Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચાર દિવસમાં BHUનો યુ-ટર્ન: પરિસરમાં વિદ્યાર્થીઓએ ધામધૂમથી હોળી ઉજવ્યા બાદ પ્રતિબંધનો આદેશ...

    ચાર દિવસમાં BHUનો યુ-ટર્ન: પરિસરમાં વિદ્યાર્થીઓએ ધામધૂમથી હોળી ઉજવ્યા બાદ પ્રતિબંધનો આદેશ પરત લીધો, હવે ઉજવણી કરી શકાશે

    અગાઉનો આદેશ રદ કરીને યુનિવર્સીટી પ્રશાસને પરિસરના તમામ સભ્યોને રંગોના આ ઉત્સવને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગરિમા સાથે ઉજવવા માટે અપીલ કરી છે. 

    - Advertisement -

    ચાર દિવસ પહેલાં બનારસ હિંદુ યુનિવર્સીટી (BHU) દ્વારા પરિસરમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતાં શુક્રવારે (3 માર્ચ, 2023) કુર્તાફાડ હોળી રમી હતી. હવે આખરે યુનિવર્સીટીએ ફરમાન પરત ખેંચી લેવું પડ્યું છે. 

    બનારસ હિંદુ યુનિવર્સીટી દ્વારા એક પરિપત્ર જારી કરીને હોળી મામલે લીધેલો નિર્ણય પરત ખેંચવાની ઘોષણા કરવામાં આવી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું કે 28 ફેબ્રુઆરીના રોજ સાર્વજનિક સ્થળે એકઠા થઈને હોળી મનાવવા સબંધિત પત્ર સોશિયલ મીડિયા અને અન્ય સંચાર માધ્યમો દ્વારા મળેલી પ્રતિક્રિયાઓના આધારે પરત લેવામાં આવે છે. આ સાથે યુનિવર્સીટી પ્રશાસને પરિસરના તમામ સભ્યોને રંગોના આ ઉત્સવને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગરિમા સાથે ઉજવવા માટે અપીલ કરી છે. 

    સોશિયલ મીડિયા પર સામે આવેલા આ પત્રમાં 4 માર્ચની તારીખ લખાઈ છે અને સાથે ચીફ પ્રોક્ટરના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

    - Advertisement -

    આ પહેલાં 28મી ફેબ્રુઆરીએ એક પરિપત્ર જારી કરીને યુનિવર્સીટી પરિસરમાં હોળી ન ઉજવવા માટે ફરમાન જારી કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પરિસરમાં સાર્વજનિક સ્થળે એકત્રિત થઈને હોળી રમવા અને સગીર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આદેશનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. 

    આ પત્રનો હિંદુ સંગઠનોએ ખૂબ વિરોધ કર્યો તો વિદ્યાર્થીઓ પણ નારાજગી જોવા મળી હતી. વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ પત્રની તસ્વીર ટ્વિટ કરીને તેને ‘તઘલખી ફરમાન’ ગણાવ્યું હતું અને સાથે પરિસરમાં યોજાતી ‘ઈફ્તાર પાર્ટી’ પર પણ સવાલો કર્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022માં રમઝાન મહિનામાં BHUના વાઇસ ચાન્સેલર સુધીર જૈને પરિસરમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ પાર્ટી બાદ બનારસ હિંદુ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ સુધીર જૈનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને યુનિવર્સીટીના થતા ઇસ્લામીકરણ સામે અવાજ ઉઠાવ્યો હતો તેમજ વીસીની માફીની પણ માંગ કરી હતી. 

    એક તરફ ઈફ્તાર પાર્ટીનું આયોજન અને બીજી તરફ હોળી રમવા પર પાબંદીનો નિર્ણય- આ વિરોધાભાસને લઈને વિદ્યાર્થીઓ નારાજ થયા હતા અને આદેશ છતાં શુક્રવારે ખૂબ મોટી સંખ્યામાં એકઠા થઈને વિદ્યાર્થીઓએ હોળીની ઉજવણી કરી હતી અને સંગીતના તાલ અને રંગો સાથે હોળી રમી હતી. જેની તસ્વીરો અને વિડીયો ગઈકાલથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં