Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતસોમનાથ સ્વાભિમાન પર્વને 'ઇસ્લામી હુમલાની ઉજવણી' ગણાવવાથી અડવાણીની રથયાત્રાને 'કોમવાદી' ગણવા સુધી:...

    સોમનાથ સ્વાભિમાન પર્વને ‘ઇસ્લામી હુમલાની ઉજવણી’ ગણાવવાથી અડવાણીની રથયાત્રાને ‘કોમવાદી’ ગણવા સુધી: કેમ ઉર્વીશ કોઠારીએ કરવું જોઈએ આત્મચિંતન?

    ઇતિહાસનો ઉલ્લેખ કરવો ‘વિરોધ’ નથી. જો કોઈ ઐતિહાસિક ઘટનામાં સભ્યતાનું હરણ, આક્રમણ, લૂંટ અને વિનાશ નોંધાયેલો છે તો તેને કહેવો ઇતિહાસબોધ છે, નફરત કે નેરેટિવ નથી.

    - Advertisement -

    હમણાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે. વડા પ્રધાન મોદીએ 11 જાન્યુઆરીએ સોમનાથમાં ઐતિહાસિક શૌર્યયાત્રામાં વિશેષ ઉપસ્થિતિ આપી અને ઐતિહાસિક સભાને સંબોધિત પણ કરી છે. આ ઉજવણીની શરૂઆત થઈ ત્યારથી લઈને હમણાં સુધી એક વિશેષ ઇકોસિસ્ટમ સારી એવી બળતરા પણ કરી રહી છે. ઘણી વખત સરકારને ટાર્ગેટ કરવા માટે હિંદુ આસ્થાને ટાર્ગેટ કરવામાં આવે છે તો ઘણી વખત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણીને ‘ઇસ્લામી આક્રાંતાના હુમલાની ઉજવણી’ ગણાવીને લોકોને ગુમરાહ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. 

    આ સુવ્યવસ્થિત પ્રયાસોમાં એક નાનકડો પ્રયાસ ‘પત્રકાર’ ઉર્વીશ કોઠારીનો પણ છે. એમના જ બિરાદરીમાં આવતા ‘નવજીવન ન્યુઝ’ના પ્લેટફોર્મ દ્વારા તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વ અને ઇસ્લામી હુમલાના ઇતિહાસ વિશે ‘અનન્ય જ્ઞાન’ સમાજને આપ્યું છે. નવજીવન ન્યુઝના પૉડકાસ્ટમાં તેમને બોલાવવામાં આવે છે સોમનાથ પર વાત કરવાનું કહેવામાં આવે છે. કોઠારી પણ દળદાર ગ્રંથ હાથમાં લઈને બેસી જાય છે અને શરૂ થાય છે (અ)જ્ઞાનની અવિરત ધારા. 

    આખો પૉડકાસ્ટ તો લગભગ ત્રેવીસેક મિનિટનો છે અને તેમાં કોઠારીએ ઘણી એવી વાતો કરી છે, જે ખરેખર તથ્યોથી વિમુખ છે અને કાં તો એક દ્વેષ, એજન્ડા અને અંગત હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. પૉડકાસ્ટની શરૂઆત જ તેમણે એક બાલિશ દલીલથી કરી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વને તેમણે ‘ઇસ્લામી હુમલાની યાદમાં ઉજવાતું પર્વ’ ગણાવીને પોતાની ‘અસીમિત બુદ્ધિ’નો પરિચય આપ્યો હતો. આપણે તેમની વાતોને ગંભીરતાથી લઈને વિગતે તેના પર વાત કરીએ.

    - Advertisement -

    સોમનાથ પર હુમલાની ઉજવણી કરી રહી છે સરકાર? 

    ઉર્વીશ કોઠારીનો પ્રથમ દાવો મૂળમાં એક સ્ટ્રૉ-મેન તર્ક છે. તેઓ ‘સ્વાભિમાન પર્વ’ને ઇસ્લામી આક્રાંતા ગઝનવીના હુમલાના સ્મૃતિ-ઉત્સવ તરીકે રજૂ કરે છે. તેઓ પૉડકાસ્ટમાં કહે છે કે, “એક ઘા, એક હત્યાકાંડ અને એક લૂંટફાટના કોઈ એક હજાર વર્ષ કેવી રીતે ઉજવે અને તેને સ્વાભિમાન જેવું નામ શા માટે આપે?” પણ વાસ્તવિકતા તેનાથી બિલકુલ વિપરીત છે. સ્વયં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સ્વાભિમાન પર્વ સનાતન પરંપરા, સોમનાથની સાંસ્કૃતિક ચેતના અને સભ્યતાગત નિરંતરતાની હજાર વર્ષની યાત્રાનો ઉત્સવ છે, કોઈ આક્રાંતાનાં કૃત્યને યાદ કરવાનો નહીં.

    સોમનાથ મંદિરનો ઇતિહાસ માત્ર વિનાશનો ઇતિહાસ નથી, તે પુનર્નિર્માણ, આસ્થા અને આત્મસન્માનનો ઇતિહાસ છે. જે સ્થળને વારંવાર તોડવામાં આવ્યું, તે જ વારંવાર ઊભું પણ થયું, તે સંદેશ આપવા કે સનાતન પરંપરા કોઈ એક આક્રમણ કે કાળખંડથી વ્યાખ્યાયિત થતી નથી. ‘સ્વાભિમાન’ શબ્દ અહીં પીડાના મહિમામંડન માટે નહીં, પરંતુ સભ્યતાની નિરંતરતાના ઉત્સવ માટે વપરાયો છે. તેને ‘હજારમી વરસી’ જેવી સંકુચિત વ્યાખ્યામાં બાંધવું માત્ર તથ્યહીન જ નહીં, બૌદ્ધિક રીતે પણ બાલિશ છે. કોઠારી પણ એ જ કર્યું છે.

    ભીમદેવને ગણાવ્યો કાયર શાસક

    આખા પૉડકાસ્ટમાં કોઠારી મહેમૂદ ગઝનવીના આવવાથી લઈને જવા સુધીનો ઇતિહાસ જણાવી દે છે. દળદાર ફૌજ, દળકટક અને લાખોની સેના સાથે જ્યારે ગઝનવી ગુજરાતના ઉંબરે પહોંચ્યો કે તરત જ ભીમદેવ સોલંકી પાટણ ખાલી કરીને ભાગી ગયો હતો, આવું પૉડકાસ્ટમાં કોઠારીનું કહેવું છે. પણ હકીકત જુદી છે. ‘The History and Culture of the Indian People’માં ઇતિહાસકાર આરસી મજુમદાર લખે છે કે ભીમદેવનું પાછળ હટવું વાસ્તવમાં એક રાજકીય અને રણનીતિક વિવેક હતો, તેમની રણનીતિનો એક ભાગ હતો. 

    આગળ જતાં એ તથ્ય પણ સામે આવે છે કે ભીમદેવે ત્યાં પીછેહઠ કરીને આગળ જતાં ગઝનવીનો રસ્તો રોક્યો હતો. સોમનાથ લૂંટ્યા બાદ જ્યારે કચ્છના રસ્તેથી ગઝનવીની ફૌજ પરત જઈ રહી હતી, ત્યારે ભીમદેવના માણસે જ તે ફૌજને ભૂલી પાડી હતી અને સિંધ તરફ લઈ ગયો હતો. વચ્ચે જ ભીમદેવ સોલંકી અન્ય રાજપૂતો સાથે ગઝનવી સામે યુદ્ધે ચડ્યા હતા. હકીકત એ પણ છે કે પોતાના જ એક માણસે દગો આપ્યો હોવાથી ભીમદેવ જીતી શક્યા નહોતા, પરંતુ તેઓ ભાગ્યા નહોતા, તેઓ લડ્યા હતા. 

    સોમનાથથી અયોધ્યા સુધીની અડવાણીની રથયાત્રા: અધિકારબોધને સાંપ્રદાયિક કહેવું કેટલું ન્યાયસંગત?

    આ જ દિશામાં ‘જ્ઞાનની અવિરત ધારા’ વહેવડાવતા કોઠારી લાલકૃષ્ણ અડવાણી સુધી પહોંચી જાય છે અને તેમની સોમનાથથી અયોધ્યા સુધીની ઐતિહાસિક રથયાત્રાને ‘કોમવાદી’ ગણાવી દે છે, તેઓ તો રામરથના રથી અડવાણીજીને પણ ‘કોમવાદી’ કહી દે છે અને રથયાત્રાના આશયને પણ ‘અપવિત્ર’ કહી દે છે. પ્રશ્ન એ છે કે સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રા કોમવાદી કેવી રીતે થઈ ગઈ? શું કોઈ સમુદાય દ્વારા પોતાના ખોવાયેલા ધાર્મિક સ્થળ માટે શાંતિપૂર્ણ અને બંધારણીય માંગ કરવી સાંપ્રદાયિકતા છે? કોઈ નેતૃત્વ ભારતની ખોવાયેલી અસ્મિતાને પરત લાવવાની વાત કરે તો તેને પણ ‘કોમવાદી’ ગણાવી દેવાના?

    રથયાત્રાનો હેતુ કોઈ બીજા ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો નહોતો, પરંતુ ઐતિહાસિક અન્યાયના પ્રશ્નને લોકતાંત્રિક વિમર્શના કેન્દ્રમાં લાવવાનો હતો. રામ જન્મભૂમિ આંદોલને અદાલતો, પુરાવા અને બંધારણીય પ્રક્રિયા દ્વારા જ ઉકેલ શોધ્યો છે અને અંતે તે જ થયું છે જે રામે રચી રાખ્યું હતું. જો પોતાના ઇતિહાસ, આસ્થા અને અધિકારની વાત કરવી ‘અપવિત્ર’ છે, તો પછી ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ જ શું રહે છે?

    આ તર્ક કે “કોઈ પણ ધર્મનો ઈશ્વર તેને માન્યતા નહીં આપે”— ન તો ધર્મશાસ્ત્રીય આધાર ધરાવે છે, ન તો લોકતાંત્રિક. આ એક વૈચારિક નિર્ણય છે, જેને ‘સર્વધર્મ-સહમતિ’નો વાઘો પહેરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    ‘પોતાના જ ધર્મના દુષ્ટ’—આત્મસ્વીકૃતિ કે આત્મ-પ્રક્ષેપણ?

    આગળ વધતાં તેઓ કહે છે કે બીજા ધર્મના લોકો કરતાં વધારે પોતાના જ ધર્મના દુષ્ટો ધર્મને અભડાવતા હોય છે, ભગવાનના નામે ખોટું કરો એ કોઈ ધર્મમાં માન્ય નથી. મૂળ તો તેઓ મોદી સરકાર અને લાલકૃષ્ણ અડવાણીને આડકતરી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. સાંભળવામાં નૈતિક લાગે છે કે ભગવાનના નામે ખોટું કરવું કોઈ ધર્મમાં સ્વીકાર્ય નથી. આ સામાન્ય સત્યથી કોઈ અસહમત નથી. પરંતુ જ્યારે તેને સોમનાથ અને સ્વાભિમાન પર્વ જેવા વિષયો પર ચોંટાડી દેવામાં આવે છે, ત્યારે તે પ્રક્ષેપણ બની જાય છે. અહીં ન તો હિંસાનું મહિમામંડન છે, ન અધર્મનું ઔચિત્ય. ઊલટું, આ સંદેશ છે કે આસ્થાને કચડી નાખવાના દરેક પ્રયાસ છતાં ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે છે.

    વિડંબના એ છે કે ‘પોતાના જ ધર્મના દુષ્ટ’નો હવાલો આપીને ઉર્વીશ કોઠારી જે નૈતિક ઊંચાઈનો દાવો કરે છે, તે જ તર્ક ઘણી વખત તે લોકો દ્વારા વપરાય છે જેઓ બહુસંખ્યક સમાજની કોઈપણ વૈધ સાંસ્કૃતિક અભિવ્યક્તિને શંકાની નજરે જુએ છે. આ આત્માલોચના નથી, આત્મ-પરિચયનું અનાયાસ ઉદ્ઘાટન વધુ લાગે છે. સીધી રીતે કહીએ તો ‘પોતાના જ ધર્મના દુષ્ટ’ કહીને કોઠારીએ પોતાનો જ પરિચય આપ્યો છે, ખેર એ તેમનો અંગત વિષય છે, આપણે આગળ વધીએ. 

    મોદી સરકાર પર ‘મુસ્લિમવિરોધી માહોલ’ બનાવવાનો આરોપ

    વધુમાં તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વ અને સોમનાથને રાજકીય મહત્વ આપવાને લઈને દાવો કરે છે કે સીધી કે આડકતરી રીતે સરકારે મુસ્લિમવિરોધી વાતાવરણ ઊભું કર્યું છે. તેઓ કહે છે કે, “આજે મુસ્લિમવિરોધી વાતાવરણ બનાવવામાં આવ્યું છે, જેમાં સોમનાથનો નેરેટિવ, મહેમૂદ વગરેના મુદ્દાઓ છે અને આપણાં રાજકર્તાઓને લાગે છે કે તેને હજુ દોહી શકાય એમ છે, હજુ એ રાજકારણમાં કામની વસ્તુ લાગે છે.”

    મૂળ અહીં કોઠારી દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે સોમનાથ અને મહમૂદ ગઝનવી જેવા સંદર્ભોનો ઉપયોગ ‘મુસ્લિમવિરોધી માહોલ’ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ આરોપ માત્ર સરળીકરણ જ નહીં, પરંતુ તથ્યાત્મક રીતે પણ નબળો છે.

    ઇતિહાસનો ઉલ્લેખ કરવો ‘વિરોધ’ નથી. જો કોઈ ઐતિહાસિક ઘટનામાં સભ્યતાનું હરણ, આક્રમણ, લૂંટ અને વિનાશ નોંધાયેલો છે તો તેને કહેવો ઇતિહાસબોધ છે, નફરત કે નેરેટિવ નથી. મોદી સરકારની વાત કરીએ તો તેણે વારંવાર કહ્યું છે કે ભારતની સાંસ્કૃતિક વિરાસત તમામ ભારતીયોની છે. સોમનાથનું પુનર્નિર્માણ અને તેનો ઉત્સવ કોઈ સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ એક સભ્યતાની આત્માના પક્ષમાં છે.

    જો ઇતિહાસનો દરેક ઉલ્લેખ ‘વિરોધ’ હોય તો પછી પાઠ્યપુસ્તકો, સંગ્રહાલયો અને સ્મારકો બંધ કરી દેવાં જોઈએ. અસલ સમસ્યા ઇતિહાસ નથી, પરંતુ તે વૈચારિક અસ્વસ્થતા છે જે કેટલાક લોકોને ભારતની સનાતન ચેતનાથી થાય છે. અને ગઝનવી જેવા ઇસ્લામી ક્રૂર આક્રાંતાઓની બર્બરતાને યાદ કરવી કેવી રીતે મુસ્લિમવિરોધી થઈ ગઈ? ભારતના કોઈ મુસ્લિમને તેનાથી શું લાગેવળગે? 

    નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને કથિત ‘તટસ્થતા’

    અંતિમ દાવામાં જવાહરલાલ નેહરુનો બચાવ કરતાં કહેવામાં આવે છે કે સરકાર કોઈ એક ધર્મને વ્હાલો કે દવલો ન માની શકે, તેથી રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ જતા રોકવામાં આવ્યા હતા. આ તર્ક આજે પણ નેહરુવાદી સેક્યુલરિઝમના એક ખાસ સંસ્કરણને આગળ વધારવા માટે આપવામાં આવે છે.

    પરંતુ પ્રશ્ન એ છે કે શું સેક્યુલરિઝમનો અર્થ પોતાની જ સભ્યતાથી દૂરી બનાવવાનો છે? શું એક ચૂંટાયેલા રાષ્ટ્રપતિનું ઐતિહાસિક મંદિરનાં ઉદ્ઘાટનમાં જવું ‘પક્ષપાત’ હતું, કે પછી સાંસ્કૃતિક ઉત્તરાધિકારનું સ્વાભાવિક સન્માન? નેહરુનું વલણ એક વૈચારિક પસંદગી હતી, કોઈ સાર્વકાલિક સિદ્ધાંત નહોતો. પછીના દાયકાઓએ બતાવ્યું કે રાજ્ય અને સંસ્કૃતિ વચ્ચે સંતુલન શક્ય છે, કોઈ સમુદાયના અધિકારોને ઠેસ પહોંચાડ્યા વિના. અને આ તો ભારતની મૂળ સભ્યતાના ગૌરવની વાત હતી, ભારતની મૂળ સભ્યતા જ સનાતન છે તો તેવામાં સરકાર સનાતનથી અલગ કઈ રીતે રહી શકે? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં