આજે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં 17 ઑક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ વિશે જાણકારી અપાઈ છે. આમ તો ભાજપમાં સંગઠન હોય કે સરકાર હોય, તેમાં શું બદલાવ થશે એ બાબતે હંમેશા સરપ્રાઇઝ એલિમેન્ટ બની રહેતું હોય છે. તે જ પ્રમાણે આ વખતે પણ કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે, કોને દૂર કરાશે, કોને પ્રમોશન મળશે અને કોનું ડિમોશન થશે એ બાબતે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. આ જ ચર્ચામાં એક વિષય છે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાવાનો. જેની શકયતા ઘણી પાતળી છે પણ તે બાબતે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. તો આજે હું આપની સાથે એ વાત કરવા માંગુ છું કે ‘જો’ ગુજરાતમાં CM બદલાય ‘તો’ મારા મતે ગુજરાતના મુખ્યમંત્રીની ઉત્તમ પસંદગી કોણ રહેશે.
લાંબા લાંબા લમણાં લઈને છેલ્લે સુધી નામ ન કહીને હાઈપ વધારવા કરતા શરૂઆતમાં જ હું આપને જણાવી દઉં કે ગુજરાત CM માટે મારી પસંદ કોણ છે. ‘જો’ આવતી કાલે મંત્રીમંડળ સાથે ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશીમાં પણ કોઈ ફેરબદલ થવાની જરા પણ સંભાવના હોય, ‘તો’ મારી પહેલી પસંદ રહેશે -અમિત અનિલચંદ્ર શાહ- દેશના હાલના ગૃહમંત્રી. સાથે જ ડેપ્યુટી સીએમ તરીકે હું હાલના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જોવા માંગીશ…
હવે મારી પસંદ પર ઘણા લોકો કહેશે કે આ તો અમિત શાહ માટે ડિમોશન કહેવાય… ટેકનિકલી એ વાત સાચી પણ છે. પરંતુ તેઓને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવા પાછળ મારી પાસે ઘણાં કારણો છે અને ગુજરાતને તેમની જરૂર પણ છે. જેની અહીં આપણે વિગતે વાત કરીશું.
1. ‘ગુજરાત મોડલ’ ટકાવી રાખવું…
ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એ માત્ર કોઈ એક રાજ્ય નથી, પરંતુ તેમનું નાક છે. છેલ્લાં ઘણાં વર્ષોથી દેશભરમાં જ નહીં, વૈશ્વિક ફલક પર ‘ગુજરાત મોડલ’ની ચર્ચા થતી આવી છે.
સ્માર્ટ સિટી અભિયાન હોય કે દેશનું પ્રથમ સૌરગ્રામ (સોલાર વિલેજ), ક્લીન એનર્જીની વાત હોય કે સ્વચ્છ પાણી પૂરું પાડવાની, નવી નવી ઈન્ડસ્ટ્રીને આકર્ષવાની વાત હોય કે વર્લ્ડ ક્લાસ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની… હંમેશા દેશભરમાં ગુજરાત આગળ રહ્યું છે. છેલ્લા 2.5 દાયકામાં ગુજરાતે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે જેને હવે એક ‘બ્રાન્ડ’ તરીકે જોવામાં આવે છે. આ બ્રાન્ડ છે ‘ગુજરાત મોડલ’ની.
ભાજપ માટે દેશમાં સત્તા ટકાવી રાખવી જેટલી જરૂરી છે, એટલું જ જરૂરી છે તેમના માટે આ ‘ગુજરાત મોડલ’ની બ્રાન્ડને બનાવી રાખવું. આ માટે ગુજરાતની સત્તા પર કોઈ એવી વ્યક્તિ જોઈશે કે જેનો કંટ્રોલ પાર્ટીથી લઈને, ધારાસભ્યો સુધી અને મંત્રીઓથી લઈને અધિકારીઓ સુધી બધા જ પર હોય.
તો મારી સમજણમાં આ માટે અમિત શાહ સિવાય કોઈ અન્ય નામ બંધ નથી બેસી રહ્યું.
2. ‘GIFT સિટી’ અને ‘ધોલેરા સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં હાલ ‘GIFT સિટી’ અને ‘ધોલેરા સ્માર્ટ સિટી’, આ બંને પ્રોજેક્ટ્સ પૂરજોશમાં ચાલી રહ્યા છે. આ બહુઆયામી પ્રોજેક્ટ્સ પર વિશ્વભરની નજર છે. આ બંને પ્રોજેક્ટ્સમાં દેશ-વિદેશમાંથી હજારો કરોડોનું રોકાણ થયેલું છે.
પરંતુ છેલ્લા અમુક વર્ષોથી આ પ્રોજેક્ટ્સને પાર પાડવામાં વિલંબ થઇ રહ્યો હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. હજારો કરોડના રોકાણ ઉપરાંત આ પ્રોજેક્ટમાં જો વધુ વિલંબ થાય તો તેનાથી બ્રાન્ડ ગુજરાતને નામોશી લાગી શકે.
આ માટે પણ આવનારા થોડા વર્ષો માટે ગુજરાતની ગાદી પર કઠોર નિર્ણય લઈ શકે, અધિકારીઓ પાસેથી કામ કઢાવવાની કળા ધરાવતા હોય તેવા નેતાની જરૂર છે.
આ માનકમાં પણ મારી દૃષ્ટિએ અમિત શાહ કરતા વધુ સારું નામ કોઈ સામે નથી આવી રહ્યું.
3. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ માટે ગુજરાતને તૈયાર કરવું…
બુધવાર, 15 ઑક્ટોબરના રોજ કૉમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડે 2030ના રમત મહોત્સવ માટે યજમાન તરીકે અમદાવાદની ભલામણ કરવાની પુષ્ટિ કરી છે. પૂરેપૂરી સંભાવના છે કે આ ભલામણને સ્વીકારવામાં આવશે અને 2030માં આ વૈશ્વિક રમતોત્સવ ગુજરાતના અમદાવાદમાં યોજાશે.
આ પહેલા નવેમ્બર 2024માં ઈન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશન દ્વારા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી સમક્ષ 2036 ઓલમ્પિક્સની યજમાની માટે આધિકારિક રીતે પ્રસ્તાવ પત્ર એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલાયો છે. આમાં પણ ભારે શક્યતા છે કે ભારતને જ આ યજમાની મળશે. અને ભારતમાંથી આ રમતોત્સવ માટે પણ અમદાવાદનું નામ લેવાઈ રહ્યું છે.
અમદાવાદ આ મોટા વૈશ્વિક આયોજનો માટે આજકાલથી નથી પરંતુ ગત 15 વર્ષોથી તૈયારી કરી રહ્યું છે. શહેરભરમાં અનેક સ્થળોએ મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બની રહ્યા છે.
અમદાવાદમાં ઓલમ્પિક ગેમ્સ 2036 માટેની તૈયારીઓના ભાગરૂપે 3 ભાગમાં કામ ચાલી રહ્યું છે.
– સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ
– નારણપુરા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
– રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
અમદાવાદને ઓલમ્પિક ગેમ્સ 2036ની યજમાની માટે તૈયાર કરવાનો સંપૂર્ણ ભાર આ ત્રણ પ્રોજેકટ પર છે. એમાંથી જે નારણપુરા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેનું નામ બાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરવામાં આવ્યું હતું અને ગત મહિને જે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું.
હવે આટલા મોટા મોટા પ્રોજેક્ટ્સમાં પણ હજારો કરોડ રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યા છે. આ કાર્ય પણ યોગ્ય સમયમર્યાદા અને ઉત્તમ શ્રેણીની ગુણવત્તા સાથે પૂરા કરવા અતિ આવશ્યક છે.
આ વિષયમાં પણ પોતાના વહીવટી અનુભવનો ઉપયોગ કરીને કોઈ ઉત્તમ પરિણામ લાવી શકે, તો એ છે અમિત શાહ.
4. આંદોલનોમાંથી મુક્તિ અને AAPથી સાવધાની
દેશભરના ભાજપ શાસિત રાજ્યોની જેમ હમણાંથી ગુજરાતમાં પણ વાતવાતમાં ઠેરઠેર વિપક્ષ સમર્થિત આંદોલનો થઈ રહ્યા છે. જે ઘણીવાર રાજ્યના વિકાસને અવરોધતા હોય છે અને રાજ્ય સરકારની છબીને પણ ખરડતા હોય છે.
આ આંદોલનોને આગળ કરીને જ ગ્લોબલ લેવલે ભારતવિરોધી, ગુજરાતવિરોધી અને મોદીવિરોધી પ્રોપગેન્ડા ચલાવાતો હોય છે.
સાથે જ ગુજરાતમાં AAPનું આગમન થતા જ અહીં એક અલગ જ પ્રકારની રાજનીતિનો પગરવ થયો છે. ગુજરાતે પહેલા આ પ્રકારની રાજનીતિ જોઈ નથી જેમાં અન્ય નેતાઓ પર અકારણ, અયોગ્ય, અસ્થાપિત આરોપો લગાવવામાં આવે. ખૂબ ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવે અને એટલે સુધી છે સત્તાપક્ષના દ્વેષમાં ગાંડા થઈને રાષ્ટ્રવિરોધી અને ધર્મવિરોધી નિવેદનો આપવામાં આવે.
આગળ જતા આ AAP ગુજરાત માટે દૂષણ બને તેવી ભારે શક્યતા છે. હવે આપનો જે ગઢ કહેવાતું તેવા દિલ્હીમાંથી તેના સંપૂર્ણ નિકંદનમાં જેનો હાથ ગણાય છે, તેવા અમિત શાહ કરતા વધુ સારું ગુજરાત માટે કોણ હોઈ શકે?
5. ગુજરાતીઓની લોકલાગણી
આ બધા કારણોને પણ જો અવગણીએ તો પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ જ નહીં પણ ગુજરાતની મોટાભાગની જનતામાં હવે મજબૂત નેતૃત્વની માંગ ઉઠી છે…
સાથે જ જ્યારે પણ કોઈ નવા CM બનાવવાની વાત આવે ત્યારે દરેક સમાજ અને દરેક વિસ્તાર અપેક્ષા રાખતો હોય છે CM તેમનો બને. તેવામાં અમિત શાહ એક એવો ચહેરો સાબિત થઈ શકે છે કે જેના વિરોધમાં કોઈ સમાજ કે કોઈ વિસ્તાર નહીં ઉતરે અને બધા એકીમતે હામી ભરશે તથા સ્વીકારશે.
ડેપ્યુટી CM તરીકે હર્ષ સંઘવી કેમ?
ચાલો મારી CM તરીકેની પસંદ માટેના કારણો તો મેં આપ્યા, પણ ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જ કેમ? એનો પણ જવાબ છે મારી પાસે.
હર્ષ સંઘવી છેલ્લી 3 ટર્મ એટલે કે લગભગ 15 વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. 2021થી તેઓ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગૃહરાજ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આ દરમિયાન તેઓએ ગુનાખોરીને નિયંત્રણમાં લેવાથી લઈને ગુનેગારોનું સરઘસ કાઢીને તેમની અવૈધ મિલકતો પણ બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવાનો એક નવો અધ્યાય શરૂ કરી દીધો છે.
તેમની આગેવાનીમાં જ ગુજરાતમાં દ્વારકા-બેટદ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને ચંડોળા જેવા મોટામોટા ઐતિહાસિક ડિમોલિશન અભિયાનો હાથ ધરાયા છે.
આમ તેઓએ હવે પૂરતો વહીવટી અનુભવ મળ્યો છે તથા પોતે હજુ યુવા છે. જો અમિત શાહ સીએમ બને અને ક્યારેક તેઓ કોઈ રાષ્ટ્રીય વિષયમાં પડ્યા હોય ત્યારે ગુજરાતનું શાસન ચલાવવા હર્ષ સંઘવી સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. આ વાત તેઓએ પોતાના કાર્યથી સિદ્ધ પણ કરી છે. આ તો થઈ મારા મનની વાત. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે ભાજપના પટારામાંથી કયા નામો નીકળે છે.


