હૈદરાબાદ કેન્દ્રીય યુનિવર્સિટીના (Hyderabad Central University) વિદ્યાર્થીઓએ મંગળવારથી (1 એપ્રિલ) વર્ગોનો બહિષ્કાર કરવાની અને અનિશ્ચિત સમય માટે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. આ મામલો તેલંગાણાની કોંગ્રેસ સરકારે લીધેલ હૈદરાબાદના પ્રખ્યાત આઇટી હબમાં 400 એકર વન્ય જમીનની હરાજી (Auction) સાથે સંકળાયેલો છે. આ હરાજીની વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ વિવાદ હવે હાઇકોર્ટમાં પહોંચ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ અને પર્યાવરણ એક્ટિવિસ્ટો પણ આઇટી હબ માટે મિલકત ખાલી કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, તેમનો દાવો છે કે આ વિસ્તાર પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ છે. આ જ દરમિયાન, ઉગ્ર વિરોધ વચ્ચે, જમીન સાફ કરવા માટે માટી દૂર કરવાના મશીનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેના પગલે વિરોધ વધુ વકર્યો હતો.
ABVP સહિતના વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ
આ કાર્યવાહીનો વિરોધ કરવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) લગભગ 500 કાર્યકર્તાઓએ 2 એપ્રિલની સવારે 10:30થી જ પ્રદર્શન શરૂ કર્યું હતું. અન્ય વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં સામેલ થયા હતા. સામે આવેલ અહેવાલો અનુસાર વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસ શાસિત તેલંગાણા સરકારની પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
#HyderabadCentralUniversity land row
— Mirror Now (@MirrorNow) April 2, 2025
Protests over 400 acres land, teachers union joins protesting students
Tensions soar in #Hyderabad university, police lathicharge students@ShreyaOpines | @YakkatiSowmith shares more info pic.twitter.com/Xi4B2CvxUU
આ સિવાય વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે હરાજી સંબંધિત તેલંગાણા રાજ્ય ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશનના (TGIIC) તમામ સરકારી આદેશો (GOs), જમીન સર્વેક્ષણો, કાનૂની દસ્તાવેજો અને પત્રવ્યવહાર જાહેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.
દસ્તાવેજો અને બેઠકોની મિનિટ્સ જાહેર કરવા વિદ્યાર્થીઓની માંગ
આ ઉપરાંત વિદ્યાર્થીઓ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંમતિ વિના યુનિવર્સિટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આ જમીન યુનિવર્સિટીના નામે સત્તાવાર રીતે નોંધાયેલી રહે. વધુમાં, તેમણે યુનિવર્સિટી દ્વારા આ મુદ્દા પર યોજાયેલી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકની મિનિટ્સ જાહેર કરવાની માંગ કરી હતી.
બીજી તરફ, તેલંગાણા સરકારની 400 એકર જમીન પર આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ કાર્ય સામે વિદ્યાર્થીઓના વિરોધ બાદ, સરકારે દાવો કર્યો છે કે આ જમીન યુનિવર્સિટીની નહીં પણ રાજ્ય સરકારની છે. તેના જવાબમાં, યુનિવર્સિટી રજિસ્ટ્રારે સોમવારે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું કે વિવાદિત જમીનની સીમાઓ પહેલાથી જ નક્કી કરવામાં આવી છે, જે રાજ્ય સરકારના દાવાની વિરુદ્ધ છે.
૩૦ માર્ચે પણ થયો હતો વિરોધ
નોંધનીય છે કે તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશને (TGIIG) 30 માર્ચે સરકારી આદેશ મુજબ જમીન પર વિકાસ કાર્ય શરૂ કર્યું હતું. ત્યારે UOHના અને અન્ય વિદ્યાર્થીઓ સ્થળ પર ભેગા થયા અને કામને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અધિકારીઓ અને કાર્યરત કર્મચારીઓ સાથે ઘર્ષણ કરીને કામ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
TGIICએ સોમવારે જણાવ્યું હતું કે તેણે કોર્ટમાં જમીનની માલિકીના પુરાવા રજૂ કર્યા છે અને યુનિવર્સિટીનો વિવાદિત જમીન પર કોઈ અધિકાર નથી. તેલંગાણા સરકારે એમ પણ કહ્યું કે જો જમીનની માલિકી અંગે કોઈ વિવાદ ઊભો થાય છે, તો તે કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે. તેલંગાણા સરકારે એ પણ માહિતી આપી હતી કે યુનિવર્સિટીના રજિસ્ટ્રારની સંમતિથી જુલાઈ 2024 માં જમીનના સીમાંકન માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે હૈદરાબાદ યુનિવર્સિટીના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો, અને તે જ દિવસે મર્યાદા નક્કી કરવામાં આવી હતી.