સંયોગ એવો છે કે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામનો જન્મોત્સવ અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન એક જ દિવસે આવ્યા છે.
એક રાજકીય પક્ષ તરીકે વર્ષોથી સિસ્ટમમાં ઘૂસી ગયેલાં અમુક દૂષણોથી ભારતીય જનતા પાર્ટી પણ બાકાત રહી શકી નથી, એટલે તેમાં પણ અમુક ખામીઓ અને નબળાઈઓ છે. પણ એ બાજુ પર મૂકીને એક બૃહદ પરિપેક્ષથી જોઈએ તો આ એકમાત્ર પાર્ટી છે, જે સ્થાપના સમયથી હિંદુહિતને વળગી રહી છે અને મૂળ વિચારધારા સાથે સમાધાન કર્યું નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે એજન્ડા સેટ કર્યા હતા, જે કામોની યાદી બનાવી હતી તેની ઉપર સરકારમાં આવ્યા પછી ભાજપા એક પછી એક ટીકમાર્ક કરતી જાય છે. રાષ્ટ્રહિત માટે, સમાજહિત માટે, ભારતના કલ્યાણ માટે આ કામો થવાં જરૂરી હતાં એ સંઘને આજથી નહીં સો વર્ષથી ખબર છે, પણ સત્તા ન હોય ત્યાં સુધી બધું નકામું.
ભાજપે પહેલાં સત્તા મેળવવા માટે સંઘર્ષ કર્યો, પણ આ સમય દરમિયાન પણ ક્યારેય કોર એજન્ડા કે વિચારધારા સાથે સમાધાન ન કર્યું. સત્તા વચ્ચે આવી અને ગઈ પરંતુ માર્ગ ન છોડ્યો. 2014માં જ્યારે દાયકાઓ પછી પૂર્ણ બહુમતીની સરકાર બની ત્યારે વિચારધારાનો એક પાયો નખાયો અને વારાફરતી એ વિષયોને સ્પર્શવાનું કામ શરૂ થયું, જે કામો માટે તેમને સત્તા પર મોકલવામાં આવ્યા હતા.
યાદી બનાવો તો ઘણી લાંબી બને. અત્યારે જ આવું એક કઠિન પણ અગત્યનું કામ પાર્ટીએ પૂરું કર્યું. બીજાં ઘણાં કામો આવનારાં વર્ષોમાં થશે. અમુક કામ બોલીને કરવાનાં હોય. અમુક બોલ્યા વગર. ક્યારેક સમર્થકોને લાગી શકે કે આમાં કેમ આમ થઈ રહ્યું નથી, કે આમાં પેલું કેમ નથી. પણ નીચેથી જોવું અને ટોચ પર બેસીને 360 ડિગ્રીના વ્યૂ સાથે જોવું– આ બંનેમાં કાયમ ફેર હોવાનો. ઉપર બેઠેલાઓને વ્યૂ 360 ડિગ્રીનો મળે છે એ યાદ રાખતા જઈએ.
ભાજપની સૌથી મોટી સિદ્ધિ રામ મંદિર નિર્માણ છે અને રહેશે. પક્ષ જ્યારે સો વર્ષનો થશે ત્યારે પણ આ સિદ્ધિને સર્વોચ્ચ સ્થાન અપાશે. કારણ કે રામ મંદિર નિર્માણથી વિશેષ ન ભારત માટે કશું છે, ન હિંદુઓ માટે. રામ જ રાષ્ટ્ર છે અને રાષ્ટ્ર સર્વોપરિ.
એ યાદ રહે કે ભાજપનો સ્થાપના સમય એવો હતો, જ્યારે હિંદુહિતની વાત કરવી એ કોમવાદ ગણાતું. મંદિર બાંધવાની વાત કરનારાઓને આતંકવાદીની જેમ જોવામાં આવતા. એક આખી ઇકોસિસ્ટમ મંદિર ન બને તે માટે મેદાને પડી હતી. તત્કાલીન સરકારો રામ મંદિરનો ‘ર’ બોલવાથી પણ ડરતી હતી. આવા કપરા કાળમાં પણ તેઓ મંદિરનિર્માણના પક્ષધર રહ્યા. મંદિર માટે લડ્યા.
1528માં રામ મંદિર તૂટ્યું અને બાબરના આદેશથી ત્યાં એક મસ્જિદ તાણી બાંધવામાં આવી ત્યારથી મંદિર પરત મેળવવાનો સંઘર્ષ શરૂ થયો હતો. સેંકડો નામી-અનામી સાધુ-સંતો, રામભક્તોએ બલિદાનો આપ્યાં. વિપરીત પરિસ્થિતિ અને કપરા કાળમાં પણ તેમણે મંદિર માટેની આ ચળવળ ચાલુ રાખી. એ આગ ઠંડી પડવા ન દીધી. ભારતીય જનતા પાર્ટીનું આમાં યોગદાન એ કે તેમણે તેને રાજકીય સ્વરૂપ આપીને પાંચ સૈકાથી ચાલતી આ ચળવળને રાષ્ટ્રવ્યાપી બનાવી. તેઓ છેક છેવાડા સુધી રામ મંદિરનો મુદ્દો લઈ ગયા, જનજાગૃતિ માટે અભિયાન ઉપાડ્યું અને કોઈ પણ સંજોગોમાં તેને વળગેલા રહ્યા.
વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો, અપમાનો સહન કર્યાં, સરકારો પડી ગઈ તો પડવા દીધી, પણ મારગથી વિચલિત ન થયા. કોઈ એમ પણ ન કહી શકે કે તેની પાછળ રાજકીય હેતુઓ હતા, કારણ કે એ માહોલ એટલો ‘સેક્યુલર’ હતો કે ત્યારે મંદિરોની વાત કરવાથી સરકારો બનતી ન હતી. અત્યારે માહોલ અલગ છે, ત્યારે અલગ હતો. છતાં વિપરીત રાજકીય વહેણમાં પણ તરવાનું સાહસ જે-તે સમયના નેતાઓએ કર્યું.
નેવુંમાં લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી અયોધ્યા સુધી રામરથ લઈને નીકળ્યા હતા. એ રથ તો તેના ગંતવ્યસ્થાન સુધી પહોંચી ન શક્યો, પણ રાષ્ટ્રીય ચેતના જગાવવાનું જે બહુમૂલ્ય કામ કરવાનું હતું એ કરી દીધું હતું. પછી શું થયું તેનો ઇતિહાસ સાક્ષી છે. 34 વર્ષના સંઘર્ષ બાદ તેમના શિષ્ય નરેન્દ્ર મોદીએ રથ અયોધ્યા પહોંચાડ્યો અને જગતભરના હિંદુઓનું એક સ્વપ્ન સાકાર કર્યું. 22 જાન્યુઆરી, 2024નો પવિત્ર દિવસ ભારતના ઇતિહાસનો, હિંદુ ધર્મના ઇતિહાસનો સુવર્ણ દિવસ તરીકે આલેખાશે. આ ભવ્ય મંદિર ચણવામાં અનેક હુતાત્માઓ, રામભક્તોનું યોગદાન છે. તેમાં એક-એક ઈંટ અડવાણી અને મોદી જેવા નેતાઓની પણ છે. એ માટે હિંદુ સમાજ કાયમ તેમનો ઋણી રહેશે.
અયોધ્યામાં રામ મંદિરનું બનવું નિશ્ચિત હતું. કારણ કે આ દેશ રામનો છે. રાષ્ટ્રના પિતાની જન્મભૂમિ પર મંદિર તેમનું જ બને. પરંતુ તે ક્યારે અને કયા સમયે બનશે અને નિમિત્ત કોણ હશે એ ભગવાનની ઈચ્છાની વાત હતી. તેમની ઇચ્છાનુસાર બધું થયું. વાસુદેવ શ્રીકૃષ્ણ અને મહાદેવજીની ઈચ્છા હશે ત્યારે બાકીનાં બે કામો છે એ પણ પૂર્ણ થઈ જશે. રામ મંદિર આંદોલનની આગેવાની લાલકૃષ્ણ અડવાણીએ લીધી હતી. તેમનું કાર્ય પૂરું કરવાનું કામ તેમના શિષ્ય નરેન્દ્ર મોદીના ભાગે આવ્યું. આ બે કામો પણ મોદીના હાથે જ થવા માટે લખાયાં છે કે તેમના શિષ્યના, એ હવે સમયની વાત છે!