હોમપેજદેશબંગાળમાં 90 ટકાથી વધુ મતદાન સાથે પૂર્ણ થઈ પ્રથમ તબક્કાની ચૂંટણી: હિંસા,...

બંગાળમાં 90 ટકાથી વધુ મતદાન સાથે પૂર્ણ થઈ પ્રથમ તબક્કાની ચૂંટણી: હિંસા, ભાજપ નેતાઓ પર હુમલા અને જૂથ અથડામણની ઘટનાઓ પણ સામે આવી– વિગતો

બંગાળમાં એક તરફ પ્રથમ તબક્કામાં 90 ટકા કરતાં વધુ મતદાન, બીજી તરફ અનેક ઠેકાણે હિંસાના પણ સમાચાર આવ્યા.

- Advertisement -

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલના રોજ પૂર્ણ થયું. 16 જિલ્લાઓની 152 વિધાનસભા બેઠકો પર અંદાજિત 92.70% (રાત્રે 11ની સ્થિતિએ) મતદાન નોંધાયું હતું. આ જંગી મતદાને એક તરફ આખા દેશનું ધ્યાન ખેંચ્યું તો બીજી તરફ બંગાળમાં મતદાન દરમ્યાન હિંસાના પણ અમુક સમાચારો આવ્યા. જોકે દર વખત કરતાં આ ચૂંટણીમાં કેન્દ્રીય બળો વધુ પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યાં હોવાના કારણે સ્થિતિ વધુ વણસી ન હતી કે રાજ્યવ્યાપી બની ન હતી. તેમ છતાં ઘણા ઠેકાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ઉમેદવારોને ટાર્ગેટ કરવામાં આવ્યા.

મતદાન પહેલાં જ મુર્શિદાબાદમાં બૉમ્બ ફેંકવાની ઘટના

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં પણ મતદાન થવાનું હતું. મતદાનના આગલા દિવસે જ હિંસાની શરૂઆત થઈ ગઈ હતી અને જિલ્લાના નૌદા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ક્રૂડ બૉમ્બ ફેંક્યો હતો જેમાં અમુક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહીના આદેશ આપી મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો. દરમિયાન, ડોમકલના રાયપુર ગામમાં પણ મતદારોને ડરાવવા-ધમકાવવાના આક્ષેપો થયા હતા, જ્યાં સશસ્ત્ર લોકો દ્વારા મતદારોને બૂથ સુધી પહોંચતા અટકાવવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠતા અંતે સુરક્ષા દળોના રક્ષણ હેઠળ મતદાન કરાવવું પડ્યું હતું.

હુમાયુ કબીર અને TMC વચ્ચે બબાલ

મતદાનના દિવસે મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને AJUPના હુમાયુ કબીર વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. હુમાયુ કબીર જ્યારે બૉમ્બમારાવાળા વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે TMC સમર્થકોએ તેમને ‘ભાજપના એજન્ટ’ કહીને અટકાવ્યા હતા અને તેમની ગાડીમાં તોડફોડ કરી હતી. કબીરે આક્ષેપ કર્યો હતો કે TMC ચોરોની પાર્ટી છે અને તેઓ બૂથ કબજે કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જ્યારે TMCએ હુમાયુ કબીરની પાર્ટી પર જ બૉમ્બ ફેંકવાનો વળતો આરોપ લગાવ્યો હતો. આ હિંસક માહોલને શાંત કરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

- Advertisement -

ભાજપ MLAની કાર પર હુમલો

આસનસોલના રહમત નગર વિસ્તારમાં ભાજપના નેતા અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો થતાં તણાવ સર્જાયો હતો. અગ્નિમિત્રા પોલ જ્યારે મતદાન મથકની મુલાકાત લઈને પરત ફરી રહ્યાં હતાં ત્યારે ચાલુ ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા, જેમાં તેમની કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ અગ્નિમિત્રા પોલે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને પ્રભાવ પાડવા માટે આ હુમલો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો છે. આ બાબતે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ચૂંટણી પંચે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી છે.

માલદામાં ભાજપ કાર્યકર્તા પર હુમલો

માલદાના ચંચલ વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 221 પર ભાજપના પોલિંગ એજન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત તેમનાં કપડાં પણ ફાડી નાખવામાં આવ્યાં. ભાજપે આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, જોકે TMC એ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ચૂંટણી પંચે આ ઘટનાઓ અંગે અહેવાલ મંગાવ્યા છે. હાલ કેન્દ્રીય દળો તથા સ્થાનિક પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

માલદામાં TMC કાર્યકર્તાઓ વચ્ચે જ બબાલ

માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુર વિધાનસભા મતવિસ્તારમાં આજે તૃણમૂલ કોંગ્રેસના જ બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આંતરિક વિવાદ એટલો ઉગ્ર બન્યો કે રાજ્યના મંત્રી તાઝમુલ હુસૈનના પૈતૃક ગામ બાંગરુઆમાં આવેલા બૂથ સંખ્યા 200 અને 201 પાસેના ટીએમસીના જ એક ચૂંટણી કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી.

માલદામાં EVMના નામે વિવાદ

માલદાના મોથાબાડી વિધાનસભા મતવિસ્તારમાં સ્થિત બાલુઆચાર હાઈસ્કૂલના મતદાન મથક પર EVMમાં ખામી સર્જાવાની વાતો ફેલાઈ ગઈ. ત્યારબાદ સેક્ટર ઓફિસરના આગમનમાં થોડો વિલંબ થતાં ઉશ્કેરાયેલા મતદારોએ સેક્ટર ઑફિસરને ઘેરી લીધા હતા અને કેટલાક લોકો તો તેમને હાથ પકડીને ખેંચતા તેમજ તેમની સાથે મારામારી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે મતદાન મથક પર થોડા સમય સુધી તણાવનો માહોલ રહ્યો હતો.

CRPFના જવાનો પર પથ્થરમારો

બીરભૂમ જિલ્લાના દુબરાજપુર વિધાનસભા મતવિસ્તારમાં હિંસાની વધુ એક ઘટના બની હતી. અહીંના ખૈરાસોલ ઘુમર ગામમાં તૈનાત CRPFના જવાનો પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. સુરક્ષા દળો પરના આ અચાનક હુમલાને કારણે વિસ્તારમાં ભારે નાસભાગ અને તણાવ ફેલાયો હતો, જેના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની પોલીસ બોલાવવી પડી હતી.

હરિશ્ચંદ્રપુરમાં TMC-કોંગ્રેસ સામસામે

હરિશ્ચંદ્રપુર-I બ્લોક પંચાયત સમિતિના ટીએમસી નેતા સ્વપન અલીએ આરોપ લગાવતા દાવો કર્યો હતો કે મંત્રી તાઝમુલ હુસૈન અને તેમના સમર્થકો ખુલ્લેઆમ કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં પ્રચાર કરી રહ્યા હતા. સ્વપન અલીના જણાવ્યા અનુસાર મંત્રીના નિર્દેશ પર જ તેમના સમર્થકોએ કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને ટીએમસીના કેમ્પ ઓફિસ પર હુમલો કર્યો હતો, જેમાં પાર્ટીના ઝંડા ફાડી નાખવામાં આવ્યા હતા અને બેનરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

કૂચબિહારમાં બબાલ

કૂચબિહારના તુફાનગંજ વિસ્તારમાં મતદાન દરમિયાન મોટી ભીડ એકઠી થઈ જતાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી, જેને કાબૂમાં લેવા માટે તૈનાત CAPFના જવાનોએ મોરચો સંભાળવો પડ્યો હતો. કેટલાક અસામાજિક તત્વો મતદારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ વચ્ચે સ્થિતિને નિયંત્રણ બહાર જતી જોઈને સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરી ભીડને વિખેરી નાખી હતી.

સિલગુડીમાં ભાજપ-TMC કાર્યકરો વચ્ચે તણાવ

સિલિગુડીના જગદીશ ચંદ્ર વિદ્યાપીઠ મતદાન મથક બહાર તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં મતદાન પ્રક્રિયામાં અવરોધ સર્જાયો હતો. પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા ત્યાં હાજર CAPFના જવાનોએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને ભીડને વિખેરીને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.

આ ઘટનાઓ સાથે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. એક તરફ 90%થી વધુનું જંગી મતદાન રાજ્યના નાગરિકોની રાજકીય જાગૃતિ અને મતાધિકાર પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે, તો બીજી તરફ મુર્શિદાબાદ, આસનસોલ અને માલદા જેવા વિસ્તારોમાં થયેલી હિંસા, બૉમ્બમારા અને પથ્થરમારાની ઘટનાઓ ચિંતા ઉપજાવનારી છે. રાજકીય પક્ષો વચ્ચેના આંતરિક અને પરસ્પર સંઘર્ષો તેમજ સુરક્ષા દળો પર થયેલા હુમલાઓની ઘટનાઓ બંગાળની ચૂંટણીમાં હિંસાની પરંપરાને યાદ અપાવી રહી છે. જોકે આ વખતે ચૂંટણી પંચની સતર્કતાના કારણે સ્થિતિ ઘણીખરી નિયંત્રણમાં રહી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં