલો કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જે કોઈ જવાબદાર હશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.