8 ઑગસ્ટ 2024એ કોલકાતામાં (Kolkata) આવેલી RG કર હોસ્પિટલ (RG Kar Hospital) ખાતે એવું જઘન્ય કૃત્ય થયું જેણે સમગ્ર દેશને ઝકઝોળી મૂક્યો. રાત્રે હોસ્પિટલના સેમિનાર હોલમાં સુઈ રહેલી 31 વર્ષીય જૂનિયર ડોક્ટર કદાચ જાણતી નહોતી કે, તેની સાથે શું થવાનું છે અને તેના પર કેટલી હદે રાજનીતિ થવાની છે. પીડિતા સુઈ રહી હતી, ત્યારે નશામાં ધૂત સંજય રૉય આવ્યો, તેણે પીડિતાનું મોઢું અને ગળું દબાવ્યું, બેભાન કરી તેના પર બળાત્કાર (Rape) ગુજાર્યો અને હત્યા (Murder) કરી. આ મામલે 20 જાન્યુઆરી 2025ના રોજ આરોપી સંજય રૉયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જોકે, આખી ઘટના પર રાજકારણ કરનારા મમતા બેનર્જીએ (Mamata Banerjee) આમાં પણ તક શોધી લીધી.
તેમણે કહ્યું કે, જો આ કેસની તપાસ CBIને બદલે રાજ્યની પોલીસે કરી હોત તો ગુનેગારને ફાંસીની સજા થઈ શકી હોત. આ કેસમાં, મમતા સરકારે હવે હાઇકોર્ટમાં અપીલ કરી છે અને સંજય રૉય માટે ફાંસી માંગણી કરી છે. જોકે, આ અરજી કરતી વખતે મમતા બેનર્જી એ ભૂલી ગયા લાગે છે કે, આરોપીને સજા સંભળાવતા પહેલાં સિયાલદાહ કોર્ટે બંગાળ પોલીસની તપાસ પ્રક્રિયા પર તથા પોલીસ અધિકારીઓના વલણો અને કૃત્યો પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, આવું પહેલીવાર નથી થયું આ પહેલાં પણ કોર્ટ પોલીસની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવી ચૂકી છે અને ફટકાર પણ લગાવી ચૂકી છે.
એક તરફ મમતા બેનર્જી ‘સંવેધનશીલ’ અને ‘દુઃખી’ હોવાનું નાટક કરીને પીડિતાની સાથે હોવાનો દેખાડો કરે છે અને બીજી તરફ તેમની જ પોલીસ ગુનેગાર ‘VIP ટ્રીટમેન્ટ’ આપવામાં સહેજ પણ શરમાતી નહોતી! આ એ જ મમતા બેનર્જી છે, જે ઘટના સમયે પોતાની જ વિરુદ્ધ મોરચો ખોલીને બેસી ગયા હતા અને હવે પણ તેઓ ‘જનનેતા’ બનવાનો ફાંકો રાખીને આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરી રહ્યા છે. હવે તો મમતા બેનર્જીના બેવડા વલણો એ હદે ખુલ્લા પડી ગયા છે કે, પીડિતાના પિતાએ પોતે મમતાને કશું ના કરવાની સલાહ આપી દીધી છે. આ આખા કેસમાં મમતા બેનર્જીની પોલીસને કેમ ભૂલી શકાય?
પોલીસે ‘ઉદાસીનતા’ દાખવી: કોર્ટ
આ મામલે એડિશનલ સેશન્સ જજ અનિર્વાણ દાસે સુનાવણી કરી હતી, દરમિયાન તેમણે કહ્યું હતું કે, પોલીસે કેસમાં ખૂબ જ ‘ઉદાસીનતા’ દાખવી છે. આ ઉપરાંત સબ-ઇન્સ્પેક્ટર સુબ્રત ચેટર્જીએ પોતાની જુબાનીમાં આપેલા નિવેદનોનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, તેમણે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને કોર્ટમાં આ બાબતનો સ્વીકાર કરવામાં પણ તેમને કોઈ શેહશરમ નહોતી અનુભવાઈ. તેમણે ઘટનાના દિવસ માટે બનાવટી જનરલ ડાયરી (GD) એન્ટ્રી બનાવી, જેનો સમય સવારે 10:10 વાગ્યાનો હતો. પરંતુ એ સમયે સુબ્રત ચેટર્જી પોલીસ સ્ટેશનમાં હાજર જ નહોતા.
કોર્ટે કહ્યું હતું કે, “પોલીસ એસઆઈની જુબાની આંખ ઉઘાડનારી છે. પોલીસ સ્ટેશન આ કેસને ખૂબ જ ઉદાસીનતાથી લઈ રહ્યું હતું. એ પણ આઘાતજનક છે કે, સબ ઇન્સ્પેકટર વિટનેસ બોક્સમાં ઊભા રહીને પણ આવા કૃત્યો કરતા સહેજ પણ આચકાયા નહોતા. મને પોલીસના SI રેન્કના અધિકારી પાસેથી આ અપેક્ષા નહોતી. આ દર્શાવે છે કે મામલો સંવેદનશીલ બન્યો ત્યારે પણ તેઓએ આ મુદ્દાને કેવી રીતે સંભાળ્યો હશે.” સાથે કોર્ટે એવું પણ કહ્યું હતું કે, “SIએ કોર્ટને એવું પણ જણાવ્યું છે કે, તેમને આવું કરવા માટેના નિર્દેશો ‘ઉપરથી’ મળ્યા હતા, જોકે, તેમણે એ નહોતું જણાવ્યું કે, નિર્દેશો આપ્યા કોણે હતા.” કોર્ટે કહ્યું કે, “હું આ કૃત્યની નિંદા કરું છું. પીડિત પરિવારે ફરિયાદ નોંધાવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.”
બંગાળ પોલીસની ખોલી પોલ
કોર્ટે આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અનુપ દત્તા અંગે પણ ટિપ્પણી હતી. કોર્ટે કહ્યું, “આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અનુપ દત્તાએ આરોપીઓ સાથે નરમી દાખવી. આ પગલું બિલકુલ ખોટું હતું.” કોર્ટે ઇન્સ્પેક્ટર રૂપાલી મુખર્જી અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, “9 ઓગસ્ટ, 2024ના રોજ ઇન્સ્પેક્ટર રૂપાલી મુખર્જીએ આરોપી પાસેથી મોબાઇલ ફોન લીધો અને તેને તાલા પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની દેખરેખ વિના જ મૂકી દીધો હતો, જે ખૂબ શંકાસ્પદ હતું. જોકે, ફોન સાથે કોઈ છેડછાડ કરવામાં નહોતી આવી પરંતુ આ બેદરકારી સ્પષ્ટપણે એક ગંભીર ભૂલ હતી.”
#Breaking Kolkata’s Sealdah Sessions court has released its 172-page judgement convicting and sentencing Sanjoy Roy in the #RGKar rape and murder case.
— Live Law (@LiveLawIndia) January 20, 2025
The court has raised serious objections about the conduct of the then-SI of the Tala Police Station in registering the death as… pic.twitter.com/Tedbox0GMZ
આ સિવાય કોર્ટે હોસ્પિટલ પ્રશાસન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. કારણ કે, હોસ્પિટલ પ્રશાસને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં ઘણો વિલંબ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, “પુરાવાઓની તપાસ કર્યા પછી મારી ચર્ચાના આધારે, મારું માનવું છે કે તપાસ અધિકારી, પોલીસ વહીવટીતંત્ર અથવા હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારી તેમજ ઢીલી તપાસ કોઈપણ રીતે ફરિયાદ પક્ષના કેસમાં અવરોધ નહીં બની શકે.” કોર્ટે કહ્યું હતું કે, “હોસ્પિટલ પ્રશાસને માત્ર તપાસમાં વિલંબ કર્યો એટલું જ નહીં પરંતુ પીડિતાના માતા-પિતાને તેમની પુત્રી સુધી પણ ન જવા દીધા. આ ફરજમાં બેદરકારી અને હકીકતો છુપાવવાનો પ્રયાસ હતો.” કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જો જુનિયર ડોકટરોએ વિરોધ ન કર્યો હોત, તો કદાચ આ મામલો પ્રકાશમાં જ ન આવત.
કોર્ટે હોસ્પિટલ પ્રશાસનની ટીકા કરતા કહ્યું હતું કે, તેણે પીડિતાની હત્યાને ‘આતમહત્યા’ ગણવવા માટેના ઘણા પ્રયાસો પણ કર્યા હતા. જેથી હોસ્પિટલને કોઈપણ પ્રકારની જવાબદારીથી સરળતાથી બચાવી શકાય. આ ઉપરાંત ઘટનાના બાદ જ્યારે ડોકટરો વિરોધ પર ઉતરી આવ્યા હતા, ત્યારે એક ટોળું હોસ્પિટલ ઘસી આવ્યું હતું અને તોડફોડ કરીને દીવાલો પણ પાડી દીધી હતી. આ બાબત પણ પુરાવાના નાશ કરવાના ઈરાદા તરીકે શંકાસ્પદ હોય શકે છે. જોકે, સમગ્ર ઘટનામાં હોસ્પિટલ પ્રશાસન, પોલીસ અને ‘ઉપરથી નિર્દેશો આપનારા લોકો’નું ભૂમિકા હંમેશાથી શંકાસ્પદ રહી હતી.
કોર્ટે કરી આજીવનકેદની સજા
આરોપીને સજા આપતા કોર્ટે કહ્યું હતું કે, “કોઈ પણ સજા પીડિતાના માતા-પિતાના અપાર દુઃખ અને પીડાને ઘટાડી શકતી નથી, પરંતુ કાયદાના દાયરામાં રહીને ગુનેગારોને સજા આપવાની ન્યાયતંત્રની ફરજ છે.” કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 50,000નો દંડ ફટકાર્યો હતો, ઉપરાંત કોર્ટે પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. જોકે, પરિવારે વળતર લેવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે આ મામલે હવે મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં સજંય રોયને ફાંસીની માંગ કરતી અરજી કરવાની વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
In the R.G. Kar junior doctor's rape and murder case, I am really shocked to see that the judgement of the Court today finds that it is not a Rarest of Rare case!
— Mamata Banerjee (@MamataOfficial) January 20, 2025
I am convinced that it is indeed a rarest of rare case which demands capital punishment. How could the judgement…
જોકે, આ મામલે પીડિતાના પિતાએ કહ્યું હતું કે, “અમે આદેશની નકલ મળ્યા પછી આગળનો નિર્ણય લઈશું. તેમણે (મુખ્યમંત્રી મમતા બેનર્જી) ઉતાવળમાં કંઈ કરવાની જરૂર નથી. મુખ્યમંત્રીએ આજ સુધી જે કંઈ પણ કર્યું છે, હવે તેમણે આગળ કંઈ ન કરવું જોઈએ.” જોકે ,પરિવારનું કહેવું છે કે તેઓ આજીવન કેદની સજાથી સંતુષ્ટ નથી, આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ. પરિવારે એવો પણ દાવો કર્યો કે, અધૂરા મનથી તપાસ કરીને અપરાધમાં સામેલ ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ માટે તેઓ ઉચ્ચ અદાલતમાં જશે.
બંગાળ પોલીસ અને સરકાર પર ઉઠેલા પ્રશ્નો
નોંધનીય છે કે, 9 ઓગસ્ટ 2024ના રોજ ઘટેલી આ ઘટના અંગે શરૂઆતથી જ પ્રશ્નો ઉઠી રહ્યા હતા. ત્યારે આ મામલે પીડિતા અને હોસ્પિટલ પ્રશાસનના કોલ રેકોર્ડિંગ સામે આવ્યા હતા. જેમાં પીડિતાના માતા-પિતાને સતત જૂઠ બોલવામાં આવ્યું હતું. પહેલાં તેમને તાત્કાલિક હોસ્પિટલ બોલાવવામાં આવ્યા, તેમની પુત્રીને દાખલ કરી હોવાનું કહેવાયું, તેની હાલત ગંભીર હોવાનું કહેવાયું, પણ પીડિતાની પરિસ્થિતિ અંગેની માહિતી આપવામાં આવી નહીં. આ સિવાય તેમને પુત્રીને મળતા પણ રોકવામાં આવ્યા, તેમની ફરિયાદ નોંધવામાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો.
આ મામલે સુપ્રીમ કોર્ટે હોસ્પિટલ પ્રશાસન અને પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને પણ ફટકાર લગાવી હતી કે, આ મામલે હોસ્પિટલે કેમ ફરિયાદ નોંધાવી નહોતી. તથા કોલકાતા પોલીસને ફરિયાદ લેવામાં વિલંબ કરવા માટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ દ્વારા અકુદરતી મૃત્યુની નોંધણી કરવામાં વિલંબને ‘અત્યંત ખરાબ’ કૃત્ય ગણાવ્યું હતું. એવું પણ સામે આવ્યું હતું કે, પહેલાં હોસ્પિટલ પ્રશાસને સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અન્ય ડોક્ટર્સના વિરોધના પગલે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
મમતા બેનર્જીના બેવડા વલણો
આ સિવાય CBI તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, પોલીસે મૃતકના અંતિમ સંસ્કાર બાદ ફરિયાદ નોંધી હતી, એ પણ મધ્યરાત્રિએ. આ મામલે કલકત્તા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બંગાળ પોલીસ અને મમતા સરકારનો ઉધડો લીધો હતો. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે, જો મમતા બેનર્જીની સરકાર હેઠળની પોલીસે કેસ અને તેના પુરાવાને દબાવવા માટે આટલા બધા પ્રયત્નો કર્યા હતા તો હવે મમતા બેનર્જી ફાંસીની માંગનો ડોળ શા માટે કરી રહ્યા છે? ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ મમતા બેનર્જીએ આ ઘટનાનું રાજનીતિકરણ કરવાના પૂરતા પ્રયાસો કર્યા હતા.
એક તરફ તેમની જ આગેવાની હેઠળની પોલીસ પુરાવા સાથે છેડછાડ સહિતની હરકતો કરી રહી હતી, ફરિયાદ નોંધવામાં પણ વિલંબ કર્યો હતો. બીજી તરફ મમતા બેનર્જીએ આ ઘટના પર રાજનીતિ કરી અને ફાંસીની માંગ સાથે રેલી આયોજિત કરી હતી. મહત્વનું તો તે છે કે, તેમણે રેલી પણ પોતાના વિરુદ્ધ જ આયોજિત કરી હતી! આ સમયે પણ મમતા બેનર્જીની ભૂમિકા પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આ સિવાય જે વખતે આ સમગ્ર કેસની તપાસ ચાલી રહી હતી, ત્યારે પણ પોલીસની ભૂમિકા પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જેમાં પોલીસ સ્ટેશનના SHOનું નામ પણ આવ્યું હતું. ત્યારે હવે મમતા બેનર્જીની આ માંગ તેમના બેવડા વલણોને પ્રદર્શિત કરે છે.