2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનનું પ્રદર્શન અમુક રાજ્યોમાં અત્યંત નબળું રહ્યું તેમાંથી એક મહારાષ્ટ્ર પણ હતું. અહીં 48 લોકસભા બેઠકો છે, જેમાંથી ગઠબંધનને માત્ર 17 મળી. ભાજપની બેઠકો પણ ઘટી. મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’ના બેનર હેઠળ ભાજપ, એકનાથ શિંદેવાળી શિવસેના અને અજીત પવારવાળી NCP સાથે મળીને લડ્યાં હતાં, પણ બહુ ખાસ સફળતા ન મળી. પછી વિધાનસભા ચૂંટણી આવી તો ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું અને મહાયુતિ જંગી બહુમતી સાથે સત્તામાં પરત ફરી.
વિધાનસભાનાં પરિણામો પછી કોંગ્રેસ અને વિપક્ષીઓએ એવું તૂત ચલાવ્યું કે આ ચૂંટણીમાં કશુંક ગડબડ ગોટાળા થયા છે અને પરિણામો સરખાવ્યાં લોકસભા સાથે. ચિત્ર એવું ઉપસાવવાના પ્રયાસ કર્યા કે થોડા મહિના પહેલાં ગયેલી લોકસભા ચૂંટણીમાં પરિણામ જુદું હોય અને પછી તરત યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બાજી કઈ રીતે પલટાય જાય. ટૂંકમાં તેઓ નથી જીત્યા એટલે ચૂંટણીમાં કશુંક ગોટાળા થયા હતા કે પછી એવું માની લેવામાં આવે કે ભાજપ ગઠબંધને અંધારામાં તીર મારીને જીત મેળવી લીધી છે.
આ બધો અપપ્રચાર તાજેતરમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ભાંગી પડ્યો, જ્યારે મહાયુતિ ફરી એક વખત જંગી બહુમતીએ જીત મેળવીને પરત ફરી. કુલ 288 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગરપંચાયતમાંથી ભાજપ ગઠબંધને (મહાયુતિએ) 207 અધ્યક્ષપદ મેળવી લીધાં અને મહાવિકાસ આઘાડી માત્ર 44 પર અટકી ગઈ. વધુ આંકડા જોઈએ તો ભાજપને 117 નગરાધ્યક્ષ પદ, શિવસેના (શિંદે) 53 અને એનસીપી (અજીત) 37 પદ મળ્યાં. વિપક્ષમાં કોંગ્રેસને 28 જ્યારે એનસીપી (શરદ) અને શિવસેના (ઉદ્ધવ) સિંગલ ડિજિટમાં અનુક્રમે 7 અને 9 પદ મેળવી શક્યાં.
જાન્યુઆરીમાં મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં અતિમહત્ત્વની બૃહન્મુંબઈ પાલિકાની ચૂંટણી પણ આવશે. BMCની ચૂંટણીઓ ભલે મહાનગરની ચૂંટણી હોય, પણ વિધાનસભા ચૂંટણી જેવો માહોલ રહે છે અને મહારાષ્ટ્રમાં રાજકીય રીતે કઈ પાર્ટી મજબૂત છે ને કઈ નહીં એ સાબિત કરવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી દે છે. ચાર વર્ષથી મામલો કોર્ટમાં હોવાના કારણે અહીં મેયરની ચૂંટણી થઈ શકી નહીં અને અધિકારીરાજ ચાલતું હતું, હવે સુપ્રીમ કોર્ટના આદેશ પર જાન્યુઆરીમાં BMCની ચૂંટણી થશે. તે પહેલાં લિટમસ ટેસ્ટ સમાન નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ અને તેમાં મહાયુતિ આગળ નીકળી ગઈ.
લોકોનો ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ અકબંધ
આ ચૂંટણીનાં પરિણામો ઘણું સૂચવે છે. એક એ કે વોટચોરીવાળું રાહુલ ગાંધીનું તૂત અહીં પણ કામ આવ્યું નથી. આમ તો સ્થાનિક ચૂંટણીઓ ઘણીખરી સ્થાનિક મુદ્દાઓ પર જ લડાય છે, પણ ચૂંટણી પંચ પર હુમલા કરવા માટે થોડા સમય પહેલાં રાહુલ ગાંધીએ જે પ્રેસ કૉન્ફરન્સો કરી હતી તેમાં મહારાષ્ટ્રનો પણ ઉલ્લેખ હતો. ‘દેશની ચૂંટણી વ્યવસ્થા ખાડે ગઈ છે’, હવે ‘ચૂંટણી પ્રક્રિયા જેવું કશું રહ્યું નથી’ અને ‘ભાજપ ચીટિંગ કરીને, ચૂંટણી પંચનાં મેળાંપીપણાંથી જીતે છે’ એવો માહોલ બનાવવાના પૂરેપૂરા પ્રયાસ થયા, પણ લોકોનો ચૂંટણી પંચ પ્રત્યેનો, ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે એ ફરી એક વખત સાબિત થયું. બિહારના મતદારોએ પણ SIR સફળતાપૂર્વક પૂર્ણ કરાવીને બિલકુલ શાંતિપૂર્ણ ચૂંટણી કરાવીને આ વાત પર મહોર મારી હતી. રાહુલ ગાંધીએ હવે નવું ગતકડું શોધી લાવવું પડશે. તેઓ વિદેશ ગયા છે, એટલે કશુંક તો મળી રહેશે.
ભાષાવિવાદ જેવા મુદ્દાઓને નકાર્યા
બીજું, આ ચૂંટણીમાં મહારાષ્ટ્રની સ્થાનિક પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો રકાસ થયો છે અને ખાતું પણ ખૂલ્યું નથી. મનસે નામની આ પાર્ટીના અધ્યક્ષ રાજ ઠાકરે છે, જેમની વાતો તો મોટી-મોટી હોય છે, પણ એકેય ચૂંટણીમાં તેમનાથી કે તેમની પાર્ટીથી કશું ઉકળતું હોતું નથી. આ ચૂંટણીમાં ફરી તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. પ્રાદેશિક પક્ષો લોકસભામાં પ્રદર્શન ન કરી શકે એ તો સમજવા જેવી વાત છે, પણ વિધાનસભા અને છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જો લોકો મત ન આપતા હોય તો જે-તે પાર્ટી અને તેના નેતાએ આત્મમંથન કરવું જોઈએ.
આત્મમંથન બાજુ પર રહ્યું, એ બધું મૂકીને મનસેનો રસ કાયમ ભાષા અને પ્રદેશવાદ મુદ્દે ગુંડાગિરી કરવામાં જ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આશય એકમાત્ર રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો અને કોઈને કોઈ મુદ્દે રિલેવન્ટ રહેવાનો હોય છે. મતદારોએ ફરી એક વખત સાબિત કર્યું છે કે આવાં ગતકડાં કામ આવવાનાં નથી. ચૂંટણીમાં મત જોઈતા હોય તો કામ કરવું પડશે. ભાષાના નામે, પ્રદેશના નામે ધ્રુવીકરણને કોઈ અવકાશ નથી.
કોંગ્રેસ અને ઉદ્ધવવાળી શિવસેના ટૂંકા વિરામ બાદ ફરી એક વખત ચૂંટણી પ્રક્રિયાને ગાળો દેવાના ધંધે લાગી ગયાં છે. જે ચૂંટણીમાં તેમનું પ્રદર્શન સારું રહે ત્યાં બધું સારું અને જ્યાં ખરાબ રહે ત્યાં સિસ્ટમનો વાંક– આવું તેઓ પોતાને સમજાવતા રહે છે. લોકોને સમજાવવાના પ્રયાસ કરે છે, પણ લોકો હવે સમજદાર થઈ ગયા છે.
ઉદ્ધવ સેના અને શરદ પવારની એનસીપી કાયમ બૂમો પાડતી રહી કે તેઓ જ સાચી પાર્ટીઓ છે અને અનુક્રમે શિંદે અને અજિત પવારે પાર્ટીઓ હાઈજેક કરી લીધી છે. ચૂંટણી પંચે બહુ પહેલાં આ બંને પાર્ટીઓને નામ-નિશાન આપીને કાગળ પર બંનેને સત્તાવાર પાર્ટીઓ ઘોષિત કરી દીધી હતી, પણ રાજકારણમાં જનતાનો મત સર્વોપરી હોય છે. જનતાએ એક પછી એક ચૂંટણીમાં આ બંને પાર્ટીઓને ઉદ્ધવ-શરદ સેનાઓ કરતાં વધુ મત આપીને મહોર મારવાનું કામ કર્યું છે.
આ જ સ્થાનિક ચૂંટણીમાં જો પરિણામો વિપરીત આવ્યાં હોત તો આ ઇકોસિસ્ટમ આપણને રિઝલ્ટ બતાવી-બતાવીને કહેતી હોત કે અમે જે કહેતા હતા એ લોકોએ પણ સાબિત કરી આપ્યું. લોકોએ મત ન આપ્યા એટલે હવે તેની કોઈ ચર્ચા જોવા મળતી નથી. ગુજરાતમાં પણ થોડા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે. SIR પૂર્ણ થઈ ગઈ છે, તખ્તો ઘડાઈ ચૂક્યો છે. પરિણામો જો વિશેષ ગેંગની આશાથી વિપરીત આવ્યાં તો આવી રડારોળ સાંભળવા-જોવા આપણે તૈયાર રહેવાનું.


