અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં એક કેસની સુનાવણી કરતી વખતે ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ/જનજાતિના લાભ મેળવવાનું ચાલુ રાખનારાઓ પ્રત્યે કડક વલણ દાખવીને આ પ્રકારના વર્તનને ‘બંધારણ સાથે ફ્રોડ’ ગણાવ્યું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. 21 નવેમ્બરના રોજ જસ્ટિસ પ્રવીણ કુમાર ગિરિની સિંગલ જજ બેન્ચે આ આદેશ આપ્યો હતો, જેની હાલ ચર્ચા છે. કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને નોટિસ મોકલીને આવા કેસોની તપાસ કરવા અને નિયમાનુસાર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ મહારાજગંજ જિલ્લાના રહેવાસી જીતેન્દ્ર સહાની સાથે સંકળાયેલો છે. જીતેન્દ્ર મૂળ હિંદુ સમુદાયના કેવટ સમાજનો છે પરંતુ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયો હતો અને હવે ‘પાદરી’ તરીકે કાર્યરત છે. તેણે 11 માર્ચ, 2025ના રોજ તેની વિરુદ્ધ દાખલ થયેલી ચાર્જશીટ અને તેના પરથી ઇસ્યુ થયેલા કોગ્નિઝન્સ ઓર્ડરને રદ્દ કરવાની અરજી કરી હતી. આ ચાર્જશીટ IPCની કલમ 153-A (ધર્મના આધારે દુશ્મનીની ભાવનાને ઉશ્કેરણી) અને 295-A (ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) હેઠળ દાખલ થઈ હતી.
આરોપ હતો કે સહાનીએ ગામના લોકોને એકઠા કરીને હિંદુ દેવતાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. સહાનીએ કોર્ટમાં અરજીમાં પોતાને ‘હિંદુ’ તરીકે ઓળખાવ્યો હતો પરંતુ સાક્ષીઓએ કહ્યું કે તે ખ્રિસ્તી પાદરી છે. સહાનીએ દાવો કર્યો કે તેમણે ‘ઈશુ ક્રાઇસ્ટના શબ્દોનો’ પ્રચાર કરવા માટે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી મેળવી હતી, જે પછી રદ થઈ ગઈ હતી.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે સહાનીની અરજીને ‘નિરર્થક’ ગણીને તેને રદ્દ કરી દીધી અને ચાર્જશીટ તથા કાર્યવાહીને ચાલુ રાખવાનું કહ્યું છે. કોર્ટે જણાવ્યું કે જીતેન્દ્રનું એફિડેવિટ ‘ભ્રામક’ છે. આ સિવાય સહાની હાલમાં કયા પંથમાં વિશ્વાસ ધરાવે છે તે અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે અવલોકન કર્યું કે ખ્રિસ્તી બન્યા પછી વ્યક્તિ નિયમાનુસાર તેનો જાતિગત દરજ્જો ગુમાવી દે છે.
કોર્ટે બંધારણ (અનુસૂચિત જાતિ) ઓર્ડર, 1950ના પેરેગ્રાફ 3નો ઉલ્લેખ કર્યો હતો. આ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ, શીખ કે બૌદ્ધ સમુદાય સિવાયના કોઈ પણ પંથના સભ્યોને અનુસુચિત જાતિ, જનજાતિ કે OBC ગણી શકાતા નથી. સુપ્રીમ કોર્ટના 2024ના સી. સેલ્વરાણી બનામ સ્પેશિયલ સચિવ-કમ-જિલ્લા કલેક્ટર કેસના ચુકાદાનો હવાલો આપીને કોર્ટે કહ્યું કે ધર્મ પરિવર્તન પછી માત્ર અનામત લાભ મેળવવાના હેતુથી જાતિ-આધારિત લાભોનો દાવો કરવો એ ‘બંધારણ સાથેની છેતરપિંડી’ છે.
કેન્દ્ર અને યુપી સરકારને આવા કેસો તપાસવાનો આદેશ
જસ્ટિસ પ્રવીણ કુમાર ગિરીની સિંગલ-જજ બેન્ચે ઉત્તર પ્રદેશના વહીવટીતંત્રને આવા બનાવોને અટકાવવા માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ આગામી ચાર મહિનાની અંદર આવા કેસોને ઓળખીને તેનો અહેવાલ મુખ્ય સચિવને સુપરત કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય 3 મહિનામાં સહાનીના ધર્મ વિશે તપાસ પણ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે ભારત સરકારના કેબિનેટ સચિવ, ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ, લઘુમતી કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સચિવ અને સમાજ કલ્યાણ વિભાગના મુખ્ય સચિવને SC સ્ટેટસ અને લઘુમતી સ્ટેટસ વચ્ચેનો તફાવત સુનિશ્ચિત કરવા અને કાયદાકીય અમલીકરણ કરાવવાનો આદેશ આપ્યો છે.
આ ચુકાદો SC/ST અનામત વ્યવસ્થાના દુરુપયોગને રોકવા માટે મહત્વનું પગલું છે. કોર્ટના આદેશોને કારણે ઉત્તર પ્રદેશમાં હજારો કેસોની તપાસ થઈ શકે છે, જેમાં ખ્રિસ્તી બન્યા પછી પણ SC સર્ટિફિકેટ વાપરતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, જેમાં વ્યક્તિ ધર્માંતરણ કર્યા બાદ પણ SC/STના લાભો મેળવવાનું ચાલુ રાખે. અવારનવાર આવા લોકોનાં નામ કમી કરવા માટેની માંગ ઉઠતી રહે છે, પરંતુ આગળ કંઈ થઈ શકતું નથી.


