કોઈપણ દેશના સ્થાપિત નિયમો, તેના કાયદા અને તેની નીતિઓને તોડીને કોઈ વ્યક્તિ તેમના જ દેશમાં એવી આશા રાખે કે, તેમનું સન્માન થવું જોઈએ તો તે સૌથી મોટી મૂર્ખામી છે. આ ઉપરાંત કાયદો તોડનાર તે ગુનેગાર માટે સંવેદના ઊભી કરવી અને સરકારને ટાર્ગેટ કરવા માટે તે ગુનેગારને ‘લાચાર’ અને ‘ગરીબ’ તરીકે દર્શાવવો પણ મૂર્ખામીની બીજી નિશાની છે. મીડિયા સંસ્થા ‘ઇન્ડિયા ટુડે’ (India Today) અને તેમના ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ (Rajdeep Sardesai) હમણાં આવું જ કર્યું છે. જ્યાં કોન્કલેવમાં એક એવા માણસને લાવીને બેસાડી દેવામાં આવ્યો,જે તાજેતરમાં જ અમેરિકાથી ડિપોર્ટ થયો હતો. એટલું જ નહીં, રાજદીપે રીતસર તેને સામે બેસાડીને, કેમેરા સામે ઇન્ટરવ્યૂ લીધો.
ઘટના એવી છે કે, ઇકોસિસ્ટમના ફેવરિટ ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈ ઇન્ડિયા ટુડે કોન્કવેલ 2025માં (India Today Conclave 2025) એક એવા વ્યક્તિને પકડીને લાવ્યા છે, જે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસ્યો (Infiltrators) હતો અને નામ બદલીને ત્યાં ઘણા સમય સુધી રહ્યો હતો. આખરે ટ્રમ્પ પ્રશાસનએ તેની સાચી ઓળખ સાબિત કરીને તેને ભારત ડિપોર્ટ (Deport) કર્યો છે. આ વ્યક્તિને સામેની ખુરશી પર બેસાડીને રાજદીપે એજન્ડા ચલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો.
કોઈપણ દેશના બંધારણ વિરુદ્ધ જઈને, તેના નિયમોને નેવે મૂકીને, તે દેશમાં ઘૂસણખોરી કરવી તે સ્પષ્ટ ગુનો છે અને તેના માટે કાર્યવાહી થાય જ, પણ રાજદીપ અને મીડિયા હવે આવા ગુનાઓમાં પકડાયેલા લોકોનો પણ એજન્ડા ચલાવવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તેમને વિકટીમ તરીકે દર્શાવીને સરકારને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇન્ડિયા ટુડે કોન્કવેલમાં પણ સતપાલ સિંઘ નામના એક ડિપોર્ટ થયેલા માણસને બેસાડીને રાજદીપે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને ગુનેગારને ‘પીડિત’, ‘લાચાર’ અને ‘ગરીબ’ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
રાજદીપ તે વ્યક્તિ માટે સહાનુભૂતિ ઊભી કરવાના પ્રયાસ કરે છે અને તેને ‘ગરીબ’ ગણાવે છે. જ્યારે તે કથિત ગરીબ પોતે જ ઇન્ટરવ્યૂમાં સ્વીકારે છે કે, તે 50થી 55 લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા ગયો હતો. તેના જવા પાછળનું કારણ પણ તે આપે છે. તે કહે છે કે, તેના માતા-પિતા ગંભીર બીમારીથી પરેશાન હતા, તેથી તેમની સારવાર માટે સતપાલ પોતાની જમીન વેચીને લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો.
India Today’s new low!
— Ankur Singh (@iAnkurSingh) March 8, 2025
Satpal Singh spent 55 Lakh for entering USA illegally.
Rajdeep says he was escaping poverty.
What’s next? A sympathy drive for lawbreakers?#AgendaTodayConclave pic.twitter.com/AZlt2YyC91
પ્રશ્ન તો એ પણ ઉઠી શકે છે કે, લાખો રૂપિયા ગેરકાયદેસર અન્ય દેશમાં ઘૂસવાના ચૂકવ્યા તો તેના કરતાં પોતાના માતા-પિતાની સારવાર માટે તે રકમ ઉપયોગમાં લેવાઈ શકી હોત. તે ન થઈ શકે તો 55 લાખમાંથી 20 લાખનું દેશમાં જ કોઈ અન્ય સ્થળે રોકાણ કરીને પોતાનો વેપાર પણ સેટ કરી શકાયો હોત. પરંતુ તે બધુ કરવા કરતાં સતપાલને અમેરિકા જવું વધારે સારું લાગ્યું.
ભારતમાં તકો ન મળતી હોવાની આડશ પાથરીને રાજદીપે સેટ કર્યો એજન્ડા
ઇન્ટરવ્યૂમાં રાજદીપ વારંવાર કહે છે કે, ભારતમાં ગરીબો અને સતપાલ જેવા લોકોને તકો મળતી નથી એટલે તે લોકો બહાર જાય છે. જોકે, સતપાલ સિંઘે પોતે કેમેરા સામે એવું કહ્યું છે કે, પંજાબમાં ગરીબી અને બેરોજગારી વધુ છે. તેણે આ સમસ્યા માટે પંજાબ સરકારને (AAP સરકાર) દોષી ઠેરવી છે. તેણે કહ્યું છે કે, પંજાબમાં ગરીબી અને બેરોજગારી વધુ છે, તેથી લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે અને મજબૂરીમાં આવા પગલાં ભરી રહ્યા છે. જો પંજાબમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યા ઊભી થતી હોય તો ત્યાંની સરકાર પર પ્રશ્નો ઉઠાવવા જોઈએ, નહીં કે, રાજદીપની જેમ કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરવી જોઈએ.
સતપાલ સિંઘે ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે પંજાબ સરકારને ટાર્ગેટ કરી હોવા છતાં રાજદીપ એક પણ શબ્દ પંજાબની AAP સરકાર વિરુદ્ધ નથી બોલ્યા. સતપાલની આ વાત સાંભળ્યા બાદ તેમણે દોષનો ટોપલો પંજાબના એજન્ટો પર ઢોળી દીધો. તેમણે કહ્યું કે, પંજાબમાં એજન્ટો આવા બધા કામો કરાવે છે તો તેમના પર કાર્યવાહી થવી જોઈએ.
વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે ભારત
રાજદીપે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, દેશમાં લોકોને તક મળતી નથી, બેરોજગારી અને ગરીબીના કારણે લોકો આવાં પગલાં ભરવા તૈયાર થઈ જાય છે અને ‘મજબૂરીમાં બિચારા ગેરકાયદેસર રીતે કોઈ દેશમાં ઘૂસી જાય છે.’ પણ અહીં હકીકત એ છે કે, ભારત વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં બીજા નંબરે આવે છે, મેન્યુફેક્ચરિંગ પણ વધી રહ્યું છે અને તેના કારણે નોકરીઓ પણ મોટાપ્રમાણમાં પેદા થઈ રહી છે.
દેશના લોકોની માથાદીઠ આવકમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. દેશનો ગરીબ અને પછાત વર્ગ પણ હવે પોતાના ખર્ચાઓ માટે બમણા રૂપિયા વાપરતો થઈ ગયો છે. તાજેતરના જ એક સરવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાંથી દારુણ ગરીબી નાબૂદ થવાની કગાર પર છે અને મોટાપાયે લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળી ગયા છે. જો કોઈ તક મળતી જ ન હોય તો આ થવું શક્ય જ નથી.
ગેરકાયદેસર ઘૂસણખોરીને ગ્લોરિફાય કરવાનો કર્યો પ્રયાસ
ગેરકાયદેસર વિદેશ જવું એ વિકલ્પોનો અભાવ નહીં, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં એક ઘેલછા છે. કોઈપણ દેશમાં કાયદાકીય પ્રક્રિયા વગર જ આખા દેશને ચૂનો લગાવીને ઘૂસી જનારો કોઈપણ વ્યક્તિ ગુનેગાર છે, તેને પોતાને પણ તે ખબર છે કે તેણે ગુનો કર્યો છે. ગુનેગારને સજા આપવી એ પણ તમામ દેશોનો અધિકાર છે અને તેમના બંધારણ અનુસાર, તે જે-તે સજા આપવા માટે તેઓ સ્વતંત્ર પણ છે. જોકે, અમેરિકાએ સજા ન આપીને પરત પોતાના દેશમાં ડિપોર્ટ કરવાનું અભિયાન ચલાવ્યું તે પણ આ લોકો માટે એક માફી સમાન છે.
ઇકોસિસ્ટમ એવા નેરેટિવ સેટ કરી રહી છે કે, દેશમાં વિકલ્પોનો અભાવ છે અને ગેરકાયદેસર રીતે કોઈ દેશમાં, કોઈપણ કારણોસર ઘૂસી જનારા વ્યક્તિઓ ‘બેબસ’, ‘લાચાર’ અને ગરીબ છે. એક રીતે આ કારસ્તાન ગેરકાયદેસર ઘૂસણખોરીને ગ્લોરિફાય કરવાનો પ્રયાસ છે. કાલે ઊઠીને આ ઇકોસિસ્ટમ બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો માટે પણ આવા અભિયાન ચલાવે તો નવાઈ નહીં. જોકે, તાજેતરમાં જ તેવા ઘૂસણખોરોને બચાવવાના અને તેમને છાવરવાના અનેકો પ્રયાસો થયા જ છે, પરંતુ તેમના માટે સહાનુભૂતિ ઊભી કરવી પણ દેશ વિરુદ્ધનો એક ગુનો જ ગણી શકાય.
ભૂલ સ્વીકારવાની જગ્યાએ રાજદીપ હજુ પણ ઘૂસણખોરોને ગણાવી રહ્યા છે ‘પીડિત’
રાજદીપના આ ઇન્ટરવ્યૂની ક્લિપ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણાએ તેમને ટોક્યા. મોહનદાસ પાઈએ રાજદીપને મેનશન કરીને પોસ્ટ કરી અને સવાલ કર્યો કે, શા માટે તેઓ મોટી રકમ ચૂકવીને ગેરકાયદેસર રીતે કોઈ દેશમાં ઘૂસનારા વ્યક્તિને ગ્લોરિફાય કરી રહ્યા છે. વધુમાં તે યુઝરે એવું પણ કહ્યું છે કે, તે ‘પીડિત’ હોવાની કથા કેમ સંભળાવવામાં આવી રહી છે? તેમણે કહ્યું કે, “ખૂબ શરમની વાત છે. તેમને ધોખો નથી અપાયો, તેઓ જાણતા જ હતા કે આ ગેરકાયદેસર છે, છતાં તેમણે મોટી રકમ ચૂકવી હતી. તેમણે જો તે પૈસા અહીં રોક્યા હોત તો તેમનું ભલું થયું હોત. કૃપા કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને ગ્લોરિફાય કરીને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરો.”
આ પોસ્ટના જવાબમાં ભૂલને સ્વીકારવાની જગ્યાએ રાજદીપે ફરીથી તે ઘૂસણખોરોને ‘પીડિત’ ગણાવ્યા હતા. તેમણે પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “કોઈપણનું મહિમામંડન’ નથી કરવામાં આવી રહ્યું. પરંતુ, તેવા લોકોની વાત સાંભળવી મહત્વપૂર્ણ છે, જેમણે ‘ડંકી રુટ’ અપનાવ્યો હતો. તેમની સાથે બેઈમાન એજન્ટો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. તેમાંથી ઘણા ‘પીડિત’ છે, ખલનાયક નહીં.” સાથે તેમણે એવી પણ દલીલ કરી કે, એ પ્રશ્ન થવો જોઈએ કે, આટલા લોકો પોતાની જમીનો વેચીને વિદેશ કેમ ભાગી રહ્યા છે. જોકે, આ પ્રશ્નનો જવાબ આપણે ઉપરની ચર્ચામાં જ આપી ચૂક્યા છીએ.
Oh cmon @TVMohandasPai baab: no one is ‘glorifying’ anyone. Far from it. But it is important to hear the stories of those who took the ‘dunki’ route, often duped by unscrupulous agents. Many of them are ‘victims’ and not villains. Ask yourself this instead: why do so many Indians… https://t.co/pKW0hCikNk
— Rajdeep Sardesai (@sardesairajdeep) March 8, 2025
ગુનો નાનો હોય કે મોટો, ગુનો ગુનો છે અને તેને કરનારા કોઈપણ માણસો ગુનેગાર છે. તેને ‘પીડિત’ અને ‘ગરીબ’ ગણાવી દેવાથી વાસ્તવિકતા નથી ભૂંસી શકાતી. વાસ્તવિકતા એ છે કે, આજે દેશનો ગરીબ અને પછાત વર્ગ સદીઓ બાદ પોતાના રોજિંદા ખર્ચામાં વધારો કરી રહ્યો છે અને ગરીબી રેખામાંથી બહાર નીકળી રહ્યો છે. ગરીબી નાબૂદ કરવા થયેલા પ્રયાસો, માથાદીઠ આવકમાં વધારો, પછાત સમૂહોમાં વધેલા ખર્ચાઓ અને દેશનું વિકસતું અર્થતંત્ર એ સાબિત કરે છે કે આજે દેશ કઈ સ્થિતિમાં છે. આ બધી બાબતો તો તથ્ય આધારિત છે, તેને ન તો જૂઠાણું કહી શકાય કે ન તો પ્રોપગેન્ડા. દેશ ક્યાં હતો અને ક્યાં પહોંચ્યો છે, તેની વાતો કરવાને બદલે આ ઇકોસિસ્ટમ સતત નવા-નવા તૂત લઈને આવે છે.