આદરણીય એસ. કે રાય સાહેબ,
કુશળ હશો.
નવસારીના હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ સાથે કારણ વગર થયેલા લાઠીચાર્જ અને મારપીટની ઘટનામાં આપનું નામ વાંચ્યું ત્યારે દુઃખદ આશ્ચર્ય થયું. એક ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ કક્ષાની વ્યક્તિ આવું વર્તન ન કરી શકે, કાયદો હાથમાં ન લઈ શકે એવો વિચાર સહજ આવ્યો. પણ પછીથી વિડીયો સામે આવ્યા, ન આપના તરફથી કોઈ સ્પષ્ટતા આવી. આરોપોનો કોઈ જવાબ ન અપાયો. એટલે આ પત્ર લખવા માટે પ્રેરાયો છું, કે કહીએ કે વિવશ થયો છું.
તમે જાણો છો કે આ દેશમાં હિંદુ બહુમતીમાં છે. પરંતુ એ કહેવા ખાતર. એક લેખક અને ટીવી પેનલિસ્ટ વારંવાર આ વાત ટાંકતા રહે છે કે હિંદુ વાસ્તવમાં અહીં એઈટ્થ ક્લાસ સિટીઝન છે. લેખક પાસે પોતાનાં કારણો છે. આપણે એ વાતોમાં હમણાં ન પડીએ. પણ હકીકત એ છે કે સેક્યુલરિઝમના ભાર તળે આ સમુદાય એટલો દબાઈ ગયો છે કે આ તથાકથિત પંથનિરપેક્ષતા જળવાયેલી રહે તે માટે તેણે વારે-તહેવારે ભોગ આપ્યા કરવો પડે છે.
આ દેશના હિંદુ સાથે ભૂતકાળમાં શું-શું બન્યું હતું એ આપના જેવા શિક્ષિત અધિકારીને સમજાવવાનું કે જણાવવાનું ન હોય. ડાયરેક્ટ એક્શન ડે પર હિંદુઓ પર શું વીતી હતી એ દર્શાવતી એક ફિલ્મ ‘બેંગાલ ફાઈલ્સ’ હમણાં જ આવી. કાશ્મીરના હિંદુઓ સાથે શું થયું હતું એ આપણે જાણીએ છીએ. મોપલાના હિંદુઓ સાથે શું થયું હતું એ પણ ઇતિહાસના પાને છે. વર્ષ પહેલાં બાંગ્લાદેશના હિંદુઓએ જે યાતનાઓ ભોગવી એનાથી પણ આપ વાકેફ હોવાના.
દુર્ભાગ્ય એ છે કે માત્ર કેલેન્ડર પર વર્ષો બદલાતાં રહ્યાં છે, પરિસ્થિતિ-માનસિકતામાં ઝાઝો ફેર આવ્યો નથી. આજની તારીખે ભારતનાં અનેક શહેરોમાં હિંદુનો કોઈ તહેવાર આવે એટલે એને એક ચિંતા હોય છે કે કોઈ મજહબી કટ્ટરપંથી ટોળું પથ્થરો લઈને તૈયાર ન બેઠું હોય. તેના આરાધ્યની મૂર્તિ લઈને શોભાયાત્રા કાઢતાં પહેલાં તેણે વિચારો કરવા પડે છે. ઈશ્વરની મૂર્તિ વિના કોઈ અડચણે પસાર થઈ જાય અને ગંતવ્યસ્થાન પર પહોંચી જાય એ જ એક સામાન્ય હિંદુ માટે મોટી વાત થઈ પડે એવી સ્થિતિ દુર્ભાગ્યે સર્જાઈ છે. કડવી વાસ્તવિકતા એ પણ છે કે તેનો કોઈ તહેવાર બાકી રહ્યો નથી. તેના કોઈ ઉત્સવને શાંતિથી પસાર થવા દેવાતો નથી.
ઉપરથી હિંદુને જ શિખામણ આપવામાં આવે છે. હિંદુને જ કહેવામાં આવે છે કે તે કેમ ઉગ્ર બને છે. પ્રતિકાર કરવા પર તેને કટ્ટર, ધર્માંધ ગણાવી દેવામાં આવે છે. તેને કહેવાય છે કે તું એ વિસ્તારમાં કેમ ગયો હતો. તારે અમુક પ્રકારનાં ગીતો વગાડવાની શું જરૂર હતી. કોઈ વધુ પ્રતિકાર કરવા જાય તો તેની સાથે રામગોપાલ મિશ્રા જેવું થાય છે. કોઈ કન્હૈયાલાલનું ગળું માત્ર એટલા માટે કાપી નાખવામાં આવે છે કારણ કે એ એક મહિલાના વાણી સ્વાતંત્ર્યના પક્ષમાં હતો. કોઈ ઉમેશ કોલ્હે માત્ર વોટ્સએપ સ્ટેટ્સ માટે માર્યો જાય છે. કોઈ કિશન ભરવાડ તેના આરાધ્યને શ્રેષ્ઠ બતાવવાની સજા ભોગવે છે. કોઈ ચંદન ગુપ્તા દેશભક્તિ દર્શાવવા બદલ હણાતો રહે છે.
છતાં આ દેશના સામાન્ય હિંદુની સહિષ્ણુતા જુઓ કે તે કશું બોલતો નથી. ન તે કોઈ ઉહાપોહ કરે છે. તે ક્યારેય ‘સર તન સે જુદા’ના નારા લગાવીને શહેરો બાનમાં નથી લેતો. ક્યારેય પથ્થરો ફેંકતો નથી. ક્યારેય સુરક્ષાબળો સામે પડકાર ઊભા કરતો નથી. જ્યારે-જ્યારે તેની આસ્થા પર પ્રહારો થાય છે ત્યારે તે શું કરે છે?
તે આવે છે આપની પાસે. પોલીસ પાસે. પોલીસ તેનું અંતિમ અને એકમાત્ર શરણ છે. તે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવે છે, જ્યાં એક ઇકોસિસ્ટમના કારણે તેને સાંભળવા કરતાં તેને ઉતારી પાડનારાઓ વધારે હોય છે. તે આ દેશના બંધારણનું એટલું જ સન્માન કરે છે, જેટલું ગીતાનું કરે છે. તેને આ દેશના કાયદો-વ્યવસ્થા પર વિશ્વાસ છે. આ દેશના પોલીસ તંત્ર પર અપાર ભરોસો છે.
આ વિશ્વાસ તોડવાનું પાપ તમે કર્યું છે અને આ પાપ તમારે માથે લેવું પડશે.
એ હિંદુ કાર્યકર્તાઓનો શું વાંક હતો? એ કે તેઓ ગરબા આયોજનોમાં જઈને તેમની, સમુદાયની આસ્થા ન હણાય એ માટે આયોજકોને સમજાવતા હતા? એ કે માતાજીના ગરબામાં પવિત્રતા જળવાય રહે એ માટે મહેનત કરતા હતા? કે પછી એ કે ઘર-પરિવાર મૂકીને સમાજ માટે કશુંક કરવા માટે કામ કરતા હતા, જેથી બીજાઓએ આ માથાકૂટમાં પડવું ન પડે.
માની લઈએ કે તેઓ કોઈ વાંક કે ગુનામાં હતા. તેમણે કોઈ ભયંકર ગુનો કરી નાખ્યો હતો. તો તેની FIR ક્યાં છે? નથી થઈ પણ દલીલ ખાતર માની લઈએ કે પોલીસે FIR પણ દાખલ કરી હતી, તો શું તેઓ રીઢા ગુનેગારો કે બળાત્કારીઓ હતા કે તેમને જાહેરમાં માર મારવો પડે? તેમને મારતા-મારતા લઈ જવા પડે? તેમને બેફામ ગાળો ભાંડવી પડે? શું તેમનો ગુનો એટલો ગંભીર હતો? જો હા, તો તેમની વિરુદ્ધ FIR કરો, ધરપકડ કરો અને જાહેરમાં સરઘસ કાઢો. આખા નવસારી શહેરમાં ફેરવો. પણ આ બધું શા માટે?
આ દેશના હિંદુઓના ફ્રન્ટ લાઇન ડિફેન્સ તરીકે કાયમ સંગઠનો આગળ પડતાં રહ્યાં છે. એક ઇકોસિસ્ટમ તેમને આતંકવાદીમાં, કટ્ટરપંથીઓમાં ખપાવી દે છે છતાં તેઓ હિંદુ સમાજ માટે કામ કરતા રહે છે. કોઈ બેન-દીકરી સંકટમાં ફસાય ત્યારે સગી બહેન-દીકરીને બચાવવા માટે સર્વસ્વ સોંપી દેતા બાપ-ભાઈની જેમ આ સંગઠનો પડખે રહે છે. જ્યારે-જ્યારે કોઈ સામાન્ય હિંદુને તેના ધર્મના કારણે પીડા ભોગવવી પડે ત્યારે આ સંગઠનો, તેના કાર્યકર્તાઓ તેમની સાથે ઊભા રહે છે. નિઃસ્વાર્થ સેવા કરે છે. કામ પૂરું થાય એટલે જતા રહે છે. તેઓ ક્યારેય શ્રેય મેળવતા નથી. શ્રેય મેળવવો એ તેમનો ઉદ્દેશ્ય જ રહ્યો નથી.
આવા કાર્યકર્તાઓ પર કોઈ વાંક-ગુના વગર લાઠી ઉપાડીને, હાથ ઉપાડીને આપે સમગ્ર હિંદુ સમાજનો વિશ્વાસ તોડ્યો છે, જેની હવે ભરપાઈ થઈ શકે તેમ નથી. તિલક ભૂંસ્યાં છે, તે હરકતની કોઈ ભરપાઈ થઈ શકે તેમ નથી. કારણ કે એક હિંદુ માટે તિલકની મહત્તા શું છે એ તમને સમજાવવાનું ન હોય.
શું તમે કોઈ મુસ્લિમ વ્યક્તિની ગોળ જાળીદાર ટોપી આ રીતે હટાવી શકશો? પ્રશ્નનો જવાબ નહીં આપો તો ચાલશે, કારણ કે એ હું પણ જાણું છું, તમે પણ જાણો છો અને આ વાંચનાર ત્રીજો વાચક પણ જાણે છે.
તમારે તેમ કરવાની જરૂર પણ નથી. કરવાની જરૂર માત્ર એટલી છે કે એ સમજી જઈએ કે એક પદ પર બેઠા પછી, જાહેર સેવામાં આવ્યા પછી અમુક ગમા-અણગમા બાજુ પર રાખવા પડે છે. દ્વેષ હોય તોપણ તેને લાઠી દ્વારા બહાર ઠાલવી શકાય નહીં, કારણ કે ત્યારે લાઠી સમગ્ર પોલીસ વિભાગનું પ્રતિનિધિત્વ કરે છે. અને એક જવાબદાર અધિકારી તરીકે પોલીસ વિભાગની પ્રતિષ્ઠાની ચિંતા આપને સ્વાભાવિક હોવાની. ત્યારે ફરજ સર્વોપરિ હોય છે. આ દેશના વડા પ્રધાને પણ શપથ લેવા પડે છે. નાગરિકની પણ અમુક ફરજો હોય છે. તેમ એક પોલીસ અધિકારી પણ બાકાત રહી શકે નહીં.
આપ એક ઉચ્ચ પોલીસ અધિકારી છો. અમે સામાન્ય હિંદુ છીએ. અમે શું કરીશું? અરજીઓ આપીશું. રેલીઓ કાઢીશું. સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરીશું કે બહુ-બહુ તો આવા પત્રો લખીશું. અમે રસ્તા નહીં રોકીએ, ચક્કાજામ નહીં કરીએ, ન ઉશ્કેરણીજનક નારાબાજી કરીશું. પણ એ દિવસની કલ્પના કરો, જ્યારે આ ધૈર્ય ખૂટશે. એ દિવસ ન આવે તે માટે ઘણીખરી જવાબદારી સમુદાયની છે. થોડી જવાબદારી આપની પણ છે. આપણે બંને એમાં સફળ રહીશું એવી આશા રાખીએ. કારણ કે સમુદાયનો જ ભાગ આપ પણ છો. સમુદાયનો જ એક ભાગ અમે પણ છીએ.
લિ. આપનો,
એક નાગરિક. એક હિંદુ.


