રાજ્યની બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના (By-Election) પરિણામો સામે આવ્યા છે. વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પરથી AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તો કડી (Kadi) વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા વિજયી બન્યા છે. આ બંને બેઠકો પર કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે. વિગતે વાત કરીએ તો વિસાવદર ચૂંટણીમાં ઇટાલિયાએ 17,554ની લીડ સાથે જીત મેળવી છે અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ 39,452ની લીડથી જીત મેળવી છે.
બંને બેઠકો પરની સ્થિતિ અલગ હતી અને સમીકરણો પણ જુદા-જુદા હતા, તેથી પરિણામોમાં પણ ભિન્નતા જોવા મળી રહી છે. આ પરિણામો એક તરફ BJPની ગુજરાતમાં ચાલી રહેલી મજબૂત પકડને દર્શાવે છે તો બીજી તરફ AAP-કોંગ્રેસના ગઠબંધનના સંબંધોને પણ ઉજાગર કરે છે. દેખીતી વાત છે કે, કોઈપણ જનતા નવી પાર્ટીને સરળતાથી સ્વીકારી શકતી નથી, પરંતુ કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટી આવું કરી શકી. એક ફેક્ટર એ પણ ચર્ચાઈ રહ્યો છે કે, કોંગ્રેસ AAPની ‘બી’ ટીમ છે.
વિસાવદર વિધાનસભાના પરિણામો અને સમીકરણો
વિસાવદર વિધાનસભા બેઠક AAPના તત્કાલીન ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાં બાદથી ખાલી પડી હતી. આ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એમ ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, આ બેઠક પર કોંગ્રેસની નિષ્ક્રિયતા પણ વળગીને આંખે આવે તેમ છે. આપણે આ ચૂંટણીને લઈને કેટલાક ફેક્ટર પર વિગતે ચર્ચા કરીએ.
કોંગ્રેસ – AAPની ‘બી ટીમ’ તરીકે ઊભરી
વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસની કામગીરી ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહી. કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાને માત્ર 5501 મત મળ્યા છે. આ પરથી સ્પષ્ટ છે કે, કોંગ્રેસે એક સમયનો પોતાનો કિલ્લો ખાડામાં નાખી દીધો છે. તે સિવાય કોંગ્રેસના પ્રચારનું કોઈ અસ્તિત્વ નહોતું, પ્રદેશ સ્તરે નેતૃત્વ શૂન્ય હતું અને લોકોએ પણ કોંગ્રેસના વિકલ્પ તરીકે અન્ય પાર્ટીને સ્વીકારી લીધી હતી. જોકે, દેશની સૌથી જૂની પાર્ટી હોવાના કારણે કોંગ્રેસે સ્થાનિક ક્ષેત્રે પણ અન્ય પાર્ટીઓ કરતાં વધુ પકડ બનાવી હોય તે સ્વાભાવિક બાબત છે, પણ તેમ છતાં વિસાવદરમાં સ્થિતિ વિપરીત દેખાઈ આવી હતી.

કોંગ્રેસની સ્થિતિ એટલી ખરાબ છે કે, તેણે પોતાની ડિપોઝિટ પણ ગુમાવવી પડી છે. આ જ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને હવે આ જ બેઠક પર તેની સ્થિતિ વસમી બની ગઈ છે. જોકે, માત્ર વિસાવદર પૂરતી જ નહીં, પણ કોંગ્રેસ હવે આખા રાજ્યમાં પોતાની પ્રતિષ્ઠા અને પહોંચ ગુમાવી રહી છે. સ્થિતિ એવી થઈ ચૂકી છે કે, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હાર સ્વીકારીને પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આજના સમયે આમ આદમી પાર્ટી જેવી પાર્ટી ચૂંટણી મથામણમાં ઉતરે ત્યારે કોંગ્રેસ જેવી સૌથી જૂની પાર્ટી પાસે જ કોઈ યોજના કે દ્રષ્ટિ ન હોય તો તે પોતે પોતાના વિનાશ માટે જવાબદાર છે. વિસાવદરમાં તો સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસે AAP માટે મેદાન ખુલ્લુ મૂકી દીધું હતું, જાણે તે પોતાની ‘બી ટીમ’ હોય. કોંગ્રેસનું AAP પ્રત્યેનું નબળું વલણ પણ પરિણામોને અસર કરવા માટેનું મજબૂત પરિબળ સાબિત થઈ શકે એમ છે.
આ વિસ્તારમાં કોંગ્રેસે ન તો આક્રમક પ્રચાર કર્યો, ન સ્થાનિક મુદ્દાઓને ઉઠાવ્યા. વિસાવદરમાં પાટીદાર મતદારોને આકર્ષવામાં કોંગ્રેસ સંપૂર્ણપણે નિષ્ફળ રહી, જે AAPના ગોપાલ ઇટાલિયા તરફ ખેંચાયા. આ દર્શાવે છે કે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીએ સૌથી નવી પાર્ટી સામે હથિયાર મૂકી દીધા છે. બીજું એક કારણ એ પણ છે કે, કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી. ઉમેદવાર સાથે ફરતા 5-7 માણસો સિવાય કોંગ્રેસ પાસે સ્થાનિક કાર્યકર્તાઓની અછત હતી, આ કારણે પણ ચૂંટણીમાં સ્થિતિ ખરાબ ઊભી થઈ છે.કોંગ્રેસની આ નિષ્ક્રિયતા એક રાજકીય આત્મઘાતી વલણ સમાન છે, જે ગુજરાતમાં તેના અસ્તિત્વ પર સવાલ ઉભા કરે છે.
સાથે એ પણ નોંધવા જેવું છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હંમેશા એકબીજા પર ભાજપની ‘બી ટીમ’ હોવાનો આરોપ લગાવતી હતી. અવારનવાર બંને પક્ષના નેતાઓ એકબીજાને ટાર્ગેટ કરવા પર ભાજપને વચ્ચે લાવતા હતા. તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસને ભાજપની ‘બી ટીમ’ ગણાવી હતી. પણ આ પરિણામ જોતાં સ્પષ્ટ એવું લાગે છે કે, કોંગ્રેસ જ AAPની ‘બી ટીમ’ છે.
ભાજપની વિસાવદર હાર: આંતરિક કલહ અને ઉમેદવાર વિવાદ
વિસાવદરમાં ભાજપની હાર રાજ્યના રાજકીય પટ પર એક ચર્ચાનો વિષય ચોક્કસ બની છે. જોકે, આ બેઠક ભાજપનો ગઢ નહોતી, ભાજપ પહેલાંથી આ બેઠકની જીતી રહી નહોતી, છતાં આ બેઠકમાં આગળ વધવા માટેની તક હતી. 2012થી આ બેઠક પર વિપક્ષનો પ્રભાવ રહ્યો છે અને AAPની પહેલાંની જીતે તેના સ્થાનિક સંગઠનને પણ મજબૂત કર્યું છે. જોકે, BJPની હારનું મુખ્ય કારણ આંતરિક કલહ અને ખોટી ઉમેદવાર પસંદગી રહ્યું. કિરીટ પટેલની પસંદગીએ સ્થાનીય BJP કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાવી, જેની અસર પ્રચારમાં દેખાઈ. પાટીદાર સમુદાયના મતદારો, જે આ બેઠકનો મોટો હિસ્સો છે, ગોપાલ ઇટાલિયા તરફ ખેંચાયા.
તે સિવાય જવાહર ચાવડા ફેક્ટરે પણ ભાજપની હારમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. જવાહર ચાવડા સ્થાનિક કક્ષાએ ખૂબ પ્રભાવશાળી નેતા છે અને તેમને જ સાઈડલાઇન કરવાના પ્રયાસ કરવા નુકસાનકારક હોય શકે છે. તે સિવાય આ બેઠક પર જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી, તે કિરીટ પટેલ અગાઉ પણ બે ચૂંટણીઓ ભાજપને હરાવી ચૂક્યા છે. સ્થાનિક સ્તરે પણ ઉમેદવારને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી, જેની અસર પ્રચારમાં પણ જોવા મળી હતી.
જોકે, BJPએ આ હાર બાદ EVM પર આંગળી ન ઉઠાવી, જે તેના પરિપક્વ રાજકીય અભિગમનું ઉદાહરણ છે. BJPના નેતા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર્ટી આ હારનું આંતરિક વિશ્લેષણ કરશે અને ભવિષ્યમાં સુધારો લાવશે. આ જ એક પરિબળ ભાજપને અન્ય પાર્ટીઓ કરતાં અલગ પાડે છે. અન્ય પાર્ટીઓ હાર સ્વીકારવા તૈયાર નથી થતી અને સરકાર તથા ચૂંટણી પંચ અને EVM પરટ ઠીકરા ફોડવાના શરૂ કરી દે છે. પરંતુ ભાજપ આવું નથી કરતી. તેનો આ પરિપક્વ અભિગમ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. AAPના ગોપાલ ઇટાલિયાના વિજયે પાર્ટી માટે નવી ઊર્જા પ્રદાન કરી છે. તેમ છતાં, આ જીત ભાજપના આંતરકલહ અને કોંગ્રેસના શૂન્ય વલણના કારણે પણ છે.
કડીમાં ભાજપની જીત: પાર્ટી હજુ પણ ગુજરાતમાં મજબૂત
કડીમાં BJPના રાજેન્દ્ર ચાવડાની 39,452 મતની બહુમતીથી મળેલી જીત રાજ્યમાં પાર્ટીની અજેય સ્થિતિની પુષ્ટિ કરે છે. આ જીત દર્શાવે છે કે ગુજરાતમાં BJPના વળતાં પાણી નથી અને તેનો સંગઠનાત્મક આધાર હજુ પણ મજબૂત છે. રાજેન્દ્ર ચાવડા, જે જૂના જનસંઘી નેતા તરીકે ઓળખાય છે, તેમની પસંદગીએ BJPના પરંપરાગત મતદારોને એકત્ર કરવામાં મદદ કરી. 57.51% મતદાન દર દર્શાવે છે કે BJPના પ્રચારે મતદારોમાં ઉત્સાહ જગાડયો હતો.

BJPએ કડીમાં વિકાસ, ઔદ્યોગિકરણ, અને ખેડૂતોના મુદ્દાઓને આગળ ધરીને પ્રચાર કર્યો, જે શહેરી અને ગ્રામીણ મતદારોને અનુરૂપ હતો. ઋષિકેશ પટેલે આ જીતને ‘જનતાની જીત’ ગણાવી, જે દર્શાવે છે કે BJP આ પરિણામને પોતાની લોકપ્રિયતાની પુષ્ટિ તરીકે જુએ છે. AAP અને કોંગ્રેસના ઉમેદવારો BJPની સામે કોઈ મજબૂત ટક્કર આપી શક્યા નહીં, જે કડીમાં વિપક્ષની નબળી હાજરી દર્શાવે છે. જોકે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચાવડા જગદીશને માત્ર 3090 મત જ મળી શક્યા હતા.
વિસાવદરમાં હાર BJPને પોતાની વ્યૂહરચનાઓનું પુનર્મૂલ્યાંકન કરવા મજબૂર કરશે. આંતરિક કલહ અને સ્થાનિક નેતાઓની નારાજગીને દૂર કરવા BJPને નવા મુદ્દાઓ અને નેતૃત્વ પર ધ્યાન આપવું પડશે. જોકે, કડીમાં મળેલી મોટી જીત દર્શાવે છે કે BJPની લોકપ્રિયતા અને સંગઠન હજુ પણ પહેલાં જેટલું જ મજબૂત છે અને આગળ પણ રહેવાનું છે.
2022 કરતાં રાજ્યમાં સદ્ધર છે ભાજપની સ્થિતિ
હવે વાત કરીએ આખા રાજ્યની તો ભાજપને વિસાવદરની ચૂંટણીમાં હારનું કોઈ નુકસાન થયું નથી. હકીકત તો એ છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું જે ઐતિહાસિક પરિણામ આવ્યું હતું, તેના કરતાં પણ વધુ બેઠકો સાથે આજે ભાજપ વધુ સફળ છે. રહી વાત વિસાવદરની તો આગળ કહ્યું તેમ, તે બેઠક ભાજપ પાસે પહેલાં પણ નહોતી, એટલે નુકસાનનો કોઈ સવાલ જ પેદા નથી થતો. 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામ અને હાલની સ્થિતિ પર પણ એક નજર મારીએ.

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 સીટોમાંથી ઐતિહાસિક 156 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 17 તો આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતી હતી. તે સિવાય સમાજવાદી પાર્ટીએ એક અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી હતી. ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતીને સરકાર બનાવી નાખી હતી.

હવે હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ વિધાનસભામાં ભાજપની 162 બેઠકો છે, કોંગ્રેસની ઘટીને 12 થઈ ચૂકી છે તો આમ આદમી પાર્ટીએ વિસાવદર જીતીને પોતાની સ્થિતિ જાળવી રાખી છે. ટૂંકમાં ભાજપે 2022થી 2025 સુધીમાં 6 વિધાનસભા બેઠકોનો વધારો કરી નાખ્યો છે, જે ગુજરાત પર તેની પકડ અને પહોંચનું સ્પષ્ટ પ્રમાણ છે. એટલે વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપની હારનું કોઈ નુકસાન થઈ શકે તેમ નથી, કારણ કે તે બેઠક પહેલાં પણ ભાજપ પાસે નહોતી. ભાજપ પાસે જે બેઠકો હતી, તે સિવાયની પણ 6 બેઠકો આજે તેની પાસે છે.