કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના (Justine Trudeau) રાજીનામા બાદ ભારતીય મૂળના હિંદુસાંસદ અનિતા આનંદનું (Anita Anand) નામ વડાંપ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યું છે. કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ને જેવા અગ્રણી નામો સામેલ છે. આ પૈકી, ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલાં નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે. પાર્ટીની નેશનલ કોકસની બેઠક પણ બુધવાર, 8 જાન્યુઆરીએ યોજાવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે. જો આવું થાય તો કેનેડામાં વડાપ્રધાન પદ સુધી પહોંચનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે.
#JustinTrudeau out, Indian-origin #Canada PM in? Liberal #AnitaAnand joins race | Meet frontrunners
— The Times Of India (@timesofindia) January 7, 2025
Watch for more details pic.twitter.com/PpapGLQFPx
નોંધનીય છે કે જ્યાં સુધી નવા નેતાની પસંદગી નહીં થાય ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો જ પદ પર રહેશે. ઉલ્લેખનીય છે કે પાર્ટીના નેતાઓના વધતા દબાણ બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરીએ પાર્ટીના નેતા અને પીએમ બંને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જસ્ટિનના રાજીનામાં બાદ હવે અનિતા આનંદ કેનેડાના પીએમ બને છે, તો એવી આશા રાખી શકાય છે કે ભારત સાથે કેનેડાના સંબંધો ફરી સારા બની શકે છે, જે ટ્રુડોના સમયમાં ઘણા ખરાબ થયા છે.
કોણ છે અનિતા આનંદ
અનિતા આનંદ લિબરલ પાર્ટીના વરિષ્ઠ સભ્ય છે. તે 2019 થી કેનેડિયન સંસદના સભ્ય પણ છે. તેમણે ટ્રુડો સરકારમાં પબ્લિક સર્વિસીસ અને ખરીદ મંત્રી, નેશનલ ડિફેન્સ મિનિસ્ટરી અને ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ સહિત અનેક મુખ્ય જવાબદારીઓ સાંભળી છે. અનિતા 2024થી ટ્રાન્સપોર્ટ અને ઇન્ટરનલ ટ્રેડ મિનિસ્ટર છે. 57 વર્ષની અનિતા વ્યવસાયે વકીલ છે.
અનિતા આનંદે 2019માં ઓકવિલે બેઠક પરથી કેનેડાની પ્રથમ સંસદીય ચૂંટણી જીતી હતી, ત્યારબાદ તે જ વર્ષે તેમને પબ્લિક સર્વિસીસ અને ખરીદ મંત્રી બનાવવામાં આવ્યા હતા. અનિતાના પિતા તમિલનાડુના હતા જ્યારે તેની માતા પંજાબની હતી. જોકે અનિતાનો જન્મ કેનેડામાં જ થયો હતો. અનિતા ટોરોન્ટો યુનિવર્સિટીની એસોસિયેટ ડીન પણ રહી ચૂકી છે.
અનિતા આનંદ લૈંગિક સમાનતાની સમર્થક રહી છે. તેમણે LGBTQIA+ અધિકારોને પણ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 1993માં પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીની કિમ કેમ્પબેલ કેનેડાની પ્રથમ મહિલા વડાંપ્રધાન બની હતી, જેના પછી આજ સુધી કોઈ મહિલા વડાંપ્રધાન પદ સુધી પહોંચી નથી. ત્યારે હવે જો અનિતા વડાંપ્રધાન બને તો તે પ્રથમ અશ્વેત મહિલા વડાંપ્રધાન હશે તથા કેનેડાના ઈતિહાસમાં બીજી મહિલા વડાંપ્રધાન હશે.