સંસદમાં વક્ફ સુધારણા બિલ પાસ થયાના ગણતરીના કલાકોમાં જ કેરળ ભાજપના નેતાઓ કોચીના મુનમ્બમ પહોંચ્યા હતા. આ તે જ સ્થળ છે, જેની 400 એકર જમીન પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. આ વિસ્તારમાં મોટાભાગે ખ્રિસ્તી સમુદાય રહે છે અને તેમાંથી 600 પરિવારો પાસે જમીનોના પૂરતા દસ્તાવેજો પણ છે. તેમ છતાં વક્ફના દાવાથી વિવાદ વધ્યો હતો. વક્ફ બિલ પાસ થયા બાદ મુનમ્બમના 50 ખ્રિસ્તીઓ ભાજપમાં જોડાયા છે.
આ ગામમાં મોટાભાગની વસ્તી ખ્રિસ્તી સમુદાયની છે. તેઓ છેલ્લા 174 દિવસોથી વક્ફ બોર્ડના દાવા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. કારણ કે, રાજ્ય વક્ફ બોર્ડે તેમની પૈતૃક સંપત્તિઓ પર દાવો ઠોકી દીધો હતો. મુનમ્બમ પ્રદર્શનકારીઓની કાર્ય સમિતિના સંયોજક જોસેફ બેનીએ જણાવ્યું હતું કે, ભાજપમાં સામેલ થનારા તમામ 50 લોકો ખ્રિસ્તીઓ છે. તેઓ પહેલાં કોંગ્રેસ અને CMI(M)ના મતદાતાઓ હતા.
મુનમ્બમની મુલાકાત બાદ ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે ત્યાંનાં સ્થાનિકોને સંબોધીને કહ્યું હતું કે, આ રાજ્યના રાજકીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિવસ છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, “આ આંદોલને વડાપ્રધાન મોદી અને સંસદને સુધારા બિલ પાસ કરવાની તાકાત આપી છે. જ્યાં સુધી તમારી જમીન પર તમને ફરીથી તમારો અધિકાર નહીં મળે, ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. આ બિલમાં તમારો અધિકાર તમને પરત આપવાની શક્તિ છે. તમારો અવાજ સંસદ સુધી પહોંચ્યો છે અને આ લોકતંત્ર માટે એક ઉજ્જવળ ક્ષણ છે.”