હોમપેજગુજરાતજંગલેશ્વર મેગા ડિમોલિશન અને મીડિયાના સહાનુભૂતિના પ્રયાસો: ગેરકાયદે રહેનારાઓ, અરાજકવાદીઓને પોષનારાઓ માટે...

જંગલેશ્વર મેગા ડિમોલિશન અને મીડિયાના સહાનુભૂતિના પ્રયાસો: ગેરકાયદે રહેનારાઓ, અરાજકવાદીઓને પોષનારાઓ માટે કરૂણ કહાણીઓ કેમ?

કાયદાનું શાસન બનાવી રાખવા માટે, લોકહિતમાં અને દેશહિતમાં ક્યારેક એવા નિર્ણયો લેવા પડે છે જે લોકપ્રિય નહીં પણ જરૂરી હોય છે. જંગલેશ્વરમાં ધિંગાણે ચડેલા બુલડોઝરો પણ આવા જ એક રાષ્ટ્રહિતના નિર્ણયનો ભાગ છે, તે નિર્ણયને સ્વીકારવો એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ છે અને આવી જ કાર્યવાહી કરતી રહેવી એ સરકારની જવાબદારી છે.

- Advertisement -

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી મેગા ડિમોલિશન ડ્રાઇવે એક વખત ફરી એ જ જૂનું દૃશ્ય ઊભું કર્યું છે. એક તરફ પ્રશાસન ગેરકાયદે બાંધકામો હટાવવાની કાર્યવાહી કરી રહ્યું છે, બીજી તરફ મીડિયાનો એક વર્ગ કરુણ કથાઓ, આંસુ અને બેઘર થયેલા લોકોની તસવીરોથી ભરેલું ભાવનાત્મક વાતાવરણ તૈયાર કરી રહ્યો છે. આ દૃશ્ય નવું નથી. ગુજરાત જ નહીં, આખા દેશમાં જ્યારે-જ્યારે મોટાપાયે અતિક્રમણ હટાવવામાં આવે છે ત્યારે-ત્યારે ‘માનવીય ત્રાસદી’ની કથા અચાનક મુખ્ય સમાચાર બની જાય છે, જ્યારે મુખ્ય પ્રશ્ન કે બાંધકામ કાયદેસર હતું કે નહીં, તે પૃષ્ઠભૂમિમાં ધકેલાઈ જાય છે.

જંગલેશ્વરની કાર્યવાહીને લઈને પણ એ જ થઈ રહ્યું છે. અહેવાલોમાં બાળકોના પુસ્તકો, તૂટેલા મકાનો, રડતી સ્ત્રીઓ અને રોકકળ કરતા માણસોની તસવીરો છે, પરંતુ એ કહેવામાં નથી આવી રહ્યું કે જે બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે તે કઈ જમીન પર બનેલા હતા, કેટલા વર્ષોથી વિવાદિત હતા અને તેમને કાનૂની મંજૂરી મળી હતી કે નહીં. વધુમાં રાજકોટનો આજી નદીના પટ પરનો આ વિસ્તાર કુખ્યાત ગુનેગારોને છાવરવામાં અવલ્લ હતો.

સ્થાનિકોએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું છે કે આ વિસ્તાર એટલો સંવેદનશીલ હતો કે પોલીસ પણ ઘણી વખત અહીં જવાથી ડરતી હતી. PGVCLનું કરોડો રૂપિયાનું ગપલું પણ આ વિસ્તારમાં થયું હતું. એ જ વિસ્તારમાંથી મોટાભાગના અરાજકવાદીઓને પકડવામાં આવ્યા છે અને હવે મીડિયા તેને જ ‘પીડિત’ દર્શાવવા માટે ભાવનાત્મક રમતો રમી રહ્યું છે. 

- Advertisement -

ગેરકાયદે બાંધકામ હટાવવું ‘દમન’ નથી, રાજ્યની જવાબદારી છે

કોઈપણ આધુનિક શહેરમાં સરકારી જમીન, નદી કિનારે, નાળા અથવા જાહેર ઉપયોગની જમીન પર બનેલા ગેરકાયદે બાંધકામો માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નહીં, પરંતુ ભવિષ્યના મોટા સંકટોનું મૂળ પણ બને છે, જેમ કે પૂર, પાણી ભરાવો, અપરાધ, આગ, આરોગ્ય જોખમ અને શહેરી અવ્યવસ્થા. રાજકોટના જંગલેશ્વર-આજી નદી વિસ્તાર લાંબા સમયથી આ જ સમસ્યાઓ સાથે જોડાયેલો રહ્યો છે.

જો પ્રશાસન વર્ષોથી નોટિસ, સરવે અને કાનૂની પ્રક્રિયા પછી કાર્યવાહી કરે તો તેને અચાનક ‘ક્રૂર’ કે ‘અમાનવી’ કહેવું વાસ્તવમાં રાજ્યની મૂળ જવાબદારીને જ શંકાસ્પદ બનાવવા જેવું છે. સરકારનું કામ માત્ર સહાનુભૂતિ દેખાડવાનું નથી, પરંતુ કાયદો અમલ કરવાનું પણ છે. જો ગેરકાયદે કબજાને માત્ર એટલા માટે છોડી દેવામાં આવે કે ત્યાં લોકો રહે છે તો કાયદાનું અસ્તિત્વ જ શું રહેશે?

અને જો ખરેખર બાંધકામ કાયદેસર હોત, મંજૂર નકશા અને દસ્તાવેજો હોત તો અત્યાર સુધી અદાલતમાં પડકાર આપીને કાર્યવાહી રોકાવી શકાતી હોત. પરંતુ જાહેર ચર્ચામાં આવા કાનૂની પુરાવા સામે આવ્યા નથી. તેના બદલે ભાવનાત્મક અપીલો વધુ દેખાઈ રહી છે.  વાસ્તવમાં આ કાર્યવાહીને નબળી પાડવાનો, અલગ નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ માત્ર છે.

અપરાધ અને અરાજકતાના આશ્રયસ્થાનનો પ્રશ્ન

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આ વિસ્તાર લાંબા સમયથી કુખ્યાત તત્વોનું ઠેકાણું બની ગયો હતો. આ દાવો માત્ર રાજકીય નિવેદન પૂરતો સીમિત નથી, કારણ કે અનેક વખત અનિયોજિત અને ગેરકાયદે વસ્તીઓ પોલીસ માટે નિરીક્ષણ અને નિયંત્રણની દૃષ્ટિએ મુશ્કેલ વિસ્તાર બની જાય છે. સાંકડી ગલીઓ, સરનામા વગરનાં ઘરો, રેકોર્ડ વગરના  રહેવાસીઓ, આ બધું અપરાધીઓ માટે સ્વાભાવિક સુરક્ષા કવચ બની જાય છે અને જંગલેશ્વરના કિસ્સામાં થયું પણ એવું જ.

જો કોઈ વિસ્તાર કાયદાની સમાંતર વ્યવસ્થા જેવું વર્તન કરવા લાગે તો સરકાર પાસે બે જ વિકલ્પો રહે છે કાં તો તેને અવગણે કે પછી કઠોર કાર્યવાહી કરે. અવગણવાથી ટૂંકાગાળાની શાંતિ મળી શકે છે, પરંતુ દીર્ઘકાલમાં તે જ વિસ્તાર મોટા ગુનાહિત નેટવર્ક, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સુરક્ષા જોખમનું કેન્દ્ર બની શકે છે.

મીડિયા રિપોર્ટિંગમાં કરુણાને સ્થાન તો છે જ, પરંતુ જ્યારે તે તથ્યની જગ્યા લઈ લે ત્યારે સમસ્યા શરૂ થાય છે. જંગલેશ્વરના કિસ્સામાં અનેક રિપોર્ટો એવા લાગે છે કે જાણે પહેલેથી જ નિર્ણય કરીને લખાઈ ગયા હોય – ગરીબો પર બુલડોઝર, ઉજડેલાં સપનાં, બેઘર પરિવાર, પરંતુ ક્યાંય એ વાત નથી કહેવામાં આવતી કે જમીન કોની હતી, કબજો ક્યારે અને કેવી રીતે થયો, કેટલી નોટિસ આપવામાં આવી હતી અને કેટલા લોકોએ કાનૂની પડકાર આપ્યો હતો.

ભાવનાત્મક તસવીરો વાચકો-દર્શકોને તરત અસર કરે છે, પરંતુ તે આખું પરિપ્રેક્ષ્ય દેખાડતી નથી. તેમાં માત્ર એક પક્ષની વાતો જ રજૂ થાય છે, જ્યારે કાયદાનું પાલન, જમીનની માલિકી અને વહીવટી પ્રક્રિયાની વાસ્તવિકતા પાછળ રહી જાય છે. 

મીડિયાની સિલેક્ટિવ સંવેદનશીલતાની જૂની પેટર્ન

આ પહેલી વખત નથી કે આવી કાર્યવાહી પર મીડિયાનો એક વર્ગ અચાનક માનવીય દૃષ્ટિકોણનો ધ્વજવાહક બની જાય. તે પહેલાં પણ મોટા અતિક્રમણ હટાવો અભિયાનોમાં આવી જ કથાઓ મુખ્યત્વે સામે આવી હતી. પછી તે અમદાવાદના ચંડોળામાં થયેલી કાર્યવાહી હોય કે અન્ય કોઈપણ સ્થળ પર થયેલી કાર્યવાહી હોય, તે સમયે પણ ગેરકાયદે કબજાની પ્રકૃતિ, સુરક્ષા જોખમો અથવા કાનૂની સ્થિતિ પર તુલનાત્મક રીતે  નજીવી ચર્ચા થઈ હતી, જ્યારે વિસ્થાપનની વ્યક્તિગત કથાઓ મુખ્ય વિષય બની ગઈ હતી.

સમસ્યા એ નથી કે પીડા દેખાડવામાં આવી રહી છે, સમસ્યા એ છે કે પીડાને સંદર્ભથી અલગ કરીને રજૂ કરવામાં આવી રહી છે. જો ગેરકાયદે કબજો હટાવવામાં આવે તો તેનું પરિણામ સ્વાભાવિક રીતે કઠિન હશે, પરંતુ તેનો અર્થ એ નથી કે કાર્યવાહી સ્વયં અન્યાયી છે. 

દિવ્ય ભાસ્કરે પોતાના મથાળામાં પણ એવા જ ભાવનાત્મક શબ્દોની પસંદગી કરી છે. એક રિપોર્ટમાં એવું હેડિંગ આપવામાં આવ્યું હતું કે, ‘મકાન પડી ગયું, ક્વાર્ટર મળ્યું નથી, વિધવા છું, ક્યાં જાઉં?: હવે બાળકો લઈ ક્યાં જઈશ, રાજકોટના જંગલેશ્વરમાં આશરો છીનવાતાં આશા ખોઈ બેઠી મહિલાઓ; 1060 દબાણો હટાવાયા’

અન્ય એક રિપોર્ટનાં મથાળામાં કહેવાયું છે કે, ‘બુલડોઝર ફરતું રહ્યું ને બાળકીઓનાં આંસુ વહેતાં રહ્યાં: મોટી બેન નાની બેનને ખોળામાં લઈ ઘર બહાર બેસી રહી, પાડોશીએ આખા પરિવારને આશરો ને રોટલો આપ્યો, જંગલેશ્વરમાં ડિમોલિશન’. 

અન્ય એક હેડિંગમાં પણ લખાયું છે કે, ‘આશરો, આંસુ ને આક્રોશ, ‘મારી નાખો, પછી મકાન પાડો’: ‘5000ની કમાણીમાં 10 ખાવાવાળા, ભાડા કેમ ભરી’?, રાજકોટમાં 1400 ઘરના ડિમોલિશન પહેલાં સ્થાનિકોનું દર્દ છલકાયું’. ભાસ્કરની સાથે-સાથે ગુજરાત સમાચાર અને બીબીસી ગુજરાતીએ પણ આ જ નેરેટિવને હવા આપવાનું કામ કર્યું હતું. 

તમામના રિપોર્ટમાં ભાવનાત્મક વાતાવરણ ઊભું કરવાનો સ્પષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્યાંક કોઈક સરકાર પર પ્રહારો કરી રહ્યું છે, ક્યાંક કોઈક દુઃખી હ્રદય સાથે નિસાસા નાખી રહ્યું છે. આવા જ ગતકડાં કરીને ભાસ્કર અને ગુજરાત સમાચાર એક અલગ નેરેટિવ ઘડવા જઈ રહ્યા હતા. 

તેમાંથી યુટ્યુબ ચેનલો પણ બાકાત રહી નથી. કથિત પીડિતોને વાચા આપવામાં આ યુટ્યુબ ચેનલો હરણફાળ ભરતી દેખાઈ આવે છે. જેમાં, જમાવટ, નિર્ભય ન્યુઝ અને ન્યુઝરૂમ ગુજરાતનો સમાવેશ થાય છે. તમામ યુટ્યુબ ચેનલોએ માઇક હાથમાં ધારણ કરીને ‘પીડિતોનો અવાજ’ બનવાનું પસંદ કર્યું હતું અને સરકારને કઠેડામાં ઊભી રાખવામાં પ્રયાસો કર્યા હતા.

જોકે, આ નેરેટિવ હવે જાણીતો થઈ ગયો છે અને સમજુ વાચકો-દર્શકો પણ તેમાં વધારે સમય ખર્ચવા કરતા ‘ઇગ્નોર’ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. બાકી એક વાત સ્પષ્ટ છે કે આવી કાર્યવાહી જરૂરી છે. જો આજે આ કાર્યવાહી નહીં કરવામાં આવી હોત તો ભવિષ્યમાં તે વિસ્તાર રાજકોટની સાથે-સાથે રાજ્ય અને દેશ માટે પણ મોટું જોખમ બન્યો હોત. ચંડોળામાં પણ એવું જ થયું હતું, ત્યાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને સ્થાયી કરવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક આતંકી સંગઠનોના સંપર્કમાં પણ હતા. 

રાજકોટમાં પણ આવું થતાં વાર ન લાગત. જોકે, હજુ સુધી રાજ્ય સરકારે કે સ્થાનિક પ્રશાસને ફોડ નથી પાડ્યો કે કેમ અચાનક આ કાર્યવાહી આરંભી દેવાઈ છે. પણ અહીં એ વાત ધ્યાને આપવા જેવી ખરી કે ડેપ્યુટી સીએમ સંઘવીએ મીડિયા સામે કહ્યું હતું કે જંગલેશ્વર વિસ્તાર ગુનેગારો માટેનું આશ્રયસ્થળ બની ગયો હતો અને ગાંજો, ડ્રગ્સ સાથે સંકળાયેલા ઘણા મોટા માથાને ત્યાંથી પકડી પણ પાડવામાં આવ્યા છે. 

આ બધી બાબતોને ધ્યાને લઈને આ કાર્યવાહી જરૂરી હતી. જો આજે આ કાર્યવાહી ન થઈ હોત તો અમુક વર્ષો, દાયકાઓ બાદ રાજ્ય અને દેશ તેના માઠા પરિણામો ભોગવી રહ્યો હોત અને તે સમયે ઘણું મોડું થઈ ગયું હોત. એટલે મીડિયાએ ફેલાવેલી આવી કરૂણ કહાણીઓ એક રીતે નેરેટિવનો ભાગ છે, હકીકત તો એ છે કે ગેરકાયદે કબજો કરીને રહેતા માણસો વિરુદ્ધ આવી જ કાર્યવાહી કરવી જરૂરી છે. ને ગેરકાયદેસર બાંધકામ ન હોય અને સરકાર ખોટી રીતે દમન કરતી હોય તો કોઈક વજૂદ પણ રહે, પણ એવી કોઈ બાબત હમણાં સુધી સામે આવી નથી અને કોઈ સાબિત પણ કરી શક્યું નથી કે રહેવાસીઓ કાયદેસર હતા, તેમ છતાં મીડિયા આ નેરેટિવને હવા આપી રહ્યું છે.

મૂળ વાત એ છે કે કાયદાનું શાસન બનાવી રાખવા માટે, લોકહિતમાં અને દેશહિતમાં ક્યારેક એવા નિર્ણયો લેવા પડે છે જે લોકપ્રિય નહીં પણ જરૂરી હોય. જંગલેશ્વરમાં ધિંગાણે ચડેલા બુલડોઝરો પણ આવા જ એક રાષ્ટ્રહિતના નિર્ણયનો ભાગ છે, તે નિર્ણયને સ્વીકારવો એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ છે અને આવી જ કાર્યવાહી કરતી રહેવી એ સરકારની જવાબદારી છે. કાયમ ‘કરૂણ કહાણી’ની પીપૂડી વગાડતા રહેવાનું કામ આપણે મીડિયા પર છોડીએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં