Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતરાજ્યભરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: CM ભૂપેન્દ્ર પટેલે સાળંગપુરમાં કરી મહાઆરતી, અમરેલીના...

    રાજ્યભરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: CM ભૂપેન્દ્ર પટેલે સાળંગપુરમાં કરી મહાઆરતી, અમરેલીના ભૂરખિયા હનુમાન સહિત અનેક દેવાલયોમાં જામ્યો જન્મોત્સવનો રંગ

    ગુજરાતમાં હનુમાન જયંતિની ઉજવણી દરેક જગ્યાએ થઈ રહી છે. પ્રસિદ્ધ મંદિરો સિવાય તમામ ગામ કે શહેરોના સ્થાનિક મંદિરોમાં પણ ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન બજરંગબાણ, રામાયણ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    હનુમાન જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક હનુમાન મંદિરોથી લઈને પ્રસિદ્ધ હનુમાનજીના મંદિરો સુધી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ હનુમાન ચાલીસા, રામરક્ષા સ્તોત્ર અને સુંદરકાંડનું આયોજન કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે. તે જ અનુક્રમે સાળંગપુરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર અને અમરેલીના ભૂરખિયા હનુમાનજી મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી છે.

    મંગળવારે (23 એપ્રિલ, 2024) સાળંગપુરમાં સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાન જયંતિની વિશેષ ઉજવણી થઈ છે. વહેલી સવારે મંગળા આરતી, શૃંગાર આરતી તેમજ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં સંતોએ હનુમાનજીની વિશેષ પૂજા પણ કરી છે. સાથે જ ભક્તોને મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો છે. બાદમાં બપોરે દાદાને મીઠાઈનો અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. હનુમાન જયંતિ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે હનુમાનજી મંદિરમાં મહાઆરતી કરી હતી અને ભક્તિભાવથી શીશ નમાવ્યું હતું.

    સાળંગપુરમાં લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવનારા ભક્તોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. મંદિર પરિસર ‘જય શ્રીરામ’ના નારા સાથે ગૂંજી ઉઠ્યું હતું. મુખ્યમંત્રી બપોરના સમયે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપ સંગઠનના અન્ય ઘણા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ગુજરાતમાં અન્ય સ્થળોએ પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    ભવનાથના લંબે હનુમાન અને અમરેલીના ભૂરખિયા હનુમાન મંદિરમાં ઉજવણી

    રાજ્યમાં સાળંગપુર સિવાય પણ અન્ય પ્રસિદ્ધ મંદિરોમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં જૂનાગઢની ભવનાથ તળેટીમાં સ્થિત પ્રસિદ્ધ લંબે હનુમાન મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભવનાથની તળેટીમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાન જયંતિને લઈને ખાસ મહારાષ્ટ્રથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા. અહીં દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એ સિવાય હનુમાન જયંતિ નિમિત્તે યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે.

    ઉપરાંત અમરેલીના ભૂરખિયા હનુમાનજી મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં સૌરાષ્ટ્રની સાથે ગુજરાતના અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચ્યા છે. દાદાને લાડુનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. જે બાદ ભક્તોને પણ મહાપ્રસાદનો લાભ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાથી વિશેષ વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

    કેમ્પ હનુમાન મંદિરમાં પણ થઈ ઉજવણી

    ગુજરાતમાં હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે. જ્યારે અમદાવાદમાં પણ અનેક હનુમાન મંદિરોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં હનુમાનજીની મહાઆરતી બાદ પુષ્પોથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે હનુમાનજીને કિલોનો મહાલાડુ પણ અર્પણ કરવામાં આવ્યો છે. તે પછી અહીં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મારુતિ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યારપછી ધ્વજારોહણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

    ગુજરાતમાં હનુમાન જયંતિની ઉજવણી દરેક જગ્યાએ થઈ રહી છે. પ્રસિદ્ધ મંદિરો સિવાય તમામ ગામ કે શહેરોના સ્થાનિક મંદિરોમાં પણ ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન બજરંગબાણ, રામાયણ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં