
લગભગ પંદર દિવસ કરતાં વધારે સમયથી રાંચીના સ્ટેડિયમમાં પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓની ઝારખંડની હેમંત સોરેન સરકાર સાથે એક કરતાં વધુ તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા બાદ 10 ઑગસ્ટે વિધાનસભા માર્ચની ઘોષણા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે રવિવારે (9 ઑગસ્ટ) પણ વાતચીત થઈ હતી, પરંતુ કોઈ સમાધાન ન આવ્યું. સત્તાપક્ષ ઝારખંડ મુક્તિ મોરચાનું કહેવું છે કે સરકારે વિદ્યાર્થીઓને 98% માંગ માની લીધી છે. સાથે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ આંદોલન સમેટી લે અને સરકાર સાથે વાતચીત ચાલુ રાખે.
બીજી તરફ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ આ દાવો નકારી દીધો છે. તેમનું કહેવું છે કે સરકાર સમસ્યાના સમાધાન બાબતે ગંભીરતા દાખવી રહી નથી.
વિદ્યાર્થીઓની મુખ્ય માંગ એ છે કે ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા રદ કરવામાં આવે અને અનિયમિતતાઓની તપાસ CBI પાસે કરાવવામાં આવે. ઉપરાંત વિદ્યાર્થીઓએ જે એક્ઝામ રિફોર્મ મોડેલ સૂચવ્યું છે એ સ્વીકારીને લાગુ કરવામાં આવે. વિદ્યાર્થીઓએ કહ્યું કે સરકાર જૂઠાણું ફેલાવી રહી છે કે 98% માંગ માની લેવામાં આવી છે, પરંતુ CBI તપાસ માટે સહમતિ દર્શાવી નથી અને 13માંથી માત્ર 3 પરીક્ષા રદ કરવા માટે તૈયારી દર્શાવી છે. જ્યાં સુધી સંપૂર્ણ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
વિદ્યાર્થી નેતા સંજય મહેતાએ કહ્યું કે, “ત્રણ તબક્કાની વાતચીત પછી પણ સરકારે અમારી 100% માંગ માની નથી. હવે અમે મોટી સંખ્યામાં વિધાનસભા તરફ માર્ચ કરીશું અને આ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે.”
🚨छात्रों से अपील 🚨 pic.twitter.com/h84u849Hs6
— JPSC JSSC REFORM MANCH (@JPSCreformanch) August 9, 2026
પ્રદર્શનકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વર્તે અને કોઈ પણ પ્રકારે ટ્રાફિકને અડચણરૂપ ન બને અને અન્ય નાગરિકોને અસુવિધા ન થાય એનું ધ્યાન રાખે. પોલીસકર્મીઓ કે સુરક્ષાબળો સાથે કોઈ માથાકૂટમાં ન પડવા માટે પણ સૂચના અપાઈ છે કે અરાજકતા ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી છે.
પ્રદર્શનના કારણે રાંચી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને વિધાનસભા પરિસર બહાર પ્રતિબંધક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. પોલીસતંત્રને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. પોલીસે પ્રદર્શનકારીઓને સૂચના આપી છે કે માર્ચ દરમ્યાન અસામાજિક તત્ત્વોને ઘૂસવા દેવામાં ન આવે અને શાંતિ જાળવી રાખવામાં આવે.
પોલીસે કહ્યું છે કે વિધાનસભાના 750 મીટર દાયરામાં પ્રતિબંધક આદેશો લાગુ કરવામાં આવ્યા છે જે 12 ઑગસ્ટ સુધી લાગુ રહેશે. સુરક્ષા કારણોસર સોમવારે મોટાભાગની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

