સંખ્યાબંધ બુલડોઝર, 2500 પોલીસ જવાન, સેંકડો ગેરકાયદેસર બાંધકામો: રાજકોટ પાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કર્યું મેગા ડિમોલિશન, આજી નદીનો પટ ખાલી કરાશે

રાજકોટ મહાનગરપાલિકાએ આજ સુધીનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધર્યું છે. સોમવારે (23 ફેબ્રુઆરી) પાલિકાની ટીમો બુલડોઝર અને ભારે પોલીસ બંદોબસ્ત લઈને શેરના જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને આજી નદીના પટમાં સરકારી જમીન પર વર્ષોથી તાણી બાંધવામાં આવેલાં મકાનો અને બાંધકામો તોડવાની શરૂઆત કરી હતી.

ડિમોલિશન કાર્યવાહી માટે અગાઉથી તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને કબજેદારોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. અમુકે પહેલેથી મકાનો ખાલી કરી નાખ્યાં હતાં. ત્યારબાદ નોટિસમાં દર્શાવવામાં આવેલો સમય પૂર્ણ થતાં પાલિકાએ પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી હતી.

તંત્રએ કાર્યવાહી માટે જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દીધો હોવાનું અહેવાલો જણાવે છે. આ દરેક ઝોનમાં દેખરેખ માટે ક્લાસ-વન અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે, જેમના હાથ નીચે અધિકારીઓની ટીમ મુકાઈ છે. સમગ્ર કાર્યવાહીનું મોનિટરિંગ કન્ટ્રોલ રૂમમાંથી થઈ રહ્યું છે, જ્યાં કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.

ઑપરેશન માટે 64થી વધુ બુલડોઝર, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 કટર અને 14 ડમ્પરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે સુરક્ષા માટે લગભગ 2500થી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે. 25 ડ્રોન કેમેરાથી સમગ્ર કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે.

લગભગ દોઢેક હજાર જેટલાં બાંધકામો તોડવાની ગણતરી છે, જેમાંથી આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં પચાસ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ આ કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ તમામ માહિતી મેળવી રહી છે.