2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષમુક્ત: અમિત શાહ સામે કરેલી આપત્તિજનક ટિપ્પણી મામલે નોંધાયો હતો કેસ

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વર્ષ 2018ના એક માનહાનિ કેસમાં ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સોમવાર, 26 ઑક્ટોબર 2026ના રોજ સુલતાનપુરની ખાસ MP-MLA અદાલતે આ કેસમાં રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છે. ચુકાદો પસાર થયો ત્યારે રાહુલ ગાંધી કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા હતા.

કોર્ટે રાહુલ ગાંધીને આરોપમાંથી મુક્ત કર્યા છે. વિગતવાર આદેશની હજુ રાહ જોવાઈ રહી છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન થઈ હતી. તે સમયે રાહુલ ગાંધીએ બેંગલુરુમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી પર જાહેરમાં અમિત શાહને ‘હત્યાના આરોપી’ તરીકે સંબોધિત કર્યા હતા.

આ નિવેદનને કારણે ભાજપના નેતાઓની લાગણી દુભાઈ હતી અને સ્થાનિક નેતા વિજય મિશ્રાએ 4 ઑગસ્ટ 2018ના રોજ સુલતાનપુરની કોર્ટમાં ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આરોપ હતો કે રાજકીય ફાયદા માટે વિપક્ષી નેતાની છબી ખરાબ કરવા આ નિવેદન આપવામાં આવ્યું હતું, જે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ગુનો બને છે.

2023માં જારી કર્યું હતું સમન્સ

આ કાનૂની લડાઈ લાંબો સમય સુધી ચાલી હતી. નવેમ્બર 2023માં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવા માટે સમન્સ જારી કર્યું હતું, જેના પગલે ફેબ્રુઆરી 2024માં રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજર થયા હતા અને ત્યારબાદ તેમને જામીન મળ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે રાહુલ ગાંધીના ભાષણના અવાજના નમૂના મેળવવાની અને તેની સચોટ તપાસ કરવાની માંગ પણ કરી હતી, જેથી નિવેદનની સત્યતા સાબિત થઈ શકે.

અદાલતમાં બંને પક્ષોના વકીલો વચ્ચે લાંબી દલીલો ચાલી હતી. રાહુલ ગાંધીના પક્ષ તરફથી એવો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો કે તેમના ભાષણને તેના સાચા સંદર્ભથી હટાવીને રાજકીય બદઈરાદાથી રજૂ કરવામાં આવ્યું હતું. તમામ સાક્ષીઓ, પુરાવાઓ અને કાનૂની પાસાઓની ચકાસણી કર્યા બાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ આ કેસનો અંતિમ ચુકાદો સંભળાવ્યો હતો.

કોર્ટે કયાં કારણો આપ્યાં તે વિગતવાર આદેશ આવ્યા બાદ જાણી શકાશે.