12 જુને અમદાવાદ (Ahmedabad) પ્લેન ક્રેશની (Plane Crash) દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો. સ્થાનિક લોકો સૌથી પહેલાં ઘટનાસ્થળે દોડી આવ્યા અને મદદ માટેની પહેલ કરવા લાગ્યા. ફાયર વિભાગ અને NDRFની ટીમ સાથે સ્થાનિકોએ રેસ્ક્યુ ઑપરેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. મનને વિચલિત કરનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો, કપાઈને ધડથી અલગ પડેલું માથું, સંકોચાઈને પીગળી ગયેલી લાશો અને ઘણું બધુ. આખો દેશ આ ભયાનક દ્રશ્યો જોઈને ભયભીત અને સ્તબ્ધ હતો.
પ્લેન ક્રેશની ઘટનાના આવા ભયાવહ સંજોગોમાં પણ ઘણા તત્વોએ લોકોને ભયમુક્ત કરવાના સ્થાને નવા પેંતરા શરૂ કરીને હતાશ કરવાનું શરૂ કરી દીધું હતું. મીડિયા પણ તેમાંથી બાકાત ન રહ્યું. ગુજરાતના જાણીતા અખબાર ‘ગુજરાત સમાચારે‘ (Gujarat Samachar) પણ એક વિડીયો પોસ્ટ કરીને લોકોને વધુ હતાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે દાવો કર્યો કે, પ્લેન ક્રેશ થયા બાદ બચાવવા આવેલા લોકોએ ઇમારતોમાં લૂંટફાટ મચાવી હતી. જોકે, તેણે એ ઘટના વિશેનું એક પણ દ્રશ્ય ન બતાવ્યું કે ન તો કોઈ પુરાવા આપ્યા.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કેટલાંક લોકોએ માનવતા નેવે મૂકી, દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડીંગમાં લૂંટ મચાવી#Ahmedabad #ahmedabadplanecrash #Gujarat #PlaneCrash #एयरइंडिया #Tragedy #gujaratsamachar pic.twitter.com/0YpUCAOIFL
— Gujarat Samachar (@gujratsamachar) June 12, 2025
ગુજરાત સમાચારે આ વિડીયો X પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કેટલાક લોકોએ માનવતા નેવે મૂકી, દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં લૂંટ મચાવી.” આ સાથે વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ફોટાઓ સ્લાઇડ થઈ રહ્યા છે અને ગુજરાત સમાચારનું લખાણ પણ સામે આવી રહ્યું છે.
ગુજરાત સમાચારે વિડીયોમાં ન દર્શાવ્યા એવા કોઈ દ્રશ્યો
ગુજરાત સમાચારે ચોરી અને લૂંટફાટનો દાવો તો કરી દીધો પણ તેણે વિડીયોમાં એક પણ દ્રશ્ય તે ઘટનાનું નથી દર્શાવ્યું. બીજું એ કે ગુજરાત સમાચાર સિવાય કોઈપણ મીડિયા કે સ્થાનિક અહેવાલોમાં ક્યાંય લૂંટફાટના સમાચારો સામે નથી આવ્યા. ગુજરાત સમાચારે વિડીયો કે પુરાવા અથવા તો સૂત્રોને ટાંક્યા વગર જ આ સમાચાર ચલાવ્યા છે અને દાવો કરી દીધો છે કે, લોકોએ બિલ્ડિંગને લૂંટી લીધી છે. પોસ્ટ કરેલા વિડીયોમાં એક લખાણમાં એવું પણ કહેવાયું છે કે, બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે અને લોકો જીવ બચાવીને નીચે કૂદી રહ્યા છે. તો તેવામાં કોઈ માણસ પોતાનો જીવ જોખમમાં નાખીને ત્યાં લૂંટવા કઈ રીતે જઈ શકે?
સાથે એ પણ નોંધવા જેવું છે કે, જ્યાં વિમાન તૂટ્યું એ મેસ અને હોસ્ટેલ બ્લોક જેવી ઇમારતો છે. માહિતી મુજબ, ઘટના સમયે મેડિકલના વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા. ત્યાં લૂંટવા જેવી કોઈ વસ્તુ હોય તે પણ માન્યામાં આવી શકે નહીં. તે સિવાય મોટાભાગની ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને પ્લેન સળગવાના કારણે આસપાસનું વાતાવરણ પણ ભયાનક રીતે ગરમ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં કોઈ ક્યાંથી લૂંટ મચાવી શકે? પોતાના જીવના જોખમે એક મામૂલી વસ્તુ લેવા કે ચોરવા માટે માણસો કઈ રીતે ત્યાં જઈ શકે?
ના કોઈ સમાચાર, ના કોઈ પોસ્ટ, ના કોઈ FIR… કેમ કે બની જ નથી આવી કોઈ ઘટના
ચોરી કે લૂંટફાટનો એક પણ કિસ્સો ન તો સ્થાનિકોએ જણાવ્યો છે કે ન તો ક્યાંય સાબિત થયો છે. તેમ છતાં ગુજરાત સમાચારે વિડીયો ચલાવીને મદદ માટે આવેલા લોકોને અપમાનિત કરવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, પરંતુ તેણે આ ભયાનક ઘટનાના દ્રશ્યો જોઈને માનસિક ભાંગી પડેલા લોકોને ભયમુક્ત કરવાની જગ્યાએ વધુ હતાશ કરવાનું કામ કર્યું છે. પ્રથમ દ્રષ્ટિએ આવી કોઈપણ ઘટના બની હોવાના કોઈપણ પ્રકારના પુરાવા કોઈપણ સ્થળે મળી શક્યા નથી.
જો દલીલ ખાતર માની પણ લઈએ કે આવા કિસ્સા બન્યા હશે (જે બન્યા નથી) તો પણ આવા વિપરીત સંજોગોમાં તે પ્રયોરિટી ન હોવી જોઈએ. આવી દુર્ઘટના પછીનો કેટલોક સમય ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. આવા સમયગાળામાં પોતાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેતા મીડિયાએ જવાબદારી અને સમજપૂર્વક રિપોર્ટિંગ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે, પહેલાંથી જ ઘટનાને લઈને લોકો ખૂબ ભયજનક સ્થિતિમાં હોય છે, તેવામાં તેમને આવા વિપરીત દ્રશ્યો બતાવીને વધુ હતાશ કરવા નૈતિક રીતે પણ યોગ્ય ગણી શકાય નહીં.
તે સિવાય જે સ્થાનિક લોકો પોતાનું બધુ કામ પડતું મૂકીને, જીવના જોખમે મદદ માટે દોડી આવ્યા હતા તેમનું સન્માન કરવું પણ જરૂરી છે. કારણ કે, આવા સમાચારો છાપીને આડકતરી રીતે તેવા લોકો પર પણ પ્રશ્નો ઉઠી શકે છે, જે માત્ર નિસ્વાર્થ મદદ માટે દોડી આવ્યા હતા. આવી સ્થિતિમાં લોકોને હિંમત અને સાંત્વના આપવાની હોય છે, નહીં કે ખોટા સમાચાર ફેલાવીને લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો. કોઈપણ ક્રિયા માટેની યોગ્ય પદ્ધતિ અને તેનો યોગ્ય સમય હોય છે, જે પોતાને જૂના અખબાર ગણાવે છે, તેમણે આ બધુ શીખવું પણ ખૂબ જરૂરી છે.
આ ઉપરાંત આવા પાયાવિહોણા સમાચારોને આધાર બનાવીને જ પછીથી ગુજરાતના વિરોધી રાજ્યો ગુજરાત અને અમદાવાદને બદનામ કરતા હોય છે. એક તરફ ગુજરાત પહેલાંથી અન્ય કેટલાક કારણોસર આ ગેંગના ટાર્ગેટ પર હોય છે, ત્યાં આવા ખોટા સમાચારો છાપીને શા માટે તેમને નકામી તક આપવાનું કામ કરવું જોઈએ? આ વાત અખબારના કર્તાધર્તાઓને પણ ખબર હશે, પરંતુ આવું ન કરે તો ‘પોતાની અસ્મિતા’ શું રહે? આવું કરવાથી આગળ જતાં ગુજરાતવિરોધી ગેંગ આમાં પણ રાજકારણ રમી શકે છે.
ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં સૂર્યાસ્તનો માહોલ ઊભો કરીને અર્જુને કહે છે કે, જ્યારે પરિસ્થિતિ અને સંજોગો વિષમ હોય ત્યારે લોકોને ભયમુક્ત કરવા માટે માહોલ બદલવાની જરૂર પડે છે. આ જ સિદ્ધાંત હાલ પણ લાગુ પડે છે. પરિસ્થિતિ વિષમ હોય અને લોકો ભયભીત હોય ત્યારે તેમને વધુ ભયભીત કરવાના સ્થાને અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ અને આ કામ આજના સમયે મીડિયાનું છે. પરંતુ, તે કામ છોડીને ખોટા સમાચારોને આધાર બનાવીને વધુ ભયજનક વાતાવરણ બનાવવું પણ શરમજનક છે.