ક્યાંક કોઈ જાહેર સ્થળે આતંકવાદી હુમલો થાય છે કે કોઈ ટૂરિસ્ટ સ્પોટ પર જઈને ઇસ્લામી આતંકવાદી પ્રવાસીઓમાંથી હિંદુઓને અલગ તારવીને મારી નાખે છે કે કોઈ હિંદુ દરજીની દુકાનમાં જઈને બે કટ્ટર મુસ્લિમો ગળું કાપી નાખે છે ત્યારે આવી ઘટનાઓને અંજામ આપનારા જેહાદીઓનું કામ પૂરું થઈ જાય છે. ત્યારપછી ઈન્ટરનેટ પર બેઠેલા ડિજિટલ જેહાદીઓનું કામ શરૂ થાય છે. ગ્રાઉન્ડ પરના જેહાદીઓએ જે કારસ્તાન કર્યું છે તેને વ્હાઇટવૉશ કરવાનું.
આવી ઘટનાઓને સીધી રીતે ડિફેન્ડ કરી શકાતી નથી, એટલે વાતને અવળે પાટે ચડાવવાના પ્રયાસો ચાલુ થઈ જાય છે. આપણને કહેવામાં આવે છે કે ‘આતંકવાદનો કોઈ મજહબ હોતો નથી’ અને જે ઘટના બની તેમાં મજહબી માનસિકતા જવાબદાર નથી. એક ઘટનાના કારણે આખા સમુદાયને ઘસડવો યોગ્ય નથી અને આવી અલકમલકની ઘણી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ.
બીજો પ્રયાસ થાય છે નરેટિવ એ રીતે સેટ કરવાનો કે કેન્દ્રસ્થાને આતંકવાદી, તેનાં કૃત્યો કે તેની મજહબી માનસિકતા નહીં પણ કોઈ ત્રીજી જ વાત આવી જાય, જેથી મૂળ ઘટના ભુલાવી દેવામાં આવે. તેના માટે તેમને અમુક યુઝફુલ ઈડિયટ્સની જરૂર પડે છે અને આપણું સામૂહિક દુર્ભાગ્ય છે કે આ ભૂમિકા ઘણા હિંદુઓ જ નિભાવે છે.
તેઓ કહેવાનું ચાલુ કરી દે છે કે ચૂંટણી આવી રહી છે એટલે દેશમાં આવી ઘટનાઓ બની રહી છે. એકપક્ષીય સેક્યુલરિઝમની પિપૂડી વગાડનારાઓ સરકાર પર સાંપ્રદાયિક માહોલ બગાડવાનો આરોપ લગાવે છે અને તેમની વાતમાં આવી જનારા મૂરખાઓ પણ મળી રહે છે. તેઓ સામૂહિકપણે બૂમો પાડવાનું ચાલુ કરે છે કે ચૂંટણી આવી રહી છે એટલે તેમ લાભ મેળવવા માટે, લોકોમાં હિંદુ-મુસ્લિમ કરાવવા માટે સરકાર આવું કરાવી રહી છે કે મોદી-શાહ આવું કરાવી રહ્યા છે કે ભાજપ આવું કરી રહ્યો છે.
તેઓ ઘટનાના ઊંડાણમાં જતા નથી. કોણે અંજામ આપ્યો, કયા કારણોસર અંજામ આપ્યો એ બધું જોતા નથી અને પગ પર પગ ચડાવીને કહેવાનું ચાલુ કરી દે છે કે આ બધું મોદી અને શાહ કરાવી રહ્યા છે, જેથી તેમને ચૂંટણીમાં ફાયદો થઈ શકે.
ભારતમાં દર છ મહિને એક ચૂંટણી થાય છે. હમણાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે. છ મહિના પછી બંગાળની આવશે. ત્યારપછી બીજાં રાજ્યોની. કોઈ પણ ઘટનાને જોડીને આવી દલીલો આપી શકાય છે. પણ મજહબી કટ્ટરતાનો, ઇસ્લામી આતંકવાદનો ઇતિહાસ તો દાયકાઓ જૂનો છે. જ્યારે ચૂંટણી થતી ન હતી. જ્યારે આવાં કોઈ રાજ્યોનું અસ્તિત્વ ન હતું, અહીં સુધી કે સાર્વભૌમ દેશ પણ ન હતો.
ઈ.સ 600થી લઈને ઇસ્લામી આક્રાંતાઓએ આક્રમણો કર્યાં, મંદિરો તોડ્યાં, હિંદુઓના નરસંહાર કર્યા ત્યારે કઈ ચૂંટણીઓ હતી? રામ મંદિર કેમ તૂટ્યું હતું? કાશી-મથુરા કેમ તૂટ્યાં હતાં? બીજાં હજારો મંદિરો, જે આપણી સ્મૃતિમાં રહ્યાં નથી એ કેમ તૂટ્યાં હતાં? લાખો હિંદુઓ કેમ માર્યા ગયા? મોપલા નરસંહાર વખતે ક્યાં ચૂંટણી હતી? 1946ના ડાયરેક્ટ એક્શન ડેના નામે કલકત્તામાં હજારો હિંદુઓને શું ચૂંટણીના કારણે મારી નાખવામાં આવ્યા હતા? કાશ્મીરમાં હિંદુઓની હાલત થઈ તેની પાછળ ચૂંટણી જવાબદાર હતી? 2008નો મુંબઈનો આતંકવાદી હુમલો થયો ત્યારે કોંગ્રેસની સરકાર હતી, શું આ હુમલો કોંગ્રેસે કરાવ્યો એવી દલીલો અપાઈ હતી?
ભારતની વાત છોડીને બહાર જઈએ, પશ્ચિમી દેશો પર નજર કરીએ તો 9/11નો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો કઈ ચૂંટણી જીતવા માટે કરવામાં આવ્યો હતો? 7 ઑક્ટોબર, 2023ની સવારે હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા અને નિર્દોષ યહૂદીઓની કતલેઆમ મચાવી તેની પાછળ પણ ચૂંટણી જવાબદાર હતી? શું કોઈ ઇઝરાયેલીએ કે યહૂદીએ કહ્યું કે આ બધું નેતન્યાહુએ ચૂંટણી જીતવા માટે હમાસ સાથે મળીને કર્યું છે?
આ તો જૂજ ઘટનાઓ થઈ. ઇતિહાસ ઘણો લાંબો છે. યાદી બહુ મોટી છે.
આવી દલીલો આપનારાઓ સમજતા હોતા નથી કે જાણ્યે-અજાણ્યે તેઓ આતંકવાદી કૃત્યોનું સમર્થન કરી રહ્યા છે. આતંકવાદી કૃત્યોને ડિફેન્ડ કરનારાઓ માટે હાથો બની રહ્યા છે. કારણ કે જ્યારે આવી ચર્ચાઓ કેન્દ્રમાં આવી જાય ત્યારે બાકીની બધી જરૂરી ચીજોની ચર્ચા થતી નથી. વાત અવળે પાટે ચડી જાય છે.
બાકી દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના બની તેના થોડા જ કલાકોમાં ઢગલેબંધ માહિતી સાર્વજનિક થઈ ગઈ. ઈન્ટરનેટ પર જઈને જોશો તો દર અડધા કલાકે માહિતી આવતી રહી છે. પુલવામામાં જૈશ-એ-મોહમ્મદનાં પોસ્ટરોની તપાસ કઈ રીતે ફરીદાબાદ પહોંચી, ત્યાંથી મુસ્લિમ ડોકટરો પકડાયા અને તેમાંથી એક ફરાર આતંકવાદીએ કાર લઈ જઈને ધડાકો કરી દીધો– આ બધી જ વિગતો જેમ જેમ તપાસ આગળ ચાલે તેમ આવી રહી છે. પરંતુ ફાલતુ તર્ક આપ્યા કરનારાઓને આ બધું જાણવામાં રસ હોતો નથી.
કોઈ સરકાર પોતાના નાગરિકોને મારી નાખતી નથી. સામે ચાલીને સમસ્યાઓ પોતાના માથે લેતી નથી. પોતાની સેનાને નુકસાન પહોંચાડતી નથી. નાગરિકોને જોખમમાં મૂકતી નથી. નાગરિકોને નુકસાન પહોંચાડે છે કટ્ટર મજહબી માનસિકતા, આતંકવાદી માનસિકતા. જેનાથી દુનિયા આખી પીડિત છે. તેની સામે લડનારાઓ લડે છે, પણ આ લડનારાઓને નબળા પાડે છે આવા ફાલતુ નરેટિવ. આવા નરેટિવ જ આતંકવાદીઓના હાથ મજબૂત કરે છે.
ઇસ્લામી આતંકવાદ સામે સરકારો અને સેના માત્ર લડી શકતી. સમસ્યાનો ઇલાજ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સમસ્યા શું છે એ ન સમજાય. જ્યાં સુધી શત્રુબોધ ન હોય. કોણ આપણને મારી રહ્યું છે, શું કામ કરી રહ્યું છે અને તેની પાછળનો મકસદ શું છે એ સમજ ન હોય. નિયમિતપણે આવી ઘટનાઓ બનતી રહે છે. સમજણ મેળવવા માટે એક જ પૂરતી છે. પરંતુ તેમાં ઉપર કહ્યું એ બધું બાધારૂપ બને છે. એને ઓળખી લઈએ, સમજી જઈએ એ હવે સમયની માગ છે.
અંતે, આતંકવાદી કૃત્યોને વ્હાઇટવૉશ કરનારાઓ અને ચૂંટણીવાળી દલીલો આપનારાઓમાંથી વધારે નુકસાન કોણ કરે છે? બીજો વર્ગ. કારણ કે પહેલાને ખબર હોય છે કે તે શું કરી રહ્યો છે, તેનો મકસદ શું છે. બીજો માત્ર તેનો હાથો બને છે. કોઈ એક પાર્ટી પ્રત્યેનો દ્વેષ, કોઈ એક નેતા પ્રત્યેનો દ્વેષ તેને ત્યાં સુધી ખેંચી લઈ જાય છે. આવાની સંખ્યા પણ ઝાઝી છે!


