મૂર્તિ ખંડિત કરી, પૂજા-અર્ચનાની વસ્તુઓ કરી વેરવિખેર: ગિરનાર પર્વત પર ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તોડફોડ, તપાસ શરૂ

જૂનાગઢમાં ગિરનાર પર્વતના 5500 પગથિયાં નજીક આવેલી નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની (ગોરખનાથ) પવિત્ર જગ્યામાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. 4-5 ઑક્ટોબરની મોડી રાત્રે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુઓ અને સંતોએ વિરોધ પણ નોંધાવ્યો છે. ગૌરક્ષનાથ મંદિરના મહંત સોમનાથ બાપુએ ઘટનાને લઈને પ્રતિક્રિયા પણ આપી છે. 

માહિતી અનુસાર, ગૌરક્ષનાથ મંદિરના મહંતે આરોપ લગાવ્યો છે કે મોડી રાત્રે ચાર શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી હતી અને પૂજા-અર્ચનાની સામગ્રી વેરવિખેર કરી નાખી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિતના સંત સમુદાયમાં આક્રોશ ફેલાયો છે. 

સંતોએ આ કૃત્ય કરનારાઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી છે. મંદિરના મહંતે જણાવ્યું છે કે પૂજારી સૂતા હતા ત્યારે તેમના રૂમને બહારથી બંધ કરી દઈને મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પૂજારીએ બારીમાંથી જોતાં ચાર શખ્સો નીચે ઊભા હતા. અસામાજિક તત્વોએ મંદિરની મૂર્તિની સાથે-સાથે કાચ અને પૂજાની અન્ય સામગ્રીને પણ નુકસાન પહોંચાડ્યું છે. 

સાધુ-સંતોએ આ ઘટનાને લઈને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે. તેમની માંગ છે કે આ ધર્મ વિરુદ્ધનું કૃત્ય કરનારા આરોપીઓને વહેલી તકે પકડીને કાયદેસરીની કાર્યવાહી કરવામાં આવે. મહંત સોમનાથ બાપુએ આશંકા વ્યક્ત કરતા કહ્યું છે કે અગાઉ પણ રામદેવજીને મૂર્તિ સ્થાપતા સમયે જૈન સમુદાય દ્વારા વિરોધ થયો હતો, ત્યારબાદ ત્રણ દિવસમાં જ તે મૂર્તિ ચોરાઈ ગઈ હતી. 

તેમણે આગળ જણાવ્યું છે કે હાલ આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું તે ના કહી શકાય, પરંતુ અવારનવાર હિંદુ મંદિરોને જૈન સંપ્રદાય દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. પોલીસે સાધુ-સંતોની અરજીના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નોંધ- પછીથી આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમની ઓળખ મંદિરના જ પગારદાર સેવાદાર (પૂજારી) કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટ તરીકે થઈ છે. કુકરેજાએ વધુ કમાણી માટે આ કાવતરું ઘડ્યું હતું.