Saturday, May 10, 2025
More

    આતંકવાદી પાકિસ્તાન માટે IMFએ મંજૂર કરી 1 બિલિયન ડોલરની લૉન, ભારતનો પુરજોર વિરોધ

    ભારત અને પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ અને તણાવ વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા શુક્રવારે (9 મે) પાકિસ્તાન માટે લગભગ 1 બિલિયન ડોલરની લૉન મંજૂર કરવામાં આવી હતી. ભારતે આ નિર્ણયનો પૂરજોર વિરોધ કરીને મતદાનમાં ભાગ લીધો ન હતો. 

    શુક્રવારે આંતરરાષ્ટ્રીય સંસ્થાની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ પાકિસ્તાનની લૉન મંજૂર કરવામાં આવી. IMFએ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી લેન્ડિંગ પ્રોગ્રામની સમીક્ષા કરીને અને પાકિસ્તાન માટે વધુ એક રેઝિલન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી લેન્ડિંગ પ્રોગ્રામને (1.3 બિલિયન ડોલર) મંજૂરી આપવામાં આવી. 

    ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો અને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ જોતાં સંપૂર્ણ શક્યતાઓ છે કે આ પૈસાનો ઉપયોગ સરહદપારના આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. 

    ભારતે એ પણ જણાવ્યું કે પાકિસ્તાન ઘણા સમયથી IMF પાસેથી લૉનના નામે પૈસા મેળવતું રહ્યું છે અને છેલ્લાં પાંચ વર્ષમાં જ ચાર વખત લૉન લીધી છે. જો આ પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પાકિસ્તાને વધુ પૈસાની માંગણી કરવાનો વખત ન આવ્યો હોત. પરંતુ આ બાબતો જણાવે છે કે પૈસા યોગ્ય જગ્યાએ વપરાય રહ્યા નથી અને તેનાથી આતંકવાદને પોષવામાં આવે છે. 

    ભારતે ત્યારબાદ મતદાનમાં ભાગ લીધો ન હતો. નોંધવું જોઈએ કે IMF બોર્ડમાં ક્યાં મતદાન કરવાનું રહે છે, ક્યાં અલગ રહી શકાય. નેગેટિવ વૉટિંગની પદ્ધતિ હોતી નથી.