પોતાની ઉપર લાગતા આક્ષેપો અને આરોપોનો બોલીને જવાબ આપવાના સ્થાને કામ કરીને કાયમને માટે વિરોધીઓનાં મોં બંધ કરવાં એ મોદીની કામ કરવાની નીતિ રહી છે. હમણાં વક્ફ સંશોધન બિલ સફળતાપૂર્વક સંસદનાં બંને ગૃહમાંથી પસાર થતાંની સાથે જ મોદી અને તેમની સરકારે એક ઝાટકે છેલ્લા એક વર્ષમાં તેમની વિરુદ્ધ ઘડવામાં આવેલા અનેક નરેટિવ ધ્વસ્ત કરી દીધા છે અને ફરી એક વખત સાબિત કર્યું છે કે સરકાર એ જ રીતે ચાલશે, જે રીતે 2014થી ‘24ના દાયકામાં ચાલી હતી. કોર એજન્ડા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે અને NDA એટલું જ મજબૂત છે, જેટલું પહેલાં હતું.
2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી દૂર રહી ગઈ અને NDAના સહયોગી પક્ષો સાથે મળીને સરકાર બનાવવામાં આવી પછી ‘મોરલ વિક્ટ્રી’ના ઉન્માદમાં છકી ગયેલા વિપક્ષો અને તેમના ચેલાચપાટાઓએ મોદીની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસીઓએ મોદી માટે 1/3 વડાપ્રધાન નામ શોધી કાઢ્યું. માહોલ એવો ઉભો કરવામાં આવ્યો કે હવે સરકાર બનશે તો ખરી પણ અત્યંત નબળી પડી જશે અને એક દાયકામાં જે રીતે ભાજપનો હાથ ઉપર હતો એવું ન થઈ શકે, કારણ કે તેમની પાસે બહુમતી નથી.
આ નરેટિવ એટલો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યો કે મોદીના સમર્થકો અને મતદારો પણ એક ક્ષણે તેમાં ફસાઈ ગયા. તેમને પણ લાગતું હતું કે સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવી તો ખરી પણ તેમાં ભાજપના કોર એજન્ડામાં જે વિષયો છે તેને હાથ લગાવવામાં નહીં આવે કે પછી કથિત રીતે જે વિવાદાસ્પદ અને ખાસ કરીને સમાજને લગતા વિષયો છે તેને સરકાર સ્પર્શ નહીં કરે અને ચૂપચાપ પાંચ વર્ષ કાઢી નાખશે. જોકે ભૂતકાળમાં જ્યારે NDA સરકાર આવી હતી ત્યારે સહયોગી પક્ષોના દબાણમાં કામ કરવાની નોબત આવી પણ હતી, એટલે આવું લાગવું સ્વાભાવિક છે. પણ ત્યારે મોદી ન હતા. હમણાં મોદી છે.
મોદી સરકારે આવતાંની સાથે જ વક્ફના વર્ષો જૂના કાયદામાં સંશોધન કરવાનું કામ ઉપાડ્યું. જોકે કામ શરૂ થઈ ગયું હતું પાછલી સરકારમાં. 2022-23માં બેકસ્ટેજ પર તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. નવી સરકાર બનતાંની સાથે જ કોર એજન્ડા સાથે કોઈ બાંધછોડ ન કરવાની વાત પર અડગ રહેતાં સરકારે વક્ફ કાયદામાં સંશોધન કરવાના કામને અંતિમ ઓપ આપવાનું ચાલુ કર્યું અને બે મહિનાની મહેનત બાદ આખરે ઑગસ્ટમાં બિલ રજૂ કરી દેવામાં આવ્યું.
કામ અહીંથી પૂરું થતું ન હતું. ભૂતકાળમાં આવાં મોટાં બિલ જ્યારે-જ્યારે આવ્યાં ત્યારે વિદેશી શક્તિઓના પીઠબળના જોરે દેશ સળગાવવા માટે અનેક પ્રયાસો થયા છે. પણ આ વખતે સરકારે તેનો પણ તોડ કાઢી રાખ્યો હતો. કોઈ પણ વિષય પર ઉશ્કેરણી ત્યારે થઈ શકે, જ્યારે લોકોમાં તેના વિશે બહુ જાણકારી ન હોય અને અચાનક બધું પાર પાડી દેવામાં આવે. સરકારે બિલ સીધું પસાર કરી દેવાના સ્થાને સંયુક્ત સંસદીય સમિતિ બનાવીને તેમાં મોકલી આપ્યું. તેનાથી વિપક્ષો પણ શાંત થઈ ગયા અને જેમણે સંભવતઃ કશુંક ‘મોટું’ કરવાની તૈયારી કરી રાખી હશે તેઓ પણ ટાઢા પડ્યા, કારણ કે બિલ તરત પસાર થવાનું ન હતું.
JPCએ લગભગ ચારેક મહિના લગાડ્યા અને દેશભરમાંથી સૂચનો મંગાવવામાં આવ્યાં. આ સમય સરકારને મળી ગયો ભ્રમણાઓ દૂર કરવા માટે. આ સમય દરમિયાન વક્ફ બિલને લઈને જે ચર્ચાઓ ચાલી, તેનાથી ઘણીખરી બાબતો સ્પષ્ટ થઈ ગઈ. સામાન્ય મુસ્લિમોને પણ સમજાયું કે આમાં તેમની વિરુદ્ધ કશું જ નથી અને સરકાર માત્ર અસીમિત શક્તિઓ પર નિયંત્રણ મૂકીને રાષ્ટ્રના હિતમાં જ કામ કરી રહી છે.
આખરે JPCએ તૈયાર કરેલું બિલ ફરીથી સંસદમાં આવ્યું, બંને ગૃહમાં 12-12 કલાક મધ્યરાત્રિ સુધી ચર્ચા થઈ અને વારાફરતી લોકસભા અને રાજ્યસભા– બંનેમાંથી પસાર થઈ ગયું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ એક્ટ બનશે અને મંત્રાલય ગેઝેટ બહાર પાડે એટલે એક્ટ લાગુ થઈ જશે. સબ કુછ શાંતિપૂર્વક!
બિલ પસાર થવાથી એક સંદેશ એ પણ ગયો કે NDA એકદમ એકજૂટ અને સશક્ત છે. બિલ આવ્યું ત્યારે રાજકીય પંડિતોએ ભવિષ્યવાણી શરૂ કરીને પૂછવા માંડ્યું હતું કે NDAની બે મુખ્ય પાર્ટીઓ JDU અને TDPનું શું સ્ટેન્ડ રહેશે? કારણ કે આ બંને પાર્ટીઓને મુસ્લિમ મતો પણ મળે છે અને વિપક્ષોએ તો આ બિલને પહેલેથી ‘એન્ટી મુસ્લિમ’ ઘોષિત કરી દીધું હતું. પણ છેક સુધી બંને પાર્ટીઓ સરકારની સાથે રહી અને મતદાનનો વખત આવ્યો ત્યારે પણ પક્ષમાં મતદાન કરીને આંકડા વધારીને બિલને સરળતાથી પસાર કરવામાં હાથ લંબાવ્યો.
લોકસભામાં બિલના સમર્થનમાં 288 મત પડ્યા. ભાજપ પાસે 240 બેઠકો છે, તેમાંથી પણ એકાદ-બે સાંસદો ગેરહાજર હતા. બાકીના મતો NDAની સાથી પાર્ટીઓના છે. ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ સૌ NDAની પાર્ટીઓએ એકસૂરે બિલને સમર્થન આપ્યું. રાજ્યસભામાં 128-95થી બિલ પસાર થયું. અહીં NDA પાસે 125 વૉટ હતા. ત્રણ અન્ય પાર્ટીના સાંસદો પણ સમર્થનમાં આવ્યા. રાજ્યસભામાં પણ NDA ન તૂટ્યું.
કોઈ પ્રકારની માથાકૂટ વગર, કોઈ વિવાદ વગર સરકારે બિલ પાસ કરાવી બતાવ્યું અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે સરકાર એટલી જ મજબૂત છે. NDA પણ એટલું જ મજબૂત છે. બીજો અગત્યનો સંદેશ એ કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં મોદીની સરકાર કોર એજન્ડાથી આઘીપાછી થશે નહીં અને જે કરવાનું છે એ એની હાઉ થઈને જ રહેશે.
આ બિલ વક્ફ એક્ટમાં સંશોધન કરીને ઇતિહાસની એક ભૂલ સુધારવા માટેનું અને ભાજપના એજન્ડાની યાદીમાંથી વધુ એક કામ પાર પાડવા માટેનું તો હતું જ, પણ NDA માટે શક્તિપ્રદર્શનની એક તક પૂરી પાડનારું પણ હતું. સરકારે બિલ પણ પસાર કરાવ્યું, બહુમતી સાથે પસાર કરાવ્યું, શાંતિપૂર્વક પસાર કરાવ્યું, યોગ્ય અને લોકતાંત્રિક પ્રક્રિયાના ભાગરૂપે પસાર કરાવ્યું અને સાથોસાથ શક્તિપ્રદર્શન પણ કરી દીધું.
થોડા સમય પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કહ્યું હતું કે 240 બેઠકો પછી પણ મોદી અને તેમની સરકાર એટલા જ મજબૂત છે, જેટલા 303 બેઠકો વખતે હતા. વક્ફ બિલે એ સાબિત કરી બતાવ્યું છે!