Sunday, March 16, 2025
More

    મધરાતે ઘરમાં લૂંટના પ્રયાસ દરમિયાન અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો: ઘાયલ થતા કરાયો લીલાવતી હોસ્પિટલમાં દાખલ

    અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) અને તેની પત્ની કરીના કપૂરના બાંદ્રા (વેસ્ટ) સ્થિત ઘરમાં એક લૂંટારુ (robber) ઘૂસી ગયો. લૂંટના પ્રયાસ દરમિયાન તેણે સૈફ પર છરી વડે હુમલો કર્યો ત્યારે તે ઘાયલ થયો હતો. આ ઘટના ગુરુવારે મધરાતે લગભગ 2:30 વાગ્યે બની હતી જ્યારે અભિનેતા પરિવારના અન્ય સભ્યો સાથે પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા.

    પોલીસે જણાવ્યું કે ઘરના લોકો જાગી ગયા બાદ લૂંટારો ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે. બાંદ્રા પોલીસ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે અને ગુનેગારને પકડવા માટે અનેક પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

    એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, “સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં (Lilavati hospital) દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. લૂંટારુ સાથે ઝપાઝપીમાં તેમને છરીના ઘા વાગ્યા હતા કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.” તેઓ ઘાયલ છે. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનાની સમાંતર તપાસ કરી રહી છે.