Saturday, April 12, 2025
More
    હોમપેજરાજકારણસુપ્રીમ કોર્ટ, બંધારણ અને વાણી સ્વતંત્રતાની વાતો: નૂપુર શર્માનો કેસ શું અપવાદ...

    સુપ્રીમ કોર્ટ, બંધારણ અને વાણી સ્વતંત્રતાની વાતો: નૂપુર શર્માનો કેસ શું અપવાદ હતો, મિલૉર્ડ?

    - Advertisement -

    કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી સામે જામનગર પોલીસે દાખલ કરેલી એક FIR રદ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની જેટલી ચર્ચા છે તેના કરતાં વધુ ચર્ચા જજસાહેબોએ આ ચુકાદા સાથે જે ટિપ્પણીઓ કરી છે તેની થઈ રહી છે. કારણ કે અગાઉના અનેક કેસોની જેમ આ કેસમાં પણ વાણી સ્વતંત્રતા મુદ્દે સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે ઘણું કહ્યું છે. તેમાં ડૂબકી મારીએ એ પહેલાં ચર્ચાના સરળ પ્રવાહ માટે એ જોઈએ કે કેસ શું હતો. 

    કેસ એ છે કે જાન્યુઆરીની શરૂઆતમાં ઈમરાન પ્રતાપગઢી જામનગર આવ્યા હતા, જ્યાં સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ એક સામૂહિક નિકાહનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો. પછીથી જેમ નેતાઓ પોતે જે કોઈ આવી પ્રવૃત્તિ કરે એની સોશિયલ મીડિયા પર જાણકારી આપે એમ ઈમરાન પ્રતાપગઢીએ પણ તેમના આ જામનગર પ્રવાસની જાણકારી એક નાનકડો વિડીયો પોસ્ટ કરીને આપી. વિડીયોમાં પણ કોઈ વિવાદિત સામગ્રી ન હતી પણ તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિવાદાસ્પદ હતું.

    ઈમરાન પ્રતાપગઢીની આ રીલમાં સંગીત વાગી રહ્યું છે, તેના શબ્દો છે- ‘એ ખૂન કે પ્યાસે બાત સુનો.’ આખું ગીત આ પ્રકારે છે- “એ ખૂન કે પ્યાસો બાત સુનો, અગર હક કી લડાઈ જુલ્મ સહી, હમ જુલ્મ સે ઇશ્ક નિભા લેંગે. ગર શમ્મે ગિરિયા આતિશ હૈ, હર રાહ વો શમ્મા જલા દેંગે. ગર લાશ હમારે અપનો કી..ખતરા હૈ તુમ્હારી મસનદ કા…ઉસ રબ કી કસમ હસતે હસતે કિતની લાશે દફના દેંગે….એ ખૂન કે પ્યાસો બાત સુનો…”

    - Advertisement -

    પછીથી આ મામલે સોશિયલ મીડિયા પર વિરોધ થયો અને જામનગરમાં એક નાગરિકની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી. FIRમાં ઈમરાન વિરુદ્ધ બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જવાનો અને ભાવનાઓ ભડકાવવાનો આરોપ લાગ્યો. FIR થઈ એટલે તુરંત તેઓ હાઇકોર્ટ પહોંચ્યા, પણ હાઇકોર્ટે પણ FIR રદ કરવાની ના પાડી દીધી. 

    હાઇકોર્ટે કહ્યું કે, અરજદાર એક સાંસદ સભ્ય છે અને એટલે જ તેમની પાસે વધુ સંયમથી વ્યવહાર કરે તેવી આશા હોય. વધુમાં, એક સાંસદ તરીકે આવી પોસ્ટનાં પરિણામો શું આવી શકે તે પણ તેમને વધુ સારી રીતે ખબર હોય તે સ્વાભાવિક છે. વધુમાં, પોસ્ટ પર જે પ્રતિક્રિયાઓ આવી છે તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે સંદેશ એ રીતે આપવામાં આવ્યો હતો, જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચે.”

    ત્યારબાદ ઈમરાન પ્રતાપગઢી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી. 3 માર્ચના રોજ ચુકાદો અનામત રાખ્યો અને 28 માર્ચે સંભળાવ્યો. કોર્ટે FIR રદ કરી દીધી છે. કોર્ટનું કહેવું છે કે આ કવિતામાં કશું જ વિવાદાસ્પદ નથી અને વાણી સ્વતંત્રતા એ બંધારણીય મૂળભૂત અધિકાર છે, જેનું સંરક્ષણ થવું જોઈએ. 

    FIR રદ કરવાનો આદેશ સર્વોચ્ચ અદાલતનો છે અને તેને માનવા માટે ઈમરાન પ્રતાપગઢીથી માંડીને જામનગર પોલીસ અને ગુજરાત સરકાર તમામ બંધાયેલા છે. ન્યાયનું અંતિમ પગથિયું સુપ્રીમ કોર્ટ છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું એ બંધારણીય ફરજ પણ કહેવાય. જેથી કોર્ટના આ આદેશ પર કોઈ પ્રશ્ન ન હોય શકે. પરંતુ કોર્ટે આ આદેશ આપતી વખતે અમુક જે ટિપ્પણીઓ કરી, એની થોડી ચર્ચા જરૂરી છે. 

    કોર્ટના આદેશનો પ્રથમ ફકરો જ આ છે. 

    “26 જાન્યુઆરી 2025ના દિવસે આપણું બંધારણ 75 વર્ષનું થયું. ભારતના નાગરિકોને જો સૌથી મહત્વપૂર્ણ મૂળભૂત અધિકાર જો મળ્યો હોય તો એ બંધારણના આર્ટિકલ 19(1)(a)માં મળ્યો છે. આ છે. વાણી સ્વતંત્રતાનો અધિકાર. આ કેસ દર્શાવે છે કે બંધારણના અસ્તિત્વનાં 75 વર્ષ બાદ પણ કાયદો સાચવતી સરકારની મશિનરી કાં તો તેના તરફ આંખ આડા કાન કરી રહી છે અથવા તો આ મૂળભૂત અધિકારની તેને કોઈ ચિંતા નથી.”

    ત્યારબાદ કોર્ટે કેસનાં અન્ય તથ્યો વિશે જાણકારી આપી છે, જેની ચર્ચા ઉપર કરી. કોર્ટ ત્યારબાદ કવિતાને પણ ચકાસે છે અને એ તારણ પર આવે છે કે તેને કોઈ ધર્મ, મઝહબ કે સમુદાય સાથે લાગતું-વળગતું નથી. ઉપરાંત તે રાષ્ટ્રીય ભાવનાને, સાર્વભૌમત્વને કે એકતા અને અખંડિતતાને પણ અસર કરી શકે એમ નથી. કોર્ટનું કહેવું છે કે આ કવિતા અહિંસાનો સંદેશ આપે છે અને કહે છે કે અન્યાય વિરુદ્ધ પ્રતિશોધ લેવો ન જોઈએ પણ તેને પ્રેમથી જોવું જોઈએ. 

    ત્યારબાદ કેસના ગુણદોષ પર વિસ્તૃત ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટ કહે છે કે, “કોઈ પણ વ્યક્તિ કે જૂથ દ્વારા વાણી વિચારો અને દ્રષ્ટિકોણનું મુક્તપણે થતું પ્રગટીકરણ એ સ્વસ્થ અને સભ્ય સમાજનો હિસ્સો છે. વાણી સ્વતંત્રતા વગર બંધારણના આર્ટિકલ 21માં જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાની સુરક્ષા આપવામાં આવી છે, એ શક્ય બની શકે નહીં. સ્વસ્થ લોકશાહીમાં જો કોઈ વ્યક્તિ કે સમૂહના વિચારો, અભિપ્રાયો કે દ્રષ્ટિકોણથી અસહમતિ હોય તો તેને વિરોધી વિચારથી (અનધર પોઈન્ટ ઑફ વ્યૂ) કાઉન્ટર કરવા જોઈએ.”

    કોર્ટ આગળ આદેશમાં કહે છે, “જો કોઈ વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવેલા વિચાર કોઈ મોટા સમૂહને પસંદ ન આવે તોપણ જે-તે વ્યક્તિના તે વિચાર રજૂ કરવાના અધિકારનું રક્ષણ પણ થવું જોઈએ અને તેનું સન્માન પણ થવું જોઈએ. કવિતા, ડ્રામા, ફિલ્મો કે સ્ટેન્ડ અપ કૉમેડી, સટાયર અને આર્ટ વગેરે જેવા સ્ટેજ શો વગેરે વ્યક્તિનું જીવન વધુ અર્થપૂર્ણ બનાવે છે. બંધારણ હેઠળ જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે તેનું રક્ષણ કરવા માટે ન્યાયાલયો બંધાયેલી છે.”

    આગળ કહેવામાં આવ્યું છે કે, “ઘણી વખત અમને ન્યાયાધીશોને પણ બોલાયેલા કે લખાયેલા શબ્દો પસંદ આવતા નથી, પણ તેમ છતાં આર્ટિકલ 19(1)(a) હેઠળ જે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે તેનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. જો પોલીસ તેમાં નિષ્ફળ જાય તો કોર્ટે આગળ આવવું પડે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી શકે એવી બીજી કોઈ સંસ્થા નથી.”

    નૂપુર શર્મા કેસ અને અમુક પ્રશ્નો

    જજસાહેબોની આ વાત વિચારવા જેવી, સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે બે વર્ષ પહેલાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દેશભરમાં તેમની વિરુદ્ધ થયેલી FIRને એક ઠેકાણે ક્લબ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં હતાં ત્યારે તેમના વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ આ જ રીતે થયું હતું? શું તેમના કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભલે તેમણે જે કહ્યું એ એક મોટા વર્ગને પસંદ ન આવ્યું હોય, પણ તેમના વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ અને સન્માન થવું જોઈએ. 

    જવાબ છે- ના. ઉપરથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને અહીં સુધી કહી દીધું હતું કે દેશભરમાં જે કંઈ પણ અશાંતિ અને અરાજકતા સર્જાઈ એ માટે જો કોઈ એકમાત્ર વ્યક્તિ જવાબદાર હોય તો આ મહિલા છે અને તેમણે આખા દેશની માફી માંગવી જોઈએ. એટલું જ નહીં, ઉદયપુરમાં કન્હૈયાલાલની બે મુસ્લિમ કટ્ટરપંથીઓએ હત્યા કરી નાખી હતી એ ઘટના માટે પણ નૂપુરને જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં! કેમ, કારણ કે કન્હૈયાલાલે તેમનું સમર્થન કર્યું હતું. 

    હવે પ્રશ્ન એ છે કે આ બધી જ્ઞાનની વાતો નૂપુરના કેસમાં ક્યાં ગઈ હતી? શું તેમને વાણી સ્વતંત્રતા લાગુ પડતી નથી? શું તેઓ ભારતનાં નાગરિક નથી? તેમણે એ જ વાતો કહી હતી જે ભૂતકાળમાં અન્ય મુસ્લિમ મૌલવીઓ પણ કહી ચૂક્યા છે અને જે વાતો ક્યાંક લખવામાં આવી છે. ત્યારે શું સુપ્રીમ ન્યાયાધીશોએ એવું કહ્યું હતું કે ભલે નૂપુરની વાતો એક મોટા વર્ગને પસંદ ન આવી હોય પણ તેમને પણ વાણી સ્વતંત્રતાનો અધિકાર છે અને તેનો પ્રતિકાર હિંસા ક્યારેય ન હોય શકે? 

    એક મહિલા, જેમને રેપ અને હત્યાની ધમકીઓ આપવામાં આવી, જેમને મારી નાખવાની ધમકીઓ ન માત્ર ભારતમાંથી પણ પાકિસ્તાન અને અન્ય ઇસ્લામિક દેશોમાંથી પણ આપવામાં આવી અને આવી ધમકીઓ પોકળ ધમકીઓ હોતી નથી એ અનેક વખત પુરવાર થઈ ચૂક્યું છે, જે મહિલાનું ઘરમાંથી બહાર નીકળવું કઠિન બની ગયું, જેમને દુનિયાભરમાં બદનામ કરવામાં આવ્યાં, તેઓ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલય પાસે માત્ર FIR ક્લબ કરાવવા (ક્લબ કરાવવા, રદ કરવા પણ નહીં) ગયાં તો તેમને શું મળ્યું? ઉપર કહી એ વાતો. જોકે પછીથી આદેશમાં આ ટિપ્પણીઓ સમાવવામાં આવી ન હતી. 

    નૂપુર શર્માએ જે ટિપ્પણીઓ કરી હતી એ એક લાઇવ ડિબેટમાં કરવામાં આવી હતી. જ્ઞાનવાપી પરની ચર્ચા દરમિયાન સામે બેઠેલા એક ઇસમે ભગવાનનું, શિવજીનું અપમાન કરીને વારંવાર ઉશ્કેરણી કરી હતી અને ત્યારબાદ નૂપુરે જે કહ્યું એ અડધી ક્લિપ કાપીને ફેરવવામાં આવી. પેલા માણસને કોઈએ કહ્યું કે આ બધા માટે એ જવાબદાર છે કે તેની સામે કોઈ કાર્યવાહી થઈ? ના. બીજું. આજ સુધી કોઈએ નૂપુરે કહેલી વાતોનું ફેક્ટચેક કર્યું? તેનો પણ જવાબ છે- ના. 

    કોર્ટે તાજેતરના કેસમાં કહ્યું કે, વિરોધી વિચારથી જો એક મોટો વર્ગ સહમત ન હોય તો આદર્શ લોકશાહીમાં તેને બીજા પોઈન્ટ ઑફ વ્યૂથી કાઉન્ટર કરવું જોઈએ. શું નૂપુરના કેસમાં એવું થયું હતું? તેમણે જે વાતો કહી હતી તેને ક્યાંય તથ્યાત્મક રીતે પડકારવામાં આવી? ના. ઉપરથી અનેક શહેરોમાં તેમની વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા, તેમની હત્યાની વાત કરવામાં આવી, અનેક ઠેકાણે તોફાન કરવામાં આવ્યાં, તેમના સમર્થનમાં જેઓ હતા તેમની હત્યા કરી નાખવામાં આવી. ત્યાં જે રસ્તા પર મજહબી નારા લગાવતું ટોળું જતું હતું કે નૂપુરને મારવાની વાત કરતું હતું તેમને ‘અનધર પોઈન્ટ ઑફ વ્યૂથી કાઉન્ટ કરવાની’ સલાહ આપવામાં આવી હતી? ત્યાં આ ઉત્પાતી ટોળાએ જે આતંક મચાવ્યો હતો તેનો દોષ પણ એક મહિલા પર નાખી દેવામાં આવ્યો. 

    મૂળ વાત એ છે કે જો બંધારણના મહત્વપૂર્ણ મૂળભૂત અધિકારની વાત હોય તો તે ઈમરાન પ્રતાપગઢીને પણ સમાન રીતે લાગુ પડે છે અને નૂપુર શર્માને પણ. કારણ કે જેટલા પ્રતાપગઢી ભારતના નાગરિક છે, એટલાં જ નૂપુર પણ ભારતનાં નાગરિક છે અને બંધારણ સૌને સમાન ગણે છે. પરંતુ એક કેસમાં એક મહિલાને કડક શબ્દોમાં ઠપકો આપવામાં આવ્યો અને બીજા સ્થાને કહેવામાં આવ્યું કે એક કવિતાથી અસુરક્ષિત અનુભવવાની જરૂર નથી અને વાણી સ્વતંત્રતા મૂળભૂત અધિકાર છે. 

    સુપ્રીમ કોર્ટનો આજનો આદેશ અંગ્રેજીમાં કહીએ તો થોટ પ્રોવોકિંગ છે અને કોર્ટે વાણી સ્વતંત્રતાની રક્ષા માટે આ જ વલણ અપનાવવું જોઈએ, પણ એક પ્રશ્ન કાયમ રહેશે કે નૂપુર શર્માનો કેસ શું અપવાદ હતો? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં