વડોદરા: યુટ્યુબ ચેનલ બનાવીને હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની ધરપકડ, જેલહવાલે કરાયો

વડોદરા પોલીસે તાજેતરમાં એક ઈસમની ધરપકડ કરી, જે સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓને એલફેલ ગાળો ભાંડતો હતો અને તેનો વિરોધ કરનારાઓને મારી નાખવાની ધમકી આપતો હતો. નિલેશ જીતિયા વિરુદ્ધ એક યુવકની ફરિયાદ પર ગુનો નોંધવામાં આવ્યા બાદ શુક્રવારે પોલીસે ઉઠાવી લીધો હતો.

આરોપી નિલેશ વડોદરાના ખોડિયાર નગરનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

મામલાની વિગતો અનુસાર, અમરેલીના કરણ સોલંકીએ બાપોદ પોલીસ મથકે નોંચાવેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી તેની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ ચેનલ પર તેણે અનેક વિડીયો એવા અપલોડ કર્યા હતા, જેમાં હિંદુ દેવી-દેવતાઓને અભદ્ર ગાળો દેવામાં આવી હતી. વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

વિવાદ ત્યારે વકર્યો જ્યારે તેણે ડૉ. આંબેડકર અને ભગવાન રામની તસવીરો મૂકીને ભગવાન વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે પછીથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો.

વિવાદ બાદ નિલેશ સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યો અને હિંદુ દેવી-દેવતાઓ વિશે વધુ આપત્તિજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરી.

આ મામલે પછીથી કરણ સોલંકીએ ફરિયાદ નોંધાવ્યા બાદ નિલેશને પોલીસે ઊંચકી લીધો હતો. પછીથી તેની પાસે વિડીયો પણ ડિલીટ કરાવવામાં આવ્યા.

પોલીસે ધરપકડની પુષ્ટિ કરતાં કહ્યું કે નિલેશની ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.