થોડા દિવસ પહેલાં વડા પ્રધાન મોદીએ સોમનાથ મંદિરે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની ઘોષણા કરી એટલે એક દાયકાથી ભારોભાર મોદીદ્વેષથી પીડાતાં અમુક જંતુઓએ ગણગણાટ શરૂ કરી દીધો. મોદીના લેખમાં, તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં, સરકારી યાદીઓમાં એક હજાર વર્ષના ઉલ્લેખને આધાર બનાવ્યો અને સીધી રીતે કહી શકે તેમ ન હતા એટલે પેટમાં દુઃખતું હતું પણ માથું કૂટવાનું શરૂ કર્યું.
દલીલો એવી આપવામાં આવી કે આપણે મંદિર તૂટ્યું તેની ઉજવણી કેમ કરી રહ્યા છીએ? એવું ચલાવાયું કે ઉજવણી કરવાની હોય મંદિર ક્યારે ફરી બન્યું તેની કરવી જોઈએ. એક હજાર વર્ષ પાછળ જવું એટલે તો આક્રાન્તાઓને યાદ કરવા જેવું ગણાય.
બહુ બાલિશ દલીલો હતી આ.
શું આપણે મંદિરના વિધ્વંસની ઉજવણી કરી? સરકાર એટલી મૂરખ છે? હિંદુઓ મૂરખ છે? ના. આ ઉજવણી વિધ્વંસની નહીં, એક હજાર વર્ષની સાહસ, સંકલ્પ અને શૌર્યની યાત્રાની હતી.
યોગાનુયોગ પણ છે કે આ વર્ષે મંદિરના અંતિમ જીર્ણોદ્ધારનાં 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. મોદીએ અને સરકારે આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો જ હતો, પણ દોડવું હોય ને ઢાળ મળે પછી દોડનારાઓ બહુ વિચાર કરતા નથી. પણ તમારે વર્તમાન જોતી વખતે પાછળ પણ જવું જોઈએ અને તેનાં ઘણાં કારણો છે.
1026માં ભારત પર જેહાદ કરવા માટે નીકળેલા ગઝનીના ઇસ્લામી શાસક મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિરને તોડ્યું, લૂંટ્યું. યાદ રહે, ગઝનવી માત્ર લૂંટવા માટે નહતો આવ્યો, તેણે હિંદુઓના મંદિર પર, તેમની આસ્થા પર પ્રહાર કરવો હતો, એટલે શિવલિંગ પણ તોડ્યું. ત્યારપછી મંદિર ફરી બેઠું થયું. ફરી ઇસ્લામી આક્રાન્તાઓએ હુમલાઓ કર્યા, ફરી-ફરી હિંદુઓ લડત આપતા ગયા, સંઘર્ષ કર્યો, બલિદાનો આપ્યાં અને મંદિર ટકાવી રાખ્યું.
એક હજાર વર્ષ પાછળ જઈએ તો વાતની શરૂઆત ગઝનવીના હુમલાથી થાય છે. આ હુમલાની પણ ચર્ચા થાય એ જરૂરી છે. કારણ કે એ ઇસ્લામી આતંકવાદનું, મજહબી કટ્ટરપંથી વિચારધારાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અગાઉ કહ્યું એમ ગઝનવી માત્ર મંદિર લૂંટવા માટે નહતો આવ્યો, તેણે હિંદુ આસ્થાનું આ પ્રતીક ઉખાડી ફેંકવું હતું. આ હકીકતની ચર્ચા ડાબેરી ઇતિહાસકારોએ વર્ષો સુધી દબાવી રાખી અને એક એવો નરેટિવ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે આક્રાંતાઓએ મંદિર એટલા માટે લૂંટ્યાં હતાં કારણ કે ત્યાં ધન-દોલત વધુ હતાં. આ સદંતર ખોટી વાતો છે. આજે જ્યારે આપણે સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે એ ચર્ચા કેમ ન થવી જોઈએ?
1026 વર્ષ પાછળ એટલા માટે જવું પડે કારણ કે આપણને યાદ રહે કે મજહબી કટ્ટરપંથ સો-બસો વર્ષ જૂની વિચારધારા નથી, પણ એ આજથી હજાર વર્ષ પહેલાં પણ તેના આ જ સ્વરૂપે હતી. અમુક તારીખો કમનસીબ ઘટનાઓ બની હોવા છતાં દરેક હિંદુ યાદ રાખે એ જરૂરી છે. 2002ની 27મી ફેબ્રુઆરી એવો જ એક દિવસ છે.
બીજું. એક હજાર વર્ષનો ઉલ્લેખ કરીએ ત્યારે વાત માત્ર ગઝનવીના હુમલાએ પૂર્ણ થઈ જતી નથી, ત્યાંથી વાસ્તવમાં શરૂ થાય છે. એ હુમલા વખતે પણ હિંદુઓએ લડત આપી હતી, પણ યુદ્ધમાં પણ નીતિનિયમોને આધીન રહીને લડતા હિંદુઓ માટે કોઈ નિયમો વગર માત્ર કાફિરોને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે આવી ચડેલી મજહબી સેનાઓનો પ્રતિકાર કરવો શરૂઆતમાં કઠિન હતો. એટલે આખરે ગઝનવી સફળ થયો. ત્યારબાદ મંદિર ફરીથી બેઠું થયું.
ત્યારપછી આક્રાંતાઓ આવતા ગયા, પ્રહારો કરતા ગયા. પણ શું હિંદુઓએ લડત ન હતી આપી? આપી જ હતી. હમીરસિંહજી ગોહિલ, વેગડાજી ભીલથી માંડીને નામી-અનામી વીરો બલિદાન થઈ ગયા હતા. પણ ડાબેરી ઇતિહાસકારોએ ઇતિહાસ એ રીતે લખ્યો છે કે આપણને ઈસ્લામિક હુમલાઓ સામેના આ હિંદુ રેઝિસ્ટન્સ વિશે ક્યારેય જણાવવામાં ન આવ્યું. એક હજાર વર્ષના ઉલ્લેખ પાછળ એક ઉદ્દેશ્ય આ બલિદાનોને યાદ કરવાનો પણ છે.
રાણી અહલ્યાબાઈથી માંડીને અનેક શાસકોએ મંદિરના પુનઃનિર્માણમાં યોગદાન આપ્યું હતું. આપણે તેમને કેમ યાદ ન કરીએ? તેમના યોગદાનને કેમ ન યાદ કરીએ? સ્વાભિમાન પર્વનો એક ઉદ્દેશ્ય આ પણ છે.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ગઝનવીના હુમલાના સ્મરણમાં નહીં, આ એક હજાર વર્ષની સાહસ, સંકલ્પ અને શૌર્યની યાત્રાના સ્મરણમાં ઉજવાય રહ્યું છે. સોમનાથના ઇતિહાસમાં માત્ર મંદિરો ધ્વસ્ત થયાં એટલું જ નથી, તેની સાથે હિંદુઓનો સંઘર્ષ, બલિદાન, ત્યાગ અને શૌર્ય પણ સંકળાયેલાં છે. આપણને આજ સુધી માત્ર પરાજયો કેન્દ્રમાં રાખીને ઇતિહાસ જણાવવામાં આવ્યો છે, પણ વિજયની ચર્ચા કરવી હોય તો હજાર વર્ષ પાછળ જવું જ પડે અને સ્વાભિમાન પર્વમાં એ જ થયું.
રવિવારે (11 જાન્યુઆરી) સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્ણાહુતિ પર આયોજિત ભવ્ય જનસભાને સંબોધતી વખતે વડા પ્રધાન મોદીએ આ જ વાતો કહી.
વડા પ્રધાન કહે છે, “સોમનાથ સ્વાભિમાન પર્વ એક હજાર વર્ષ પહેલાં થયેલા વિધ્વંસના સ્મરણ માટે નથી. આ પર્વ હજાર વર્ષની યાત્રાનું પર્વ છે. આ આપણા ભારતના અસ્તિત્વ અને અભિમાનનું પર્વ છે. કારણ કે આપણને દરેક ડગલે, દરેક પગલે સોમનાથ અને ભારતમાં અનોખી સમાનતાઓ જોવા મળે છે. સોમનાથને નષ્ટ કરવા માટે એક નહીં, અનેક પ્રયાસ થયા. એ જ રીતે વિદેશી આક્રાન્તાઓ સદીઓ સુધી ભારતને ખતમ કરવાના પ્રયાસો કરતા રહ્યા. પણ ન સોમનાથ નષ્ટ થયું, ન ભારત નષ્ટ થયું.”
વડા પ્રધાને સંબોધનમાં સોમનાથ પર થયેલાં આક્રમણો અને ફરી-ફરી થયેલાં પુનઃનિર્માણોનો ઉલ્લેખ કરીને ઉમેર્યું, “સોમનાથનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી. આ ઇતિહાસ વિજય અને પુનર્નિર્માણનો છે. આપણા પૂર્વજોના પરાક્રમનો છે. આપણા પૂર્વજોના ત્યાગ અને બલિદાનનો છે. મજહબી આતંકનાં આક્રમણો થતાં રહ્યાં, પણ દરેક યુગમાં સોમનાથ પુનઃ પુનઃ સ્થાપિત થતું રહ્યું. આટલી સદીઓનો સંઘર્ષ, આટલો લાંબો પ્રતિકાર, આટલું મહાન ધૈર્ય, સર્જન અને પુનઃનિર્માણનું આ સામર્થ્ય, આવી સંસ્કૃતિ, આવો વિશ્વાસ અને આવી આસ્થા દુનિયાના કોઈ ઇતિહાસમાં નથી.”
સોમનાથ સ્વાભિમાન પર્વ કેમ અને શા માટે– તેના જવાબ માટે વડા પ્રધાનના સંબોધનના આ બે ફકરા જ પૂરતા થયા.


