Tuesday, March 10, 2026
More
    હોમપેજરાજકારણદરેક નાની-મોટી સમસ્યા માટે મોદીને જવાબદાર ઠેરવવાની કળા

    દરેક નાની-મોટી સમસ્યા માટે મોદીને જવાબદાર ઠેરવવાની કળા

    વિપક્ષો દેશમાં બનતી નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી ઘટનાઓ માટે ગણતરીની મિનિટોમાં મોદીને જવાબદાર ઠેરવી શકે છે, મોદીને સવાલો કરી શકે છે અને ચહેરા પર શરમનો અંશ માત્ર આવવા દેતા નથી.

    - Advertisement -

    અમુકને આદત હોય છે, પોતાની નિષ્ફળતાઓ માટે દોષનો ટોપલો બીજાના માથે ઢોળવાની. એ દુઃખી પોતાના કર્મે થતો હોય પણ બીજાને ‘તેં આમ કર્યું એટલે મારી સાથે આમ થયું’ એમ કહીને તરત જવાબદાર ઠેરવી દે. આવું કરવાનો ફાયદો એ છે કે માણસ પોતે ગિલ્ટમાંથી બહાર આવી રહે છે. પછી એને રાત્રે નિરાંતે ઊંઘ આવે છે. આ જે કંઈ થયું તેના માટે પેલો ફલાણો કે ઢીંકણો જ જવાબદાર છે એવું તે માની લે છે. પોતાને નિષ્ફળ ગણતો નથી. જીવન ચાલ્યા કરે છે. રાજકારણમાં આ કામ વર્ષોથી કોંગ્રેસે ઉપાડી લીધું છે. 

    કોંગ્રેસનો, તેની ઇકોસિસ્ટમનો અને આમ જોવા જાઓ તો લોકસભા ચૂંટણી પહેલાં બનેલા અને હવે નાશપ્રાય થવાના આરે પહોંચેલા વિપક્ષના INDI નામના ઝુંડમાં સામેલ મોટાભાગની પાર્ટીઓનો તેઓ જ્યારથી સત્તામાંથી ફેંકાઈ ગયા ત્યારથી એક સર્વસામાન્ય નિયમ રહ્યો છે. આ દેશમાં જે કંઈ સારું થાય છે (જોકે મોદીના રાજમાં દેશમાં કશુંક સારું થાય એ તેઓ માનવા તૈયાર હોતા નથી, પણ ઘણી વખત પછી માનવું પડે છે!) તો તેની પાછળ કાં તેઓ જવાબદાર છે, કારણ કે પોતે ‘મજબૂત’ વિપક્ષ છે. (એ કોણ બોલ્યું કે પાંચસોમાંથી પચાસ સીટ લાવનારાઓને ‘મજબૂત’ ન કહેવાય!) અથવા પછી તેના માટે એ નેતાઓ જવાબદાર છે જેમણે આ દેશનો પાયો નાખ્યો હતો. તે નેતાઓ કોણ? શ્રીમાન નેહરુજી. તેમનાં પુત્રી ઇન્દિરાજી. તેમના પુત્ર રાજીવજી. 

    જે કંઈ ખોટું થાય તેના માટે જવાબદાર? મોદી. તેઓ દેશમાં બનતી નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી ઘટનાઓ માટે ગણતરીની મિનિટોમાં મોદીને જવાબદાર ઠેરવી શકે છે, મોદીને સવાલો કરી શકે છે અને ચહેરા પર શરમનો અંશ માત્ર આવવા દેતા નથી. આ એક કાળા છે. તમારામાં ન હોય તો તમે રાજકારણી ન બની શકો. વિપક્ષના રાજકારણી ન બની શકો, ટૂ બી પ્રિસાઈઝ. 

    - Advertisement -

    સત્તા સંભાળ્યા પછીથી આડેધડ મનમાં આવે એમ નિર્ણય લેતા જતા સ્વઘોષિત જગતજમાદાર સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં એચ વનબી વિઝા સંદર્ભે નિર્ણય કર્યો તેની માઠી અસર ભારત પર પડશે એવું મીડિયાનાં માધ્યમોએ ચલાવ્યું એટલે વિપક્ષોએ, ઇકોસિસ્ટમે ફરી મોદી તરત બંદૂકનું નાળચું ફેરવીને પૂછવા માંડ્યું કે આવું કેમ થયું? 

    ભલા માણસો, મોદી શું અમેરિકાનું શાસન સંભાળે છે? ટ્રમ્પ મોદીનો દોસ્તાર હોય તેનાથી શું તેના તમામ નિર્ણયો માટે મોદીને જવાબદાર ગણવાના? 

    ટેરિફમાં પણ આ ગેંગ આ જ નરેટિવ પર રમી. તેઓ કહેતા હતા કે મોદીના મિત્રે આવું કર્યું એટલે મોદી જ આના માટે જવાબદાર છે. ખરેખર તો ભારતના વિપક્ષે એક થઈને, એકસૂરે એમ કહેવું જોઈતું હતું કે અમેરિકાએ આટલા ધમપછાડા કર્યા પણ અમારા વડા પ્રધાન કે તેમની સરકાર ટસનાં મસ ન થયાં અને આખરે સામેના પક્ષે જ નમતું મૂકવાની શરૂઆત કરવી પડી. પણ આટલી ખાનદાની આ લોકોનામાં નથી. તેઓ છેક સુધી મોદીને જ પ્રશ્ન કરતા રહ્યા. 

    2014ની ચૂંટણી પછી એક જોક ફરતો થયો હતો કે કાલે ઉઠીને મોદી કહે કે આપણે સૌએ ફરજિયાત શ્વાસ લેવાનો છે તો આ વિપક્ષો મોઢે પ્લાસ્ટિકની કોથળીઓ વીંટી લે. આ તો જોકે હસવાની વાત થઈ, પણ સ્થિતિ વધતેઓછે અંશે આવી જ છે. એક દાયકા પછી પણ વિપક્ષ એ સ્વીકારવા માટે તૈયાર નથી કે એક સામાન્ય માણસ, સંઘનો એક પ્રચારક, જેની સાત પેઢીમાંથી કોઈએ સત્તા તરફ નજર કરી ન હતી એ ચોવીસ વર્ષથી ભારતીય રાજકારણના કેન્દ્રમાં કેમ રહી શકે અને હવે વૈશ્વિક રાજકારણમાં સ્થાન કઈ રીતે બનાવી શકે? 

    મોદી પ્રત્યેનો આ કારણ વગરનો દ્વેષ, મોદી પ્રત્યેની આ હીનભાવનાના કારણે વિપક્ષ દિશાહીન થઈ ચૂક્યો છે. તેમને હવે એ ખબર પડતી નથી કે કયા મુદ્દે વિરોધ કરાય અને કયા મુદ્દે સાથે રહેવાય. સાથે ન રહેવાય તો એટ લિસ્ટ ચૂપ રહેવાય. મોદી પ્રત્યેનો વ્યક્તિગત દ્વેષ તેમને દરેક મુદ્દાને મોદી સાથે જોડીને વિરોધ કરાવે છે અને એટલે જ હવે લોકોએ તેમને ગંભીરતાથી લેવાના માંડી વાળ્યા છે. તેઓ એટલા હતાશ થઈ ચૂક્યા છે કે હવે વિરોધ માટે આગળ-પાછળનાં કારણો પણ જોતા નથી. 

    આ બધામાં વિપક્ષની જે મૂળ ભૂમિકા છે એ નામશેષ થઈ ગઈ છે. અનેક મુદ્દાઓ છે જેની ઉપર સરકારનો વિરોધ થઈ શકે છે. વિપક્ષે આમ તો સરકારનો, મોદીનો વિરોધ કરવાનો જ હોય, કારણ કે એ વિપક્ષનું કામ છે. પણ એ કયા મુદ્દે કરવાનો હોય એ આ ગેંગને એક દાયકા પછી પણ સમજાયું નથી. સારું છે. આ લોકો આ જ મૂંઝવણમાં રહે એવી શુભેચ્છા પાઠવીએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં