
ગુજરાત પોલીસ અને ભારતીય વિદેશ મંત્રાલયે સંયુક્ત પ્રયાસોથી મહેસાણાના વડાસમા ગામના ત્રણ નાગરિકોને ઇથોપિયામાં અપહરણકારોના ચુંગાલમાંથી સુરક્ષિત રીતે બચાવી લીધા છે. 30 વર્ષીય મમતા ચાવડા, 23 વર્ષીય રુત્વિક જાનસારી અને 27 વર્ષીય મયુરી ‘ડંકી રુટ’થી ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યાં હતાં. જોકે વચ્ચે ઇથોપિયામાં તેમને બંધક બનાવી ₹1 કરોડની ખંડણી માગવામાં આવી હતી, પરંતુ પોલીસે પરિવારે એક પણ રૂપિયો આપ્યા વિના ત્રણેયનો સલામત છુટકારો કરાવ્યો છે.
અહેવાલ અનુસાર પરિવારોમાં અમેરિકા જવા માટેની ઘેલછા એટલી હદે હતી કે કાયદેસર વિઝા ન મળતાં પરિવારે લાખો રૂપિયાનો જોખમી માર્ગ પસંદ કર્યો. મમતાના પતિ અગાઉથી અમેરિકામાં હોવાથી તેમણે કાયદેસર વિઝા મેળવવા અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતાં પરિવારે ‘ડંકી રૂટ’નો જોખમી માર્ગ પસંદ કર્યો હતો. સ્થાનિક એજન્ટોએ વિઝા વિના અમેરિકા પહોંચાડવાની લાલચ આપી મમતા, રુત્વિક અને મયુરીને તૈયાર કર્યા હતા. આ ગેરકાયદે મુસાફરી માટે એજન્ટોને વ્યક્તિદીઠ ₹60થી ₹75 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું.
20 સપ્ટેમ્બરે થયાં હતાં રવાનાં
20 સપ્ટેમ્બરે ત્રણેય ગુજરાતથી જયપુર, અબુધાબી થઈને ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યાં હતાં. તેમની પાસે ઇથોપિયાના કાયદેસર ઈ-વિઝા હતા અને તેઓ એક કેમ્પમાં રોકાયાં હતાં. એજન્ટોએ ત્યાંથી કેનેડા થઈ અમેરિકા લઈ જવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ 22 સપ્ટેમ્બરે પરિવાર સાથે છેલ્લી વાત થયા બાદ ત્રણેયના મોબાઇલ અચાનક બંધ થઈ ગયા હતા.
થોડા દિવસો બાદ ‘ખાન’ નામના વ્યક્તિએ પરિવારનો સંપર્ક કરી ત્રણેયનું અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું. તેણે ત્રણેયના જીવના બદલામાં ₹1 કરોડની ખંડણી માગી હતી. અગાઉથી જ લાખો રૂપિયા ચૂકવી ચૂકેલો પરિવાર વધુ પૈસા આપવાની સ્થિતિમાં ન હોવાથી આખરે તેમણે મહેસાણા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
અગાઉ પણ ગુજરાતીનું અપહરણ કરી લીધી હતી ₹40 લાખની ખંડણી
લેંગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં જ તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં સામે આવ્યું કે અગાઉ પણ વિદેશ જવા નીકળેલા એક યુવકનું ઇથોપિયામાં અપહરણ કરી ₹40 લાખની ખંડણી લેવાઈ હતી. આ પરથી પોલીસને શંકા ગઈ કે ગુજરાતી મુસાફરોને નિશાન બનાવતી કોઈ આંતરરાષ્ટ્રીય અપહરણ ગેંગ અહીં સક્રિય છે.
પોલીસ તપાસમાં મહેસાણાના સ્થાનિક એજન્ટ અને વડોદરાના ભાર્ગવ પટેલ નામના મુખ્ય એજન્ટની ભૂમિકા સામે આવી હતી. પરિવારે એજન્ટોને હપ્તેથી રકમ ચૂકવી હતી. હાલ પોલીસ આ એજન્ટોની અટકાયત કરવા અને માનવ-તસ્કરીનું આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે દરોડા પાડી રહી છે.
મહેસાણા પોલીસના ઇન્સ્પેક્ટર એ.એમ. ગેહલોતે પરિવાર સાથે મળી વ્યૂહાત્મક રીતે કામ લીધું હતું. પોલીસે ‘બાબા ખાન’ સાથે ફોન પર વાટાઘાટો ચાલુ રાખી ₹1 કરોડની માગણી સામે રકમ ઘટાડીને ₹15 લાખ સુધી લાવી દીધી હતી. પરિવારે પૈસા આપવાની અસમર્થતા દર્શાવતાં પોલીસના દબાણથી અપહરણકારો ગભરાઈ ગયા હતા.
પોલીસની વાટાઘાટોથી છૂટયા ત્રણેય
છુટકારો થયા બાદ ત્રણેય પીડિતોએ વિડીયો કોલ પર પોતાની આપવીતી જણાવી હતી. પીડિતોના જણાવ્યા અનુસાર એડિસ અબાબામાં તેમને એકાંત સ્થળે આંખે પટ્ટી બાંધી રખાયા હતા. રુત્વિક સાથે મારપીટ થઈ હતી, જ્યારે મહિલાઓ સાથે કોઈ ગેરવર્તન થયું નહોતું. દબાણ વધતાં અપહરણકારોએ તેમને એરપોર્ટ નજીક છોડી ભારતની ફ્લાઇટની ટિકિટ પણ આપી દીધી હતી.
આ સફળ કામગીરીમાં ગુજરાત પોલીસ, ભારતીય વિદેશ મંત્રાલય અને એડિસ અબાબા સ્થિત ભારતીય દૂતાવાસ વચ્ચેનું સંકલન મહત્વપૂર્ણ રહ્યું હતું. ભારતીય રાજદ્વારીઓ અને સ્થાનિક સત્તાવાળાઓના દબાણને કારણે પરિવારે રૂપિયો પણ ચૂકવવો પડ્યો નહોતો અને ત્રણેય નાગરિકો 1 ઓક્ટોબરે સલામત મુંબઈ પહોંચી ગયા હતા.

