બાંગ્લાદેશના (Bangladesh) ખ્યાતનામ અને સુપ્રીમ કોર્ટના વકીલ રવીન્દ્ર ઘોષે (Rabindra Ghosh) તાજેતરમાં જ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસનો કેસ લડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ મામલે રવીન્દ્ર ઘોષે દાવો કર્યો હતો કે જ્યારથી તેમણે જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસનો (Chinmoy Krishna Das) કેસ લડવાનો નિર્ણય કર્યો ત્યારથી તેમને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) મળી રહી છે. જો કે, તેમણે કહ્યું હતું કે તેઓ ન્યાય અને લઘુમતીના અધિકારો માટે તેમની લડત ચાલુ રાખશે.
74 વર્ષીય ઘોષ ચિન્મય કૃષ્ણ દાસનો કેસ લડવા માટે તેમની પાવર ઓફ એટર્ની લેવા જેલમાં ગયા હતા, ત્યારબાદ તેમણે કોર્ટમાં સંતનો કેસ લડવા અરજી કરી હતી. હવે 16 ડિસેમ્બરે તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દાસને નિશાન બનાવી રહી છે કારણ કે તે હિંદુઓ પરના અત્યાચારો સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને પીડિત લઘુમતી સમુદાયને એકજુટ કરી રહ્યા છે.
In Solidarity with Rabindra Ghosh!
— Aman Wadud (@AmanWadud) December 16, 2024
"No guarantee that I won’t be killed’: Chinmoy Krishna Das’ lawyer says ‘death threats’ won’t stop him from defending Hindu monk" https://t.co/K5Ltp1QaCy
ઉલ્લેખનીય છે કે વકીલ રવીન્દ્ર ઘોષ હાલ મેડીકલ વિઝા પર તેમનો ઈલાજ કરાવવા માટે કોલકાતા આવેલા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “મેં ચિન્મય કૃષ્ણ દાસ માટે લડવાની જાહેરાત કરી ત્યારથી મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મને નિયમિતપણે કોલ્સ અને મેસેજ દ્વારા ધમકી મળી રહી છે, પરંતુ આ ધમકીઓ મને મારી ફરજ નિભાવતા રોકી શકશે નહીં. હું ચિન્મય કૃષ્ણ દાસ અને અન્ય હિંદુઓને થતા અન્યાય વિરુદ્ધ લડતો રહીશ.”
તેમણે કહ્યું હતું કે, “હું જાણું છું કે મારી વિરુદ્ધ ખોટા કેસ દાખલ થઈ શકે છે, પરંતુ આવી બાબતો મને રોકી શકશે નહીં. હું આખી જિંદગી અન્યાય સામે લડ્યો છું. મેં મુસ્લિમો માટે પણ કેસ લડ્યા છે અને તેમને ન્યાય અપાવવામાં મદદ કરી છે. એક દિવસ મોત આવશે પણ હું લડતો રહીશ.” તેમણે 1971ના યુદ્ધમાં હિંદુ લઘુમતીએ આપેલ યોગદાન પણ યાદ કર્યું હતું.
નોંધનીય છે કે 25 નવેમ્બરે ISKCON સંત ચિન્મય કૃષ્ણ દાસની કથિત દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેઓ જેલમાં બંધ છે. તેમના વકીલની પણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે બાંગ્લાદેશના જાણીતા વકીલ રવીન્દ્ર ઘોષે તેમનો કેસ લડવાનું નક્કી કર્યું હતું. તથા જેલમાં જઈને સંતની પરવાગની લીધા બાદ તેમના જામીન માટેની સુનાવણી વહેલી કરવા વિનંતી કરી હતી , જોકે કોર્ટે આ વિનંતી સ્વીકારી નહોતી. આ મામલે 2 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.