Wednesday, November 13, 2024
More
    હોમપેજદેશફજેતી: હરિયાણામાં વિજય સરઘસ માટે રથ-ઘોડા, ઢોલ-નગારા સાથે સજ્જ હતી કોંગ્રેસ, જનાદેશ...

    ફજેતી: હરિયાણામાં વિજય સરઘસ માટે રથ-ઘોડા, ઢોલ-નગારા સાથે સજ્જ હતી કોંગ્રેસ, જનાદેશ બાદ પડ્યા ભોંઠા… લોકોએ જલેબીને લઈને પણ માર્યા ટોણા

    હરિયાણા વિધાનસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પાર્ટીને આત્મવિશ્વાસ હતો કે તેઓ છપ્પરફાડ જીત મેળવવાના છે અને રાજ્યમાં બહુમતી મેળવીને તેમની સરકાર બનાવવાના છે. પણ જોત-જોતામાં થઇ ગયો 'ખેલા'ને લોકોને પડી ગઈ મજા.

    - Advertisement -

    જ્યારથી હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું છે, કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી થઈ પડી છે. હરિયાણાની જનતાએ આપેલા જનાદેશ બાદ કોંગ્રેસ પાર્ટી સોશિયલ મીડિયામાં સખત ટ્રોલ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ અવનવા મીમ્સ અને વિડીયો શેર કરી રહ્યા છે. અંતિમ પરિણામો આવ્યા બાદથી આમાં વધારો થયો છે. અને થાય પણ કેમ નહીં, કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘તામજામ’ના વિડીયો પણ સામે આવી રહ્યા છે.

    વાસ્તવમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પાર્ટીને આત્મવિશ્વાસ હતો કે તેઓ છપ્પરફાડ જીત મેળવવાના છે અને રાજ્યમાં બહુમતી મેળવીને તેમની સરકાર બનાવવાના છે. ગઈકાલે (8 ઓકટોબર 2024) સવારે જયારે પરિણામોના રૂઝાન આવવાના શરૂ થયા ત્યારે એમ જ લાગી રહ્યું હતું કે કોંગ્રેસનું માનવું સાચું છે. સવારે જાહેર થઈ રહેલા પરિણામો જોઇને કોંગ્રેસ પાર્ટી, તેના નેતાઓ અને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ‘વિજયશ્રી’ની તૈયારીઓ કરવા લાગ્યા હતા.

    સવારના રુઝાને કોંગ્રેસને રાખી ગેલમાં

    આ તૈયારીઓ માટે હરિયાણામાં કોંગ્રેસે ઘોડા, રથ…ઢોલ નગારા ને ખબર નહીં શું-શું તૈયારીઓ કરી નાખી હતી. કોંગ્રેસી ખેમામાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય જે ભાજપને ભાંડીને ઉત્સાહ ન મનાવી રહ્યો હતો. તેવામાં થોડો સમય વીત્યો ને અસલ પરિણામ સામે આવવા લાગ્યા. સાંજ પડતા સુધીમાં તો હાલત એવી થઇ કે હરિયાણામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા અને ભાજપ બહુમતી સાથે વિધાનસભા ચૂંટણી જીતી ગયું.

    - Advertisement -

    તેવામાં પેલા ઢોલ, નગારા, રથ, ઘોડા એ બધાનું શું? અંતે બધું વિલા મોઢે પાછુ મોકલવું પડ્યું. આ ઘટનાઓના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. પ્રથમ વિડીયોમાં જોઈ શકાય છે કે એક રસ્તા પર અનેક ઘોડાઓ અને તેમની સાથે કોઈ રાજા-મહારાજાઓ માટે તૈયાર કરવામાં આવ્યા હોય તેવા રથ પસાર થઇ રહ્યા છે. આ રથ પર કોંગ્રેસના ઝંડા પણ લાગી રહ્યા છે. કોંગ્રેસનો આ ‘વિજય કાફલો’ જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ તેના વિડીયો બનાવી લીધા. વિડીયોમાં વ્યક્તિ પૂછી રહ્યો છે કે ‘શું થઈ ગયું…?’ તેના સવાલો વચ્ચે જ કાફલો પસાર થઈ જાય છે.

    બીજા એક વિડીયોમાં કેટલાક ઢોલ-નગારા વગાડનારા કલાકારો વિલા મોઢે પાછા ફરી રહ્યા છે. વિડીયો બનાવનાર વ્યક્તિ તેમને પણ પૂછી રહ્યો છે કે કેમ પાછા જઈ રહ્યા છો. સવાલના જવાબમાં કલાકાર કહે છે કે, “સીટો જ ન આવી એટલે અમે પાછા મોકલી દીધા…” અહિયાં પણ વિડીયો બનાવનાર વ્યક્તિએ વિડીયો વાયરલ કરી દીધો અને લોકો આ વિડીયોને લઈને કોંગ્રેસની મજા લઈ રહ્યા છે.

    આખા દેશમાં ચાલ્યું જલેબી-જલેબી

    માત્ર આ પ્રકારના વિડીયો જ નહીં, લોકોએ જલેબીના નામે પણ કોંગ્રેસને ‘સળી’ કરી. વાસ્તવમાં પોતાના તરફે પરિણામ જોઇને હરિયાણા કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી કે, “હરિયાણા વાસીઓને જલેબી દિવસની શુભકામનાઓ” તેમની આ પોસ્ટ રાહુલ ગાંધીએ હરિયાણામાં ચૂંટણી સભામાં રોજગાર સંદર્ભે જલેબીનો ઉલ્લેખ કર્યો હતો તેને લઈને હતી. જોકે પરિણામમાં જેવો ભાજપ તરફે પવન ફૂંકાયો કે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. ભાજપના મોટા-મોટા નેતાઓથી લઈને સોશિયલ મીડિયા યુઝરોએ જલેબીના નામે કોંગ્રેસને ટ્રોલ કરી હતી.

    મહત્વનું છે કે આ જલેબી ટ્રોલિંગ હજુ પણ ચાલુ જ છે. લોકો કોંગ્રેસના અલગ અલગ નેતાઓ, કે જેઓ જાહેર ડિબેટમાં ભાજપને ઉતારી પાડતા હતા. તેમને લઈને સોશિયલ મીડિયા આખું માટે લીધું છે. હરિયાણાના પરિણામો શું આવ્યા, તે જગ જાહેર છે. પરંતુ કોંગ્રેસના અતિ-ઉત્સાહના કારણે જનતા-જનાર્દન હાલ ઉત્સાહમાં છે અને કોંગ્રેસને મેણા મારી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં