બિહાર વિધાનસભા ચૂંટણીનું ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ જેવું પરિણામ આવ્યું છે. 243 બેઠકોમાંથી NDA ગઠબંધન 200થી વધુ બેઠકો મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. મતગણતરી જેમ આગળ વધી રહી છે તેમ એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે બિહારની જનતાએ ફરી એક વખત ‘જંગલરાજ’ને જાકારો આપીને ડબલ એન્જિન વિકાસ પર મહોર મારી છે. આ જીત સામાન્ય નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની, ભાજપ ગઠબંધનની પાંચ ફેક્ટરની રણનીતિનું પરિણામ છે, જેણે વિપક્ષને ધૂળ ચાટતો કરી દીધો છે.
મોદીએ પોતાની રેલીઓમાં લાલુ-રાબડી શાસનના ભયાનક ભૂતકાળને સફળતાપૂર્વક જીવંત કરી દીધો, જેનાથી જનતાને સ્પષ્ટ સંદેશો મળ્યો કે એ અંધકારયુગ તરફ પરત ફરવાનું નથી. આ જીત નીતીશ કુમારના જમીની વિશ્વાસ અને કેન્દ્ર સરકારની જન-કલ્યાણકારી યોજનાઓના સફળ અમલનો પણ પુરાવો છે, જેણે ગરીબો અને યુવાનોનો વિશ્વાસ જીતી લીધો હતો. પાંચ મજબૂત પરિબળોની મદદથી NDAએ માત્ર મોટી જીત જ નહીં, પરંતુ બિહારની રાજનીતિની દિશાને પણ સંપૂર્ણપણે વિકાસલક્ષી બનાવી દીધી છે.
મોદી બન્યા X ફેક્ટર: ‘જંગલરાજ’ની યાદે ચૂંટણીને આપ્યો નવો વળાંક
આ ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદી ફરી એકવાર બિહારના સૌથી મોટા ‘નેરેટિવ સેટર’ સાબિત થયા. તેમની રેલીઓએ ચૂંટણીનો મુદ્દો મોંઘવારી, બેરોજગારી કે સ્થાનિક નારાજગીથી હટાવીને સીધો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ઇતિહાસ પર લાવી દીધો. મોદીએ સતત જનતાને ‘લાલુ-રાબડી’ શાસનના એ કાળની યાદ અપાવી, જેને બિહારની રાજનીતિમાં ‘જંગલરાજ’ કહેવામાં આવે છે.
શહાબુદ્દીનના પુત્ર ઓસામાને ટિકિટ આપીને RJDએ જાણે વિપક્ષના હાથમાં જ હથિયાર આપી દીધું અને મોદીએ આ મુદ્દાને દરેક રેલીમાં ઉછાળીને લોકોની યાદોને ફરી જગાવી દીધી. જૂના લોકો આ યુગને આજે પણ ડર અને અરાજકતા સાથે જોડે છે અને નવી પેઢીને મોદીએ વારંવાર કહ્યું, “તમારા ઘરના વડીલોને પૂછો કે જંગલરાજમાં શું-શું થતું હતું.” આ ભાવનાત્મક અપીલ અત્યંત અસરકારક સાબિત થઈ.
મોદીએ માત્ર ભયની યાદ અપાવી એટલું જ નહીં, પણ તેની સરખામણી ડબલ એન્જિન સરકારના વિકાસ મોડેલ સાથે પણ કરી હતી. રસ્તા, વીજળી, આવાસ, ગેસ, શૌચાલય, મફત અનાજ અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓને જોડીને તેમણે સંદેશો આપ્યો કે બિહાર હવે એ અંધકારમાંથી બહાર આવી ગયું છે અને તેને ફરી પાછું એ સ્થિતિમાં ન જવા દેવું જોઈએ.
મહિલાઓ પ્રત્યે મોદીની ખાસ અપીલ, છઠ પૂજાના સન્માનનો મુદ્દો અને સશસ્ત્ર દળોનું શૌર્ય – આ બધું જોડીને તેમણે દર્શાવ્યું કે NDA માત્ર સુરક્ષા અને વિકાસ જ નહીં, પણ બિહારની સાંસ્કૃતિક ઓળખનું પણ રક્ષક છે. એકંદરે મોદીએ ચૂંટણીનું ધ્યાન પોતાના નિયંત્રણમાં લઈ લીધું. આ ચૂંટણીમાં તેઓ નિર્ણાયક ‘X ફેક્ટર’ સાબિત થયા.
નીતીશ કુમારે જમીન પર બતાવી તાકાત: બીમારી છતાં વરસાદમાં પણ કરી સભાઓ
20 વર્ષ સત્તામાં રહ્યા પછી કોઈપણ નેતા માટે જનતામાં ઉત્સાહ જાળવી રાખવો સરળ નથી. પણ નીતીશ કુમારે આ ચૂંટણીમાં બતાવી દીધું કે તેમનું જમીની નેટવર્ક અને વહીવટી વિશ્વાસ આજે પણ એટલાં જ મજબૂત છે. બીમારી અને ઉંમરની મુશ્કેલીઓ છતાં તેઓ સતત પ્રવાસ કરતા રહ્યા.
જ્યારે અનેક મોટા નેતાઓ વરસાદને કારણે સભાઓ મોકૂફ રાખતા હતા, ત્યારે નીતીશ કુમાર કલાકો સુધી કારમાં દૂરસુદૂર વિસ્તારોમાં પહોંચતા રહ્યા અને નાની-મોટી દરેક સભામાં લોકો સાથે સંવાદ કરતા રહ્યા. આનાથી એક મોટો સંદેશો ગયો કે ‘નીતીશ થાક્યા નથી, નિવૃત્ત થયા નથી અને કામ છોડવા તૈયાર નથી.’
તેમના આ પ્રવાસો માત્ર રાજકીય કાર્યક્રમો નહોતા, પણ એ લાંબા કાર્યકાળની યાદ અપાવતા હતા જેમાં તેમણે રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને વહીવટને નવી દિશા આપી હતી. લોકોમાં તેમના પ્રત્યેનો સ્વાભાવિક વિશ્વાસ આ વખતે પણ દેખાયો. રસપ્રદ વાત એ છે કે નીતીશ વિરુદ્ધ કોઈ મોટી એન્ટી-ઇન્કમ્બન્સી દેખાઈ નહીં, જે ભારતીય રાજનીતિમાં દુર્લભ છે. આનું કારણ તેમના છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ છે, ખાસ કરીને દારૂબંધી, મહિલા સશક્તિકરણ, ગ્રામીણ રસ્તાઓની ક્રાંતિ અને વહીવટી સુધારા.
યુવાનોમાં બેરોજગારીને લઈને કેટલીક નારાજગી હતી, પણ કૌશલ્ય વિકાસ, ઉદ્યોગો લાવવા અને પ્રવાસ અટકાવવા જેવા મુદ્દાઓ ઉઠાવીને વડા પ્રધાન મોદી અને નીતીશ કુમારે મળીને તે નારાજગી મોટાં વચનોમાં ફેરવી દીધી. પરિણામે ‘અનુભવ + વિશ્વાસ’ના રૂપમાં નીતીશની છબી NDAની જીતની કરોડરજ્જુ બની ગઈ.
મહિલાઓએ પલટી બાજી: ₹10,000ની સીધી સહાય અને 8% વધુ મહિલા મતદાન
2025ની બિહાર ચૂંટણીની સૌથી પ્રભાવશાળી બાબત હતી મહિલાઓની મતદાનમાં ઐતિહાસિક ભાગીદારી. પ્રથમ તબક્કામાં પુરુષોની સરખામણીમાં મહિલાઓએ 8% વધુ મતદાન કર્યું છે. આ માત્ર એક આંકડો નહીં, પણ એક રાજકીય સંદેશો હતો કે બિહારની મહિલાઓ હવે ચૂંટણીનું ભવિષ્ય નક્કી કરી રહી છે.
નોંધનીય છે કે આના કેન્દ્રમાં હતી ₹10,000ની સીધી આર્થિક મદદ, જે 1 કરોડથી વધુ જીવિકા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓના ખાતામાં મોકલવામાં આવી હતી. આ લાભ પહેલી વાર સીધો મહિલા મતદારોને મળ્યો, કોઈ વચેટિયા વિના.
આ આર્થિક સહાય સાથે ₹2 લાખ સુધીની સરળ લોનનું વચન, શાળાઓમાં સાયકલ યોજના, પોશાક યોજના, સુરક્ષા, આરોગ્ય અને સ્વ-સહાય સમૂહોની સફળતા – આ બધાએ મળીને મહિલાઓને નીતીશની તરફેણમાં એકઠી કરી દીધી. ઘણી મહિલાઓ જેઓ અગાઉ ક્યારેય મતદાન કરવા ન આવતી, આ વખતે બુથ પર લાંબી કતારોમાં દેખાઈ. આ દર્શાવે છે કે મહિલાઓના મનમાં નીતીશ સરકાર પ્રત્યે ઊંડો વિશ્વાસ અને ભાવનાત્મક જોડાણ છે.
આ ઉપરાંત પીએમ મોદીએ પણ મહિલાઓને પોતાના સંબોધનોના કેન્દ્રમાં રાખી હતી. છઠ પૂજાનું સન્માન, પરિવારવાદની ટીકા અને મહિલાઓ માટે આર્થિક તકોની વાત કરીને તેમણે મહિલા મતને વધુ મજબૂત કર્યો હતો. સ્પષ્ટ છે કે 2025ની જીતના મૂળમાં મહિલાઓની અભૂતપૂર્વ ભાગીદારી સૌથી નિર્ણાયક પરિબળોમાંથી એક છે.
નોકરી, વિકાસ અને જનકલ્યાણ યોજનાઓ: યુવાનો અને ગરીબોનો વિશ્વાસ NDA પર ટક્યો
રોજગાર હંમેશા બિહારનો કેન્દ્રીય મુદ્દો રહ્યો છે. આ વખતે પણ યુવાનો બેરોજગારીથી અસંતુષ્ટ હતા, પણ NDAએ તેને અવસરમાં ફેરવી દીધું. સંકલ્પ પત્રમાં 1 કરોડ રોજગારનું વચન મુખ્ય આકર્ષણ બની ગયું. વડા પ્રધાન મોદીએ આ વચન દરેક રેલીમાં દોહરાવ્યું અને ‘બિહાર મેં હી કામ કરેગા, બિહાર કા હી નામ કરેગા’ જેવા નારા આપીને યુવાનોને સંદેશો આપ્યો કે સરકાર સ્થળાંતરની સમસ્યા સમજે છે અને તેનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે.
બીજી તરફ ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોમાં કરોડો ઘરો સુધી NDAની કલ્યાણકારી યોજનાઓએ પ્રભાવ પાડ્યો. મફત અનાજ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય, ગેસ કનેક્શન, કિસાન સન્માન નિધિ, વૃદ્ધાવસ્થા પેન્શન, વીજળી-રસ્તા-પાણી જેવી યોજનાઓએ NDAનો પાયો ખૂબ મજબૂત કર્યો. જેમને આ યોજનાઓનો લાભ મળ્યો, તેમણે ‘મૌન લાભાર્થી’ની ભૂમિકા ભજવી અને મોટી સંખ્યામાં NDAની તરફેણમાં મત આપ્યા.
વિપક્ષનું આઉટ-ઑફ-ફોકસ અભિયાન: રાહુલની વિદેશયાત્રાઓ, તેજસ્વીનાં અવાસ્તવિક વચનો
આ ચૂંટણીમાં વિપક્ષનું સૌથી મોટું નુકસાન તેની પોતાની રણનીતિક નબળાઈઓથી થયું. રાહુલ ગાંધીએ પ્રચારની શરૂઆત તો જોરદાર કરી, પણ જ્યારે પ્રચારનો પીક સમય હતો, ત્યારે તેઓ 57 દિવસ સુધી બિહારથી ગાયબ રહ્યા. તેમની વિદેશ યાત્રાઓ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કાર્યક્રમોમાં હાજરી… આ બધાએ સંદેશ આપ્યો કે તેઓ બિહારની ચૂંટણીને ગંભીરતાથી લઈ રહ્યા નથી.
વિપક્ષે SIR પર ‘વોટ ચોરી’નો આરોપ લગાવ્યો, પણ એ સમજાવવામાં નિષ્ફળ રહ્યું કે આનાથી સામાન્ય મતદાતાને શું નુકસાન થયું. ઉલટું આ બધા દાવાઓનું ફેક્ટચેક થતું ગયું, જેનાથી વિશ્વસનીયતાને ભારે ઠેસ પહોંચી અને મતદારો જાણી ગયા.
બીજી તરફ તેજસ્વી યાદવનાં વચનો અવાસ્તવિક અને અનિયોજિત સાબિત થયાં. 10 લાખ નોકરીઓનો દાવો, ઉદ્યોગ વિના રોજગારની ફોર્મ્યુલા અને CM ચહેરાની જાહેરાતને લઈને મહાગઠબંધનમાં લાંબી ખેંચતાણ – આ બધાએ જનતામાં એવી ધારણા બનાવી કે વિપક્ષ પોતે જ પોતાની દિશા નક્કી કરી શકતો નથી, તો બિહારનું ભવિષ્ય શું સાચવશે.
RJD અને કોંગ્રેસની સ્થાનિક સ્તરે અણબનાવની ખબરો, કોંગ્રેસ અધ્યક્ષની બેઠક પર RJDના ઉમેદવાર ઉભા કરવા અને બંને પક્ષો એકબીજાને નુકસાન પહોંચાડવાની કોશિશ – આ બધાએ ગઠબંધનને નબળું પાડ્યું. મતદાતાઓએ બિહાર ચૂંટણીના પરિણામો દ્વારા આ જ સ્પષ્ટ સંદેશો આપ્યો છે, ‘જે પોતે જ વિખેરાયેલો છે, તે બિહારને શું સંભાળશે?” અને આનો સીધો લાભ NDAને મળ્યો.
14 નવેમ્બર 2025નાં બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે બિહારની જનતાએ વિચારી-સમજીને મતદાન કર્યું છે. મોદીનું પ્રબળ નેરેટિવ, નીતીશની જમીની વિશ્વસનીયતા, મહિલાઓનું રેકોર્ડબ્રેક મતદાન, રોજગાર-વિકાસની આશા અને વિપક્ષની રણનીતિક નબળાઈઓ – આ પાંચ પરિબળોએ મળીને NDAને 200+ બેઠકોની મજબૂત સીટોની લીડ અપાવી છે. આ જીત માત્ર એક ચૂંટણી જીત નથી, પણ બિહારની બદલાતી રાજકીય માનસિકતાનો સંકેત છે.


