Tuesday, March 18, 2025
More

    ‘મંદિરમાં માંગી હતી સુરક્ષા, તેમ છતાં કેનેડિયન પોલીસે ખાલિસ્તાનીઓને કરવા દીધો હુમલો’: ભારતીય હાઈકમિશન આકરા પાણીએ, ગુરુદ્વારા પરિષદે પણ કરી નિંદા

    કેનેડાના બ્રેમ્પટન (Brampton) હિંદુઓ પર થયેલા હુમલા બાદ ખાલિસ્તાનીઓની (Khalistanis) દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે. જ્યારે કેનેડા સરકારના નેતાઓએ આ ઘટનાના વિરોધમાં ખાલિસ્તાનીઓ પર નિશાન સાધ્યું છે, ત્યારે ઓટાવામાં ભારતીય હાઈકમિશન અને ઓન્ટારિયોમાં શીખ અને ગુરુદ્વારા કાઉન્સિલે પણ આ ઘટના અંગે પ્રેસ રિલીઝ જારી કરીને તેમની ચિંતા વ્યક્ત કરી છે.

    ભારતીય હાઈકમિશને આવા હુમલાઓને અત્યંત નિરાશાજનક ગણાવ્યા છે. સાથે એમ પણ કહ્યું કે, તેમણે હિંદુ સભા મંદિરની મદદથી કોન્સ્યુલર કેમ્પનું આયોજન કર્યું હતું પરંતુ ત્યાં પણ વિક્ષેપ પાડવામાં આવ્યો હતો. હાઈકમિશને કહ્યું કે, ભારતવિરોધી તત્ત્વોએ જે કંઈ કર્યું તેનાથી તે ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ કાર્યક્રમનું આયોજન સ્થાનિક અધિકારીઓની સુરક્ષાના આધારે કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે પોલીસ સુરક્ષા પણ માંગવામાં આવી હતી.

    જ્યારે OSGCએ તેની રજૂઆતમાં સ્થાનિક નાગરિકોને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પ્રાર્થનાસ્થળને પવિત્ર રહેવા દેવું જોઈએ. ત્યાં કોઈ હિંસા અને અરાજકતા ન ઊભી થવી જોઈએ. બ્રેમ્પટનમાં જે કંઈ બન્યું તે ખૂબ જ હેરાન કરનારું છે. આપણે એકબીજાના ધર્મોનું સન્માન કરવું જોઈએ.