સમાચાર એવા છે કે ભારતની સ્પેસ એજન્સી ISROએ 100 લૉન્ચ પૂર્ણ કર્યાં છે. સમાચાર એવા સમયે સામે આવ્યા જ્યારે દેશમાં હિંદુ સંસ્કૃતિ અને સનાતન પરંપરાને ભવ્ય રીતે ઉજાગર કરતો મહાકુંભ ચાલી રહ્યો છે. 144 વર્ષ પછી આવેલા આ મહાકુંભમાં કરોડો હિંદુઓ સંગમ સ્નાન કરીને પુણ્ય મેળવશે. આ લખાય રહ્યું છે ત્યારે મૌની અમાવસ્યાનું સંગમ સ્નાન ચાલી રહ્યું છે અને પૂર્ણ થતાં સુધીમાં એક નવો વિશ્વવિક્રમ સર્જાશે. એક સમયે, એક સ્થળે, આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થાય અને એક ધર્મધ્વજા હેઠળ એકઠા થાય એ મહાન ઘટના છે. એ મહાન ઘટનાના આપણે સાક્ષી બન્યા.
મહાકુંભ શરૂ થયો અને તેની સાથે જ એક વર્ગમાંથી એવી સલાહો આવવાની કે ગણગણાટ કરવાનો શરૂ થઈ ગયો હતો કે આજના યુગમાં આ બધાની કોઈ જરૂર નથી. આ વધારે પડતા ભણી ગયેલાઓના મતે મહાકુંભમાં જઈને સ્નાન કરવાથી કશું થવાનું નથી અને પાપ અને પુણ્ય જેવું કાંઈ હોતું નથી. તેના કરતાં ભારતે વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. આ બધી વાતો કરતી વખતે તેઓ કાયમ બીજા દેશો કેટલા આગળ વધી ગયા છે અને કથિત રીતે આપણે કેમ પાછળ છીએ તેની ફાલતુ વાતો કરતા રહે છે.
હિંદુઓના સૌથી મોટા પર્વને કથિત બુદ્ધિજીવીઓ અને લેફ્ટ-લિબરલો સતત વિજ્ઞાન અને વિકાસ સાથે સાંકળીને જુએ છે. મહાકુંભમાં પણ આ ટોળકીએ હિંદુઓને ટાર્ગેટ કરવાની એક પણ તક નથી છોડી. મહાકુંભને જોડીને જાતજાતની વાતો કહેનારાઓ તમને જોવા મળશે. જેઓ એવી સુફિયાણી દલીલો આપે છે કે, મહાકુંભ કરવા કરતાં ભારતે વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ તે ભૂલી જતા હોય છે કે, આ નૂતન ભારત વિરાસતની સાથે વિકાસ માટે પણ એટલું જ પ્રતિબદ્ધ છે અને તે આજથી નહીં, પરંતુ આદિકાળથી છે.
ધર્મ અને વિકાસને સાથે લઈને ચાલે છે ભારત
ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જે ધર્મની સાથે વિજ્ઞાન અને વિકાસને લઈને પણ ચાલે છે. તેનું કારણ ભારતની બહુમતી હિંદુ પ્રજા છે. કારણ કે, દુનિયાની જેમ અહીં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નહીં, પરંતુ પૂરક છે. કેટલાક પંથ અને મઝહબોમાં વિજ્ઞાનને ‘હરામ’ ગણાવવામાં આવે છે, જ્યારે ભારતમાં તો હિંદુઓના ધર્મગ્રંથોમાંથી જ વિજ્ઞાનની અવિરત ધારા વહે છે. વિજ્ઞાનને નેવે મૂકીને માત્ર મઝહબને પકડી રાખીને દુનિયાના અનેક દેશો વિનાશને નોતરી ચૂક્યા છે. જેમાં ઈરાન, કતર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા ઇસ્લામી દેશોનો સમાવેશ થાય છે. પરંતુ ભારતમાં ધર્મ અને વિજ્ઞાન બંને સાથે ચાલી રહ્યા છે અને છતાં વિકાસ થઈ રહ્યો છે.
એવું નથી કે, સનાતન પરંપરામાં આજકાલથી જ વિજ્ઞાનને જીવનના એક ભાગ તરીકે જોવાનો દ્રષ્ટિકોણ સ્થાપિત થયો છે. આદિકાળથી સનાતન પરંપરાના લોકો વિજ્ઞાન અને ધર્મને સાથે રાખીને ચાલી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતે પણ ભગવદ ગીતાને એક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી રજૂ કરી હતી. એટલું જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી પહેલા પ્લાસ્ટિક સર્જરી પણ ઋષિ આચાર્ય સુશ્રુતે કરી હતી. હમણાં સુધી દુનિયાને તે પણ ખ્યાલ નહોતો કે, પૃથ્વી ગોળ છે, પરંતુ ભારતના હજારો વર્ષ પ્રાચીન મંદિરોમાં ભગવાન વારાહની મૂર્તિમાં પૃથ્વીને ગોળ દર્શાવવામાં આવી હતી.
દુનિયાને પૃથ્વી સિવાયના ગ્રહો વિશેની કોઈ ગતાગમ નહોતી, ત્યારથી ભારતમાં નવગ્રહ પૂજા ચાલી આવે છે અને નવગ્રહોના નામ પણ. ન્યુટનના અસ્તિત્વની સદીઓ પહેલાં આચાર્ય બ્રહ્મગુપ્ત પોતાના ગ્રંથ ‘બ્રહ્મ-સ્પુહા-સિદ્ધાંત’માં ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આપીને ગયા છે. વિજ્ઞાન ઇતિહાસકાર જયોર્જ સર્ટોને બ્રહ્મગુપ્તને તત્કાલીન સમયમાં મહાન ‘વૈજ્ઞાનિક’ પણ ગણાવ્યા છે. જ્યારે દુનિયા આકાશ તરફ જોતાં પણ નહોતી શીખી, ત્યારે ભારતમાં ‘વૈમાનિક શાસ્ત્ર’ની રચના થઈ ગઈ હતી અને તેના આધારે ભારતીય ઋષિઓ વિમાન પણ બનાવતા થઈ ગયા હતા. દુનિયામાં સૌથી પહેલાં આર્યભટ્ટે સૂર્યની પરિક્રમાની ગણના કરી હતી અને તે પણ સચોટ.
આ તો માત્ર ગણ્યાંગાંઠ્યાં ઉદાહરણો છે. પરંતુ ભારત હંમેશાથી ધર્મ અને વિજ્ઞાનને સાથે રાખીને ચાલી રહ્યો છે. કારણ કે, ભારતના પ્રાચીન ગ્રંથો પણ વૈજ્ઞાનિક અભિગમને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. હિંદુ ધર્મના સર્વોચ્ચ ગ્રંથ વેદોમાં કોઈપણ બાબત પર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો. વેદો પ્રત્યેક મનુષ્યને સ્વતંત્રતા આપે છે. વેદોમાં આવિષ્કાર, તર્ક અને સત્યની શોધને પ્રાથમિક સિદ્ધાંત માનવામાં આવ્યા છે. પ્રાચીન ગ્રંથ જેવા કે વેદ અને ઉપનિષદોમાં બ્રહ્માંડની શોધ, તેની રચના, બ્રહ્માંડોના પ્રકારો (આજે જઈને દુનિયા મલ્ટીયુનિવર્સની વાત કરે છે, ભારતીય ગ્રંથોમાં તે હજારો વર્ષ પૂર્વ કરવામાં આવી હતી.), પ્રાકૃતિક ઘટના અને કુદરતને સમજવા અને અધ્યયન કરવાની સલાહ આપવામાં આવી છે.
હિંદુ ધર્મ અને વિજ્ઞાનનો અનુબંધ આદિકાળથી ચાલ્યો આવે છે. જેમ કે, આધુનિક વિજ્ઞાન આત્માને એક ઉર્જા માને છે. વિજ્ઞાન અનુસાર, એનર્જીને મારી નથી શકાતી, તેને સળગાવી નથી શકાતી, ઉર્જા સનાતન છે. તેને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. વીજળી પણ એક ઉર્જા છે. તેનો ઉપયોગ આપણે અનેક સ્વરૂપમાં પરિવર્તિત કરીને કરીએ છીએ. આધુનિક સાયન્સ આત્માને પણ ઉર્જા માને છે. જે વાત વિજ્ઞાને હમણાં સાબિત કરી છે. તે જ વાત ભગવાન કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં સિદ્ધ કરી હતી.
શ્રીમદ્દ ભગવદ ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે,
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।। 2-23।।
અર્થાત:- “આ આત્માને (ઉર્જાને) કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, હવા સૂકવી શકતી નથી. આત્મા નિત્ય સનાતન અવિનાશી છે.”
ભગવદ ગીતાના બીજા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે,
वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा-
न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।।
અર્થાત:- “જેવી રીતે મનુષ્ય, જુના વસ્ત્રો બદલીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્માં જીર્ણ અને પ્રાચીન શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે.”
મોર્ડન સાયન્સ અને શ્રીમદ્દ ભગવદ ગીતામાં ઉર્જા વિશેની માહિતી સમાન છે! સાયન્સ કહે છે કે, ઉર્જા અમર છે, તે મરી શકે નહીં, તે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે. જ્યારે આ જ સિદ્ધાંત હિંદુઓના ધર્મગ્રંથમાં હજારો વર્ષો પહેલાં કહેવાય ચૂક્યો છે. આવી હજારો વાતો હિંદુઓના ધર્મગ્રંથોમાં પહેલાં કહેવાય ચૂકી છે, જે બાદ વિજ્ઞાને સાબિત કરી છે. માટે જ વિશ્વના મહાન અને બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો ભગવદ ગીતા અને વેદોનો અભ્યાસ કરીને રિસર્ચ કરે છે.
હિંદુ ધર્મ કોઈ અન્ય મઝહબની જેમ, આ ‘કરવું અને આ ન કરવું’નો આગ્રહ નથી કરતો. પરંતુ યોગ્ય અને સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે. એટલે જ ભારત આજે પોતાની વિરાસત પણ સાચવી રહ્યું છે અને પોતાના વિકાસને પણ આગળ લઈ જઈ રહ્યું છે. આ જ કારણ છે કે, ISROના વૈજ્ઞાનિકો કોઈપણ મોટા મિશન પહેલાં મંદિરે જઈને ભગવાનના દર્શન કરે છે. આજે ભારતને પોતાના ધર્મ પર પણ ગર્વ છે અને ધર્મમાંથી જ નીકળેલા વિજ્ઞાન પર પણ ગર્વ છે. તેથી જ નવા ભારતનો નારો છે ‘વિકાસ ભી ઔર વિરાસત ભી.’
ભારત કાયમ ધર્મને, સંસ્કૃતિને સાથે રાખીને વિકાસપથ પર આગળ વધતું રહ્યું છે. આજે ભારતના વિકાસના પાયામાં આ સનાતન વિચાર પણ છે. અન્યથા પાડોશના અનેક દેશો વિસ્તાર અને વસ્તીમાં નાના હોવા છતાં પાયમાલ થઈ ગયા છે. આપણે અડીખમ છીએ, સતત આગળ વધી રહ્યા છીએ, તેના મૂળમાં આ દેશની પરંપરા અને સંસ્કૃતિ છે.