Thursday, May 2, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાત કોંગ્રેસમાં કાયમી રહ્યું છે કન્ફયુઝન: વિરોધ અમદાવાદનાં લાલદરવાજા પર કર્યો પણ...

    ગુજરાત કોંગ્રેસમાં કાયમી રહ્યું છે કન્ફયુઝન: વિરોધ અમદાવાદનાં લાલદરવાજા પર કર્યો પણ દિલ્હીવાળાને ગુજરાતનું રાજભવન દેખાયું

    પરંતુ ગુજરાતમાં એવું બન્યું નહીં. જ્યાં દેશભરના રાજભવનો તરફ વિવિધ રાજ્યોનાં કોંગ્રેસીઓ કૂચ કરી રહ્યાં હતાં ત્યારે ગુજરાતનાં કોંગ્રેસીઓ રાજ્યનાં પાટનગર ગાંધીનગરને બદલે અમદાવાદમાં આ કૂચ કરી રહેલાં જોવા મળી રહ્યાં હતાં.

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસ શા માટે ગુજરાતીઓની વૈચારિક નસ પરની પોતાની પકડ ગુમાવી ચુકી છે એનાં ઉદાહરણ લગભગ દરરોજ જવા મળે છે. જો ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો તેનું સહુથી મોટું ઉદાહરણ હોય તો તેની બે દિવસ પહેલાંથી અમદાવાદનાં લાલદરવાજા ખાતે યોજાયેલી હાથ સે હાથ જોડો યાત્રા તેનું એકદમ તાજું ઉદાહરણ બનીને સામે આવ્યું છે.

    પરમદિવસે એટલેકે સોમવારે (13th March 2023) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સમગ્ર ભારતમાં અદાણી, મોંઘવારી વગેરે મુદ્દાઓને લઈને એક સાથે વિરોધ પ્રદર્શન આયોજીત કર્યું હતું. દરેક રાજ્યમાં જે-તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની આગેવાનીમાં આ ધરણા પ્રદર્શન જે-તે રાજ્યની રાજધાનીનાં રાજભવનને ઘેરીને કરવાનું હતું. સ્વાભાવિક છે કે જો દરેક પ્રદેશ કોંગ્રેસને આ પ્રકારે આદેશ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવ્યો હોય તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસને પણ આ મુજબ જ આદેશ આપવામાં આવ્યો હશે એમ માની લેવું સ્વાભાવિક છે.

    પરંતુ ગુજરાતમાં એવું બન્યું નહીં. જ્યાં દેશભરના રાજભવનો તરફ વિવિધ રાજ્યોનાં કોંગ્રેસીઓ કૂચ કરી રહ્યાં હતાં ત્યારે ગુજરાતનાં કોંગ્રેસીઓ રાજ્યનાં પાટનગર ગાંધીનગરને બદલે અમદાવાદમાં આ કૂચ કરી રહેલાં જોવા મળી રહ્યાં હતાં. 13મી તારીખે આ કૂચ અમદાવાદનાં સરદાર બાગ લાલદરવાજાથી શરુ થશે અને એલીસબ્રીજ વિસ્તારમાં આવેલાં પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય રાજીવ ગાંધી ભવન સુધી જશે એવી જાહેરાત પણ કોંગ્રેસે આગલે દિવસે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી દીધી હતી. આથી ગુજરાતનું વિરોધ પ્રદર્શન ગાંધીનગરનાં રાજભવન ખાતે થવાનું જ ન હતું એ બાબતે ગુજરાત કોંગ્રેસ સ્પષ્ટ હતી એ સાબિત થાય છે.

    - Advertisement -

    હવે મુદ્દો અહીં એ છે કે જ્યારે સમગ્ર દેશમાં રાજભવન ખાતે દેખાવો કરવાનાં હતાં ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગુજરાતનાં રાજભવનથી બરોબર ત્રીસ કિલોમીટર દૂર એવા અમદાવાદનાં લાલદરવાજા ખાતે આ પ્રદર્શન કરશે એવો નિર્ણય કેવી રીતે લઇ શક્યા? શું આ મામલે દિલ્હીથી ખોટો સંદેશ આવ્યો હતો કે પછી આ સ્પષ્ટ સંદેશને સમજવામાં ગુજરાત કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો ગોથાં ખાઈ ગયાં હશે?

    શું ગુજરાત કોંગ્રેસને રાજભવન સુધી જવાની પોલીસ મંજુરી ન મળી હોય એટલે એમણે આ પ્રકારે સાવ નવો કાર્યક્રમ બનાવ્યો હશે? પરંતુ આવું તો ભૂતકાળમાં અનેક વખત બન્યું છે કે પોલીસ પરમીશન ન હોવા છતાં કોંગ્રેસે ગાંધીનગરમાં પ્રદર્શન કર્યા છે અને પોતાનાં વરિષ્ઠ નેતાઓની અટકાયત વહોરી લીધી છે, તો આ વખતે એવું તે શું બન્યું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડની કદાચ સ્પષ્ટ સુચના હોવા છતાં ગાંધીનગરની સરહદ સુધી પણ ન ગયાં?

    મજાની વાત તો હવે આવે છે. દેશભરમાં આ પ્રકારે મોંઘવારી અને અદાણી અંગે રાજભવન ખાતે પ્રદર્શન થયાં હોવાની એક પછી એક રાજ્યની ટ્વીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં આધિકારિક ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવી. જેમાં ગુજરાતના પ્રદર્શન અને ફોટાની ટ્વીટમાં ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ રાજભવન તરફ કૂચ કરી રહ્યાં છે એવું દર્શાવવામાં આવ્યું છે.    

    જ્યારે આગલા દિવસથી જ ગુજરાત કોંગ્રેસનું ટ્વીટર હેન્ડલ કહી રહ્યું હતું કે તેમની વિરોધ કૂચ અમદાવાદનાં લાલદરવાજા પર શરુ થશે અને એલીસબ્રીજ સુધી જશે ગાંધીનગરનાં રાજભવન સુધી નહીં તો પછી શું દિલ્હી હાઈકમાન્ડને તેની ખબર નહીં હોય? કદાચ નહીં જ હોય નહીં તો કૂચ પતી ગયા પછીની આધિકારિક ટ્વીટમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાજભવન ને બદલે અમદાવાદ લખ્યું હોત.

    કે પછી એવું હશે કે ગુજરાત કોંગ્રેસે કૂચ પત્યા પછી આ કૂચ અમદાવાદ નહીં પરંતુ ગાંધીનગરના રાજભવન પર જ થઇ હતી એવો કોઈ સંદેશ મોકલ્યો હશે? એક શક્યતા એવી પણ છે કે અમદાવાદમાં એ કૂચ કર્યા બાદ જ્યારે દિલ્હીએ રાજભવન લખ્યું ત્યારે ગુજરાત કોંગ્રેસનાં આગેવાનો તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ કહીને બેસી ગયાં હશે જેથી જો હાઈકમાન્ડને કૂચનું સ્થળ ગાંધીનગરથી દૂર હોવાની સ્પષ્ટતા થતાં જ ગુસ્સો ન આવે.

    ઉપર કહેલી દરેક શક્યતાઓમાંથી કોઇપણ એક શક્યતા ભલે સાચી હોય પરંતુ ગુજરાત કોંગ્રેસમાં જે પ્રકારની અસમંજસ પ્રવર્તે છે તેની આ તાજી ઘટના સૂચક સાક્ષી પૂરે છે. આથી જો પોતાનાં સંગઠનમાં જ જો સ્પષ્ટ સંદેશ ન મોકલવો હોય કે પછી જાણીજોઈને સત્યને છુપાવવાની ભાવના હોય તો પછી કોંગ્રેસ કઈ રીતે ગુજરાતની પ્રજામાં પોતે સત્યની સાથે છે એવો સંદેશ આપી શકશે?

    ગુજરાત વિધાનસભામાં આ વખતે વિપક્ષના નેતાનું પદ પણ ન મેળવી શકનાર કોંગ્રેસ હજી કેટલી અક્ષમ્ય ભૂલો કરશે એની કદાચ ઉપરવાળાને પણ ખબર નહીં હોય!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં